આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

આવકાર સપ્તાહ: ૦૭: ‘મનોમન’ – રીના પરીખ

આવકાર સપ્તાહની હાલ પૂરતી આ સાતમી અને અંતિમ કડી… બીજા સંગ્રહોને આવકારવા જલ્દી જ ફરી મળીશું…

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ ગઝલસંગ્રહ ‘મનોમન’ને ઉષ્માભર્યો આવકાર.

લયસ્તરો પર નોંધ લેવાય એ હેતુસર ઘણા નવ્યકવિઓના સંગ્રહ સતત મળતા રહે છે. એમાંથી ઘણાખરા સંગ્રહમાંથી બધા શેર સારા થયા હોય અને લયસ્તરો પર મૂકી શકાય એવી આખી રચના મળતી ન હોવાથી પસંદગીના શેર ટાંકીને કામ ચલાવી લેવું પડતું હોય છે. પણ ક્યારેક એવા સંગ્રહ પણ હાથ આવે છે, જેમાંથી આખી ગઝલ તો જડી જ આવે પણ પસંદગીના શેર પણ વિપુલ માત્રામાં હાથ આવ્યા હોવાથી લંબાણના ભયે એમાંય કાપકૂપ કરવાની ફરજ પડે. લબ્ધખ્યાત સર્જક શ્રી રઈશ મનીઆરે આ સર્જકની બે ખાસિયત પ્રસ્તાવનામાં નોંધી છે. એક, ‘આ સર્જક પોતે કવયિત્રી હોવા છતાં એમનો કાવ્યનાયક પુરુષ છે.’ અને બે, એમની રદીફની પસંદગી. રઈશભાઈ સાથે સહમત થઈ કહેવું પડે કે નવોદિત સર્જકોના પ્રથમ સંગ્રહમાં આ પ્રકારનું રદીફવૈવિધ્ય જૂજ જ જોવા મળે છે. આ સંગ્રહમાં એકાધિક દીર્ઘ ગઝલો પણ સમાવિષ્ટ છે. ઇયત્તા ગુણવત્તા પર ભારી પડી હોય એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. સ્વવિવેક કેળવીને સર્જક આ બાબત પર ધ્યાન રાખશે તો એમનાઉજળા ભવિષ્ય બાબત કોઈ શંકા નથી. શુભકામનાઓ…

કર્યું છે આંખમાં સ્થાપન, તમારે આવવું પડશે,
છે આ આંસુનું ઉદઘાટન, તમારે આવવું પડશે.

તમારી વાત નીકળે ત્યાં થતી વાતો અમારી પણ,
અમારી નામના પાછળ તમારો હાથ મોટો છે.

તમે છોડી ગયા તો આવ-જા છે બંધ ખુશબૂની,
પવનની સ્તબ્ધતા પાછળ તમારો હાથ મોટો છે.

તીરથ પર પહોંચવા આવ્યા ને આવી ગઈ તમારી યાદ,
અધૂરી જાતરા પાછળ તમારો હાથ મોટો છે.

પ્રભુએ કાનમાં સૌના અહીં સરખું જ કીધું છે,
‘જગતમાં તું જ છે સૌથી સરસ માણસ, ભલા માણસ.’

મૌન મારું સવાલ છે કોઈ,
તારું રડવું જવાબ છે કોઈ.

છૂપાં પગલે એ આવીને, હૃદયમાં ઊતરી જાશે,
રણકશે એ પછી ઝાંઝર, તમારું કંઈ નહીં ચાલે.

છે બેઉ વચ્ચે હવે પ્રેમની પરાકાષ્ઠા,
રમી રહ્યાં છે સતત રાસ શાંત બેસીને.

જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?

હતાં આંખોમાં આંસુ તો વજન બહુ લાગતું હતું,
બજારે વેચવા કાઢ્યાં તો તદ્દન હળવાં જોખાયાં.

થોડી શરમ ને થોડી કલા કામ આવશે,
હૈયેથી જ્યારે હોઠ ઉપર નામ આવશે.

જ્યાં સુધી મળવું થયું નહીં, એકબીજામાં હતાં,
ને મળ્યાં એ બાદમાં, બસ એ હતી ને હું હતો.

હશે વેણ મીઠાં તો થઈ જઈશું ઘાયલ,
અમસ્તાં અમસ્તાં જ બળ વાપરો છો.

ફાવ્યું ના એને જરા સમજાવવાનું,
આપણે શીખી ગયા મન મારવાનું.

ખરેખર જે હતાં સૌ કામનાં, બેસી ગયાં ચૂપચાપ,
કર્યાં તોફાન ખોટાંએ, ખરાં બેસી ગયાં ચૂપચાપ.

પહોંચી ગયું છે સાવ અડોઅડ ગુમાનની,
થોડો વધારો જો થયો મારા સ્વમાનમાં.

મળે જો સ્પર્શ તારો થાય શું? જાતે વિચારી લે,
એ સૂકી ડાળ પર કૂંપળ તને જોતાં જ ફૂટી છે.

જ્ઞાન પીરસવામાં એવા વ્યસ્ત છો,
આચરણ માટે સમય મળતો નથી.

