જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
-હર્ષ બ્રહ્મભટ્ટ

જે દિવસે આપણા છૂટાછેડાની સુનાવણી થઈ – રૂથ લેપ્સન (અનુ.: વિવેક મનહર ટેલર)

તું મને મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો.
આપણે ક્યારેય પરસ્પર માટે આટલું સૌજન્ય દાખવ્યું નહોતું.
તેં કહ્યું કે હું હજીય ફૂવડ જ છું ત્યારે આપણે ખૂબ હસ્યા.
ભોજન પતાવીને આપણે પાર્કિંગ લોટમાં ઊભા રહ્યાં.
તેં કહ્યું, તું આખરી શબ્દ કહી શકે છે
પણ મેં કહ્યું, ના, હું થાકી ગઈ છું
દરેક વાતને સમેટતાં સમેટતાં.
આ વખતે તારો વારો. છેલ્લો શબ્દ તારો.
પણ તને કહેવા માટે કશું સૂઝ્યું જ નહીં.
એટલે તું આપણી સિલ્વર કાર તરફ ગયો,
ને હું આપણી લાલ કાર તરફ.
ત્રણ વર્ષ થઈ ગયાં.
અને એય હવે એક વાર્તા જ લાગે છે.
હમણાં હમણાંથી તો મને એવું લાગતું જ નથી કે કદી તારી સાથે રહી હોઉં.
પણ આપણું એ દિવસનું સૌજન્ય હજી મને યાદ છે,
જ્યારે એનું કોઈ મહત્ત્વ જ નહોતું.

– રૂથ લેપ્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાનું શીર્ષક કાનૂની સંવેદનહીન તથ્ય છે જ્યારે કવિતા અલગાવના દર્દનું આલેખન છે. કદાચ એટલે જ કવિતાનું શીર્ષક જ કવિતાની પ્રથમ પંક્તિ પણ હોવા છતાં કવિએ એને દોહરાવી નથી. પરિણામસ્વરૂપે શીર્ષક અને પ્રથમ પંક્તિ વચ્ચે એકીસાથે ખાલીપો અને અનુસંધાન બંને અનુભવાય છે. અદાલતે ફારગતિની અરજી પર સહી કરી એ દિવસે (ભૂતપૂર્વ) પતિ એની (ભૂતપૂર્વ) પત્નીને સરસ રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જાય છે. આજે એ નાયિકાને ફૂવડ કહે છે ત્યારે નાયિકા ઝઘડતી નથી. બંનેને ખૂબ હસવું આવે છે. પણ આ હાસ્યની પાછળ આવી જ નાની નાની વાતો પર બંને વચ્ચે કેવડા મોટા ઝઘડા થતા હશે એ બે પંક્તિ વચ્ચેના અવકાશમાં સાફ સાફ વંચાય છે. આમ તો કોર્ટે ઉભયની સ્વેચ્છા પર જ દસ્તખત કર્યાં છે, તોય છૂટા પડતી વખતે બંને પાર્કિંગ લોટમાં ઊભા રહે છે. પુરુષ કદાચ જીવનમાં પહેલીવાર સ્ત્રીને છૂટા પડતી વખતે છેલ્લી વાત કહેવા આમંત્રે છે અને સ્ત્રી કદાચિત પહેલવહેલીવાર સંબંધ પર છેલ્લી સહી કરવા તૈયાર નથી. બંને જણ સાથે રહેતાં હશે ત્યારે પરિસ્થિતિ કેવી ઊલટી હશે એનો ચિત્કાર પણ સંભળાયા વિના રહેતો નથી. બંને જણ પોતપોતાના ભાગે આવેલી કાર તરફ જાય છે, પણ બંને કાર સાથે નાયિકા ‘આપણી’ વિશેષણ લગાડી બેસે છે. ખરી કવિતા જ અહીં છે.

આજે આ વાતને ત્રણ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. બે જણનો સંગાથ નાયિકાને હવે વાર્તા જેવો લાગે છે. જાણે બે જણ કદી સાથે જીવ્યાં જ નહોતાં. સંગાથ ભૂલી જવાયો છે, પણ છૂટા થતી વખતનું બંને જણનું પરસ્પર માટેનું સૌજન્ય ભૂલી શકાતું નથી. આ સૌજન્ય જ્યારે જરૂરી હતું ત્યારે બંનેએ દાખવ્યું હોત તો? અણીદાર ચપ્પુ માખણના લોંદામાં આરપાર ઉતરી જાય એ વેધકતાથી કવિતા આપણા હૃદયને ચીરી નાંખે છે…

19 Comments »

  1. વિવેક said,

    May 28, 2026 @ 10:50 AM

    The Day of Our Divorce Hearing

    you treated me to lunch, a spaghetti place.
    We had never been so kind to each other.
    When you said I’m still a slob we laughed.
    After lunch we stood in the parking lot.
    You said, You have the last word
    but I said, No, I’m tired of being
    the one who sums things up.
    You get the last word.
    But you couldn’t think of one.
    So off you went to our silver car,
    I to our red one.
    It’s three years later.
    And even that’s just a story now.
    Lately I don’t feel as if I lived with you.
    But I remember our kindness that day,
    when it no longer mattered.

    – Ruth Lepson

  2. daxa sanghavi said,

    May 28, 2026 @ 11:38 AM

    અલગતા -એક દીવાલ કેવી આડંબર ભરી સૌમ્યતા (છતાં અસહ્યતા )ઊભી કરે એનો અદભુત ચિતાર.

  3. Vrajlal Savaliya said,

    May 28, 2026 @ 11:54 AM

    ના ,હું થાકી ગઈ છું દરેક વાતને સમેટતા સમેટતા. બસ અહીં જ છુટાછેડાનું કારણ જડી જાય છે.

  4. Mukur Petrolwala said,

    May 28, 2026 @ 11:56 AM

    Marriage brings expectations. That probably goes against natural goodness. So when expectations are over….
    Nice poem n analysis

  5. Prutha Mehta-Soni said,

    May 28, 2026 @ 11:56 AM

    ખૂબ જ બારિક કવિતા અને અત્યંત સ્વાભાવિક અનુવાદ!
    ગમ્યું.

  6. Uma Parmar said,

    May 28, 2026 @ 12:00 PM

    સરસ… કવિતા અને અનુવાદ

  7. Neha Purohit said,

    May 28, 2026 @ 12:17 PM

    હું થાકી ગઈ છું- એ સ્વીકારવામાં ક્યારેક આખી જિંદગી
    પસાર થઈ જતી જોવા મળે છે. સ્ત્રી માટે આ ખૂબ અઘરું છે.
    જોકે હવે સમય ફર્યો છે. એ બહુ સારી બાબત છે.
    મસ્ત કાવ્યચયન માટે ધન્યવાદ.

  8. gaurang thaker said,

    May 28, 2026 @ 12:20 PM

    Waah waah…

  9. Jayesh Bhatt said,

    May 28, 2026 @ 1:16 PM

    વાહ

  10. Rakesh Thaker said,

    May 28, 2026 @ 1:52 PM

    ખૂબ જ સુંદર…સૌજન્ય દાખવી એ મુલાકાત કરી જે જીવનભર સાથ રહી અને જીવનની કડવી વાસ્તવિકતા સાથે પનારો પડ્યો ત્યારે વાત છુટાછેડા સુધી આવી ગઈ…કમાલ છે માનવ સ્વભાવ પણ જે ત્રણ વર્ષ માં ન જીવી શક્યા e ek પળમાં જીવી ગયાનો ઉલ્લાસ બંને અલગ રંગની કારના ઉપલક્ષ્યમાં ઉભયની વેદના વ્યક્ત કરી જાય છે જોરદાર…અભિનંદન સર્જકને અને આપને પણ…

    રાકેશ ઠાકર તરંગ

  11. Amin Kanchan said,

    May 28, 2026 @ 1:53 PM

    ખૂબ વેધક કવિતા

  12. વિજય રાજયગુરુ said,

    May 28, 2026 @ 5:39 PM

    સરસ

  13. Arvind Bhatt said,

    May 28, 2026 @ 8:09 PM

    સરસ રચના. સ્પર્શી ગઈ હ

  14. Prutha Mehta-Soni said,

    May 28, 2026 @ 10:07 PM

    ખૂબ જ બારિક કવિતા અને અત્યંત સ્વાભાવિક અનુવાદ!
    ગમ્યું.

  15. Harihar Shukla said,

    May 30, 2026 @ 11:50 AM

    ચીરી નાખે એવી ધારદાર છરી જેવી કવિતા

  16. Vrajesh Mistri said,

    May 31, 2026 @ 12:54 PM

    વાહ… ચિત્કાર વાળી લાઈન વિવેચનમાં સરસ લખી તમે…

  17. Kishor Ahya said,

    June 1, 2026 @ 10:46 PM

    “હમણાં હમણાંથી તો મને એવું લાગતું જ નથી કે કદી તારી સાથે રહી હોઉં.પણ આપણું એ દિવસનું સૌજન્ય હજી મને યાદ છે,જ્યારે એનું કોઈ મહત્ત્વ જ નહોતું.”
    “જે દિવસે આપણા છૂટાછેડાની સુનાવણી થઈ “– રૂથ લેપ્સન ના કાવ્યની આ છેલ્લી પંક્તિ કાવ્યનો સાર છે.

    પૃથ્વી પરના બધાજ દેશોમાં પતિ પત્ની વચ્ચેના ઝગડા અને છૂટાછેડા સામાન્ય બાબત છે. અહીં પણ છૂટાછેડા થયા પછી પતિ પત્ની એક બીજા સાથે જે નિખાલસતા બતાવે છે, વ્યવહારમાં જે મુર્દુતા લાવે છે એને પત્ની ત્રણ વર્ષ બાદ પણ યાદ કરે છે .કહે છે એ દિવસનું સૌજન્ય હજી મને યાદ છે. ખૂબીની વાત એ છે કે જે સમય સાથે રહ્યા એની કોઈ વાત નથી, સૌજન્ય યાદ છે! અને એવું નથી કે ફક્ત પતિ જ સૌજન્ય દાખવે છે ,પત્ની પણ એટલુ જ સૌજન્ય પતિ માટે દાખવેં છે. પતિના ફૂવડ કહેવા છતાં બંને નિખાલસતાથી હસી પડે છે .આમ છૂટાછેડાની કોઈ અસર કોઈ ઉપર દેખાતી નથી! બંધન અને મુક્તિ! જાણે કે બંને મુક્તિનો આનંદ લઈ રહ્યા ન હોય! બંધન કોઈને ગમતું નથી , કડવું છે પણ કહેવા દો… પોતાની જાતને બંધનમાં નાખવી એ મનુષ્યએ પોતાની સાથે કરેલું પોતાનું સૌથી મોટું અપમાન નથી?

    મનુષ્ય સૌથી સારો વ્યવહાર અજાણ્યા તરફ રાખે છે.જ્યારે નજદીકના લોકો પ્રત્યે ઘણીવાર રૂક્ષ વ્યવહાર કરે છે .આ મનુષ્યનું મનોવિજ્ઞાન છે. કારણ જોઈએ તો જ્યાં નજીકતા છે ત્યાં ઓપચારિકતા ની કોઈ જરૂર હોતી નથી એટલે સામે પક્ષે પણ એટલોજ રૂક્ષ વ્યવહાર હશે, આમ સંબંધમાં સૌજન્ય જળવાતું નથી, પરિણામ ક્ટુતા.

    બીજું ખાસ એ છે કે સૌજન્ય કેમ યાદ રહ્યું છે?મનુષ્યનો મન એવુ છે કે જે કોઈ દુઃખની વાત હોય એ મન યાદ રાખતું નથી અને સુખની નાની એવી વાત હોય તે પણ મનુષ્ય વર્ષો સુધી યાદ રાખે છે, એટલેજ બચપન ની વાતો બધાને યાદ રહે છે ને મીઠી પણ લાગે છે. બચપન માં પણ દુઃખ તો હશે જ પણ ભૂલી જવાતું હોય છે. આમ પતિ એ પત્ની પ્રત્યે દાખવેલ સૌજન્ય એ એક આનંદની અનુભૂતિ છે, જે યાદ રહ્યું છે.

    “ધ ડે ઑફ અવર ડિવોર્સ હિયરિંગ” કવિયત્રી રૂથ લેપ્સન ની વિશ્વ વિખ્યાત કૃતિ છે, વિશ્વના દેશોનની રચનાઓ , લયસ્તરો પર અનુવાદ સાથે માણવા મળે છે એ માટે શ્રી વિવેકભાઈનો ખૂબ ખૂબ આભાર.

    🌹🌹🌹🌹

  18. વિવેક said,

    June 3, 2026 @ 10:44 AM

    આ વખતે તો ઘણા મિત્રોએ વિસ્તારપૂર્વક પોતાના મંતવ્યો જણાવ્યાં છે… સહુનો ફરી ફરીને હૃદયપૂર્વક આભારી છું…

  19. dhruv kumar said,

    July 2, 2026 @ 1:08 PM

    કવિતાની એક બહુ મોટી નબળાઈ , જેને સાહિત્યિક ભાષામાં “નાટ્યાત્મક સગવડ” (Dramatic Convenience) અથવા કવિતાને પરાણે ‘પોએટિક ટ્વિસ્ટ’ આપવાની કોશિશ છે.
    ​”જ્યારે નાયિકા સંબંધોને સમેટતાં-સમેટતાં સાચે જ થાકી ગઈ હોય, ત્યારે તેને છેલ્લી વાર હોટલમાં જમવાનું અને તે પણ એક નકામું સૌજન્ય આટલા વર્ષો પછી આટલી તીવ્રતાથી યાદ ન રહી શકે.”

    ​છૂટાછેડા એ કોઈ પિકનિક કે સામાન્ય વિદાય નથી. એની પાછળ વર્ષોની કડવાશ, માનસિક તણાવ, ઝઘડા અને આંતરિક તૂટવાનો મોટો આઘાત હોય છે. આવી ગંભીર અને પીડાદાયક ક્ષણ પછી, કવિતાના અંતમાં કવયિત્રી જ્યારે એવું કહે છે કે “તે દિવસનું સૌજન્ય હજી મને યાદ છે, જ્યારે એનું કોઈ મહત્ત્વ જ નહોતું” — ત્યારે એ વાત તાર્કિક રીતે ગળે ઉતરતી નથી.
    ​ચાલો સમજીએ કે આ કવિતાનો અંત કેમ કૃત્રિમ અને પરાણે ઘડેલો લાગે છે:
    ​૧. ભાવનો વિરોધાભાસ (Emotional Inconsistency)
    ​કવિતામાં નાયિકા કહે છે કે હવે ત્રણ વર્ષ થઈ ગયા છે અને તેને એવું પણ નથી લાગતું કે તે ક્યારેય પેલા પુરુષ સાથે રહી હોય (એટલે કે તે સંપૂર્ણપણે આગળ વધી ગઈ છે – Move on થઈ ગઈ છે). જો તેને એ આખો સંબંધ એક જૂની વાર્તા જેવો જ લાગતો હોય, તો પછી એ જ દિવસે બતાવેલું ક્ષણિક, ઔપચારિક ‘સૌજન્ય’ (Politeness) આટલું ઊંડું કેવી રીતે રહી શકે? કાં તો નાયિકા હજી ભૂતકાળના મોહમાં જીવે છે, અથવા તો તે ખોટી તટસ્થતાનો દેખાવ કરે છે.
    ​૨. ‘યાદગાર’ બનાવવાની કૃત્રિમ કોશિશ
    ​ કવિતાને કવિતા બનાવવા માટે જ આ અંત રચવામાં આવ્યો છે. પશ્ચિમી સાહિત્યમાં (ખાસ કરીને આવી મિનિમલિસ્ટ અછાંદસ કવિતાઓમાં) છેલ્લી લીટીમાં એક ચોટ અથવા ‘આયર્ની’ (Irony) મૂકવાનો ટ્રેન્ડ છે.
    ​કવયિત્રીએ વિચાર્યું કે જો હું એમ કહીશ કે “મને એનું સૌજન્ય યાદ છે, જેનું કોઈ મહત્વ નહોતું”, તો વાચક પ્રભાવિત થઈ જશે.
    ​પણ વાસ્તવમાં, આ એક મેલોડ્રામા (Melodrama) બની ગયો. વાસ્તવિક જીવનમાં જ્યારે સંબંધો આટલી હદે વણસી જાય, ત્યારે છેલ્લી મુલાકાતનું બહુ મોંઘી રેસ્ટોરન્ટમાં જવું કે એકબીજા પર હસવું એ બધું જ નકલી અને પરાણે ગોઠવેલું નાટક લાગે. કવિતા એ નાટકને એક ગંભીર ભાવ તરીકે સ્વીકારવાનું કહે છે, જે વાચક તરીકે આપણને ખટકે છે.
    ​૩. વાસ્તવિક સંઘર્ષની અવગણના
    ​ છૂટાછેડા એ વર્ષોની તકલીફોનું પરિણામ છે. પણ આ કવિતા એ આખી પીડાને સાઈડમાં મૂકીને માત્ર બે ગાડીઓ (સિલ્વર અને લાલ કાર) જુદી જુદી દિશામાં જવી, હોટલનું બિલ, અને છેલ્લો શબ્દ કોણ બોલશે – જેવી સુપરફિશિયલ (ઉપરછલ્લી) વાતો પર જ ફોકસ કરે છે. આનાથી છૂટાછેડા જેવી મોટી ઘટના બહુ હળવી અને ‘ગ્લેમરાઈઝ્ડ’ (Glamorized) થઈ જાય છે, જે વાસ્તવિક જિંદગીના સંઘર્ષોથી સાવ વેગળી છે.
    ​રૂથ લેપ્સનની આ કવિતા પણ વાસ્તવિક માનવ-મનોવિજ્ઞાનની એરણ પર ખરી નથી ઉતરતી. તે માત્ર એક સુઘડ, સુંદર દેખાતી વાર્તા જેવી કવિતા છે, જેમાં ‘કવિતા હોવાનો’ ઢોંગ વધારે છે અને સાચી પીડા કે સત્ય ઓછું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment