જે દિવસે આપણા છૂટાછેડાની સુનાવણી થઈ – રૂથ લેપ્સન (અનુ.: વિવેક મનહર ટેલર)
તું મને મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો.
આપણે ક્યારેય પરસ્પર માટે આટલું સૌજન્ય દાખવ્યું નહોતું.
તેં કહ્યું કે હું હજીય ફૂવડ જ છું ત્યારે આપણે ખૂબ હસ્યા.
ભોજન પતાવીને આપણે પાર્કિંગ લોટમાં ઊભા રહ્યાં.
તેં કહ્યું, તું આખરી શબ્દ કહી શકે છે
પણ મેં કહ્યું, ના, હું થાકી ગઈ છું
દરેક વાતને સમેટતાં સમેટતાં.
આ વખતે તારો વારો. છેલ્લો શબ્દ તારો.
પણ તને કહેવા માટે કશું સૂઝ્યું જ નહીં.
એટલે તું આપણી સિલ્વર કાર તરફ ગયો,
ને હું આપણી લાલ કાર તરફ.
ત્રણ વર્ષ થઈ ગયાં.
અને એય હવે એક વાર્તા જ લાગે છે.
હમણાં હમણાંથી તો મને એવું લાગતું જ નથી કે કદી તારી સાથે રહી હોઉં.
પણ આપણું એ દિવસનું સૌજન્ય હજી મને યાદ છે,
જ્યારે એનું કોઈ મહત્ત્વ જ નહોતું.
– રૂથ લેપ્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતાનું શીર્ષક કાનૂની સંવેદનહીન તથ્ય છે જ્યારે કવિતા અલગાવના દર્દનું આલેખન છે. કદાચ એટલે જ કવિતાનું શીર્ષક જ કવિતાની પ્રથમ પંક્તિ પણ હોવા છતાં કવિએ એને દોહરાવી નથી. પરિણામસ્વરૂપે શીર્ષક અને પ્રથમ પંક્તિ વચ્ચે એકીસાથે ખાલીપો અને અનુસંધાન બંને અનુભવાય છે. અદાલતે ફારગતિની અરજી પર સહી કરી એ દિવસે (ભૂતપૂર્વ) પતિ એની (ભૂતપૂર્વ) પત્નીને સરસ રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જાય છે. આજે એ નાયિકાને ફૂવડ કહે છે ત્યારે નાયિકા ઝઘડતી નથી. બંનેને ખૂબ હસવું આવે છે. પણ આ હાસ્યની પાછળ આવી જ નાની નાની વાતો પર બંને વચ્ચે કેવડા મોટા ઝઘડા થતા હશે એ બે પંક્તિ વચ્ચેના અવકાશમાં સાફ સાફ વંચાય છે. આમ તો કોર્ટે ઉભયની સ્વેચ્છા પર જ દસ્તખત કર્યાં છે, તોય છૂટા પડતી વખતે બંને પાર્કિંગ લોટમાં ઊભા રહે છે. પુરુષ કદાચ જીવનમાં પહેલીવાર સ્ત્રીને છૂટા પડતી વખતે છેલ્લી વાત કહેવા આમંત્રે છે અને સ્ત્રી કદાચિત પહેલવહેલીવાર સંબંધ પર છેલ્લી સહી કરવા તૈયાર નથી. બંને જણ સાથે રહેતાં હશે ત્યારે પરિસ્થિતિ કેવી ઊલટી હશે એનો ચિત્કાર પણ સંભળાયા વિના રહેતો નથી. બંને જણ પોતપોતાના ભાગે આવેલી કાર તરફ જાય છે, પણ બંને કાર સાથે નાયિકા ‘આપણી’ વિશેષણ લગાડી બેસે છે. ખરી કવિતા જ અહીં છે.
આજે આ વાતને ત્રણ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. બે જણનો સંગાથ નાયિકાને હવે વાર્તા જેવો લાગે છે. જાણે બે જણ કદી સાથે જીવ્યાં જ નહોતાં. સંગાથ ભૂલી જવાયો છે, પણ છૂટા થતી વખતનું બંને જણનું પરસ્પર માટેનું સૌજન્ય ભૂલી શકાતું નથી. આ સૌજન્ય જ્યારે જરૂરી હતું ત્યારે બંનેએ દાખવ્યું હોત તો? અણીદાર ચપ્પુ માખણના લોંદામાં આરપાર ઉતરી જાય એ વેધકતાથી કવિતા આપણા હૃદયને ચીરી નાંખે છે…