જરૂરી થઈ પડે ત્યારે સ્વયંને સાચવી લઈશું,
ખુમારી સાચવી લઈશું, અહમને સાચવી લઈશું.

અદબ, સમજણ, ક્ષમા ને નમ્રતાનીએહ.ડી. ના થાય,
સતત ખર્ચ્યા કરીને આ રકમને સાચવી લઈશું.

જો બ્હાર કોઈ દૃશ્યમાં વૈવિધ્ય ના રહ્યું,
પ્રત્યેક બારી પર કર્યા પડદા અલગ-અલગ.

આંખોની સારવારમાં બંને સમાન છે,
જોયા કરું તને કે હું જોઉં લીલોતરી!

આથી વધારે સારું શું સંગીત સાંભળું?
હૈયામાં તારી યાદની રણકે છે ઝાંઝરી.

ક્યાં જવું- ક્યાં ના જવું-ની જાણકારી ના રહી,
એટલે જીવનમાં મારા હાડમારી ના રહી.

દર્દ મારું આજે તારી આંખમાં આવી ગયું,
હા, હવે તકલીફ મારી, ફક્ત મારી ના રહી.

– રીના પરીખ

15 Comments »

  1. Sandhya Bhatt said,

    May 10, 2026 @ 9:02 AM

    મઝા પડી..આનંદ સાથે અભિનંદન 💐

  2. Lalit Trivedi said,

    May 10, 2026 @ 9:05 AM

    સરસ. સ્વાગત

  3. Kishor Ahya said,

    May 10, 2026 @ 9:25 AM

    બધાજ શેર મજાના થયા છે શેરમાં વિવિધતા છે , શબ્દોમાં હળવાસ છે, જીવનને સ્પર્શતું ઊંડાણ છે. બધાજ શેર વારંવાર વાચવા ગમે તેવા છે.
    આવકાર સપ્તાહ: ૦૭: ‘મનોમન’ –કવિયત્રી સુ શ્રી રીના પરીખના ગઝલ સંગ્રહનું સહર્ષ સ્વાગત છે.

    🌹🌹🌹🌹

  4. Reena Parikh said,

    May 10, 2026 @ 9:25 AM

    નમસ્કાર સર 🙏🏻

    ‘મનોમન’ ગઝલસંગ્રહને આવકારવા બદલ અને સુંદર પ્રતિભાવ બદલ આપની ખૂબ ખૂબ આભારી છું.
    કૃતજ્ઞતા અને આનંદની લાગણી વ્યક્ત કરું છું.

    આપ આ સંગ્રહમાંથી ધ્યાનપૂર્વક પસાર થયા એ ખૂબ આનંદની વાત છે.
    🙏🏻💐

  5. Reena Parikh said,

    May 10, 2026 @ 9:29 AM

    ‘મનોમન’ ગઝલસંગ્રહને આનંદથી વધાવવા બદલ સૌનો આભાર માનું છું, સૌને પ્રણામ🙏🏻
    💐💐

  6. Barin Dixit said,

    May 10, 2026 @ 9:39 AM

    ખૂબ સરસ ગઝલો છે ખૂબ ખૂબ અભિનંદન🌺🦋આ સંગ્રહ ક્યાંથી મળી શકે તે જણાવશો મારે વસાવવો પડશે.

  7. Barin Dixit said,

    May 10, 2026 @ 9:41 AM

    ખ્યાલ આવી ગયો. zenopus પરથી મળી જશે આભાર 🌺🦋

  8. Kishor Barot said,

    May 10, 2026 @ 10:17 AM

    વિવેકભાઈ,
    નવી પ્રતિભાને લય સ્તરોના પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પરથી ઉજાગર કરવાનો આ ઉપક્રમ છો ખરેખર પ્રસંશનિય અને અભિનંદનિય છે.
    વંદન. 🌹

  9. Premal Shah said,

    May 10, 2026 @ 10:17 AM

    બધાં શેર ખુબ સરસ અને આખા સંગ્રહને વાંચવા પ્રેરે તેવા છે. શુભકામના 🌺🌺

  10. ડૉ. માર્ગી દોશી said,

    May 10, 2026 @ 11:14 AM

    વાહ! ખૂબ સરસ શેર છે બધા જ. . રીનાબેનને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. . વિવેકભાઈ, આપની આ નિસ્બતને સલામ 👏👏👏

  11. Shirish Shah said,

    May 10, 2026 @ 11:21 AM

    તમારી કાવ્ય રચનાઓ વાંચીને ખૂબ આનંદ થયો. હજુ ફરી ફરી વાંચવાનું મન થાય છે

  12. suresh parmar said,

    May 10, 2026 @ 11:28 AM

    Very nice. 🌹🌹🌹MANY congratulations 🌹🌹🌹

  13. Bhautik said,

    May 10, 2026 @ 12:10 PM

    Very..very nice nd thoughtfull

  14. Bhautik said,

    May 10, 2026 @ 12:11 PM

    ખૂબ સુંદર..મઝાના શેર…મોજ એ મોજ વાહ

  15. કૌશલ યાજ્ઞિક said,

    May 10, 2026 @ 1:34 PM

    વાહ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment