આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.
વિવેક મનહર ટેલર

ધારાવી – લેન્ગ્સ્ટન હ્યુઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી?

.         શું એ કરમાઈ જાય છે
.         તડકે મૂકેલી દ્રાક્ષની પેઠે?
.         કે કોઈ ઘાવની જેમ પાકી જાય છે-
.         ને પછી વહેવા માંડે છે?
.         શું એ સડેલા માંસની જેમ ગંધાવા લાગે છે?
.         કે પછી ખાંડની પરત બનીને જામી જાય છે-
.         ગળી ચાસણીની જેમ?

.         કદાચ એ કોઈ વજનદાર બોજની માફક
.         બસ લચી પડે છે.

.         કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?

– લેન્ગ્સ્ટન હ્યુઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

લેન્ગ્સ્ટન હ્યુઝ એટલે આફ્રિકન-અમેરિકન પ્રજાના ઘવાયેલ દબાયેલ આત્માનો અવાજ. હાર્લેમ શીર્ષકથી લખાયેલ આ કવિતા અમેરિકન-ડ્રીમનો પર્યાય બની ચૂકી છે. સ્વપ્નની વાત આવે, પ્રગતિનીવાત આવે અને આ કવિતા ટાંકવામાં ન આવે એ શક્ય જ નથી. ન્યૂયૉર્કનું હાર્લેમ એટલે આપણા મુંબઈનું ધારાવી. શીર્ષક કાઢી નાંખો તોય આ લઘુકાવ્ય આપબળે ઊભું રહી શકે એવું સબળ છે. આ કોઈ રાત્રે જોયેલ સ્વપ્ન નથી. આ એવા સ્વપ્નની વાત છે જે દિવસના અજવાળામાં જાગતી આંખોથી જોવામાં આવે છે. જિંદગી કેબીસીની હોટ સીટ નથી કે વિકલ્પ નક્કી કરો અને કરોડ રૂપિયા ઘરે લઈ જવાય. જિંદગી દરેક સ્વપ્નના પૂરા થવાની કિંમત માંગે છે. ઇચ્છા હોય કે સ્વપ્ન- એને યેનકેન પ્રકારે સિદ્ધ કરવાને બદલે જતું કરી દેવામાં આવે ત્યારે જિંદગીની નદી તો આગળ વહી જતી હોય છે, આપણો સંતોષ ક્યાંક ત્યજી દીધેલ સ્વપ્નની ભેખડોમાં પાછળ રહી જતો હોય છે. કવિ બહુ સરળ સવાલોની યાદી બનાવે છે. આખરી સવાલ આપણને હચમચાવી દે એવો છે. શું કવિ એવું ઇચ્છે છે કે આપણે આ સવાલોના જવાબ આપીએ? ના, સ્વપ્નને ટાળી દેવાના અને વિસ્ફોટના બે સવાલોની વચ્ચે આપણને ઊભા રાખીને કવિ કેવળ એટલું જ કહેવા માંગે છે કે સ્વપ્ન જ જીવનનું ખરું ચાલકબળ છે. તમારી આંખ જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે એ પૂરાં કરવાની હિકમત કરશો તો જ જીવનનું ધારાવી સ્વર્ગ બનશે.

Harlem – Langston Hughes

What happens to a dream deferred?

.         Does it dry up
.         like a raisin in the sun?
.         Or fester like a sore—
.         And then run?
.         Does it stink like rotten meat?
.         Or crust and sugar over—
.         like a syrupy sweet?

.         Maybe it just sags
.         like a heavy load.

.         Or does it explode?

– Langston Hughes

12 Comments »

  1. વિરલ વ્યાસ said,

    May 27, 2026 @ 8:57 AM

    લેન્ગ્સ્ટન હ્યુઝનાં કાવ્યનો રસાસ્વાદ સરસ

  2. SUSHAM POL said,

    May 27, 2026 @ 11:40 AM

    વાહ, ખૂબ સરસ

  3. Vrajlal Savaliya said,

    May 27, 2026 @ 12:00 PM

    સ્વપ્ન રોળાઈ જાય તો શું થાય તેની ઓછા શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ એટલે કવિતા.

  4. અગન રાજ્યગુરુ said,

    May 27, 2026 @ 12:39 PM

    વાહ…વાહ…

  5. Meena Parekh said,

    May 27, 2026 @ 1:43 PM

    વાહ સરસ

  6. Harihar Shukla said,

    May 30, 2026 @ 11:44 AM

    બહુ, બહુ સરસ કવિતા અને એનો આસ્વાદ. અને મૂળ અંગ્રેજી કવિતા તો વધુ ધારદાર.

  7. Kishor Ahya said,

    June 2, 2026 @ 2:32 PM

    કવિ ‘લેન્ગ્સ્ટન હ્યુઝ’ પ્રશ્નો લઈને આવે છે….

    શું થાય છે એક સ્વપ્નને ટાળી દેવાથી? કવિ પોતેજ કેટલાક ઉતરો પ્રશ્નાર્થ સ્વરૂપના આપે છે. કવિ પૂછે છે સ્વપ્ન પૂરું કરવાની મથામણ મૂકી દેવામાં આવે છે (ટાળી દેવું) ત્યારે એ સ્વપ્નનું શું થાય છે? કરમાય જાય છે? ઘાવ બનીને વહેવા માંડે છે? ગંધાવા લાગે છે? કે ચાસણીની જેમ જામી જાય છે? લચી પડે છે? કે પછી વિસ્ફોટ સાથે ફૂટી જાય છે?

    કવિ અહીં એવી વાત લઈને આવ્યા છે તે કદાચ કોઈએ વિચારી પણ નહીં હોય! સ્વપ્ન તો દરેકનાં કોઈને કોઈ હોવાનાજ ,ઘણે ભાગે એ પુરુષાર્થ અને ભાગ્યના સહારે પૂરા પણ થતા હોય છે તો પણ મનુષ્યના ધારેલા બધાજ સ્વપ્ન પૂરા ભાગ્યેજ થતા હશે! ઘણીવાર તો જે ધારેલું હોય એથી ઉલટુજ થતું હોય છે. આમ અધૂરા રહેતા આ સ્વપ્નનું શું ?

    કવિએ કાવ્યમાં જે પ્રશ્નો.મૂક્યા છે, ખૂબીની વાત છે કે અહીં ઉતર પણ એજ છે. અહીંયા સ્વપ્નની ત્રિવતા કેટલી છે ?અથવાતો એ જમીનની હકીકતને કેટલી સ્પર્શે છે એના પર ઉતર નિર્ભર કરે છે, સ્વપ્ન પૂરા કરવા કેવી કેવી કોશિશ થઈ છે એ પર ઇચ્છાઓ ક્યાં જઈને ઉબી રહીં હશેં તે જરૂર કલ્પી શકાય. ક્યારેક તે કરમાય. ક્યારેક ઘાવ બને,ક્યારેક ગંધાય ને ક્યારેક સ્થિર પણ થઈ જાય, ક્યારેક એ વિસ્ફોટ પણ બની જાય! ઇચ્છાઓ અપાર છે, એ મુત્યુ સુધી પૂરી થતી નથી!

    સંસ્કૃતનો શ્લોક છે
    अङ्गं गलितं पलितं मुंडं, दशनीविकसनं जतं तुंडम्।
    वृद्धो याति गृहीत्व दण्डं, तदपि न मुञ्चत्याशापिण्डम् ॥15॥
    अंगं गलितं पलितं मुंडं दासनविहिनं जातं तुंदं,
    वृद्धो यति घृत्वा दंडं तदपि न मुन्चत्यसपिंडं। –

    અર્થ
    શરીર નબળું પડી ગયું છે; વાળ સફેદ થઈ ગયા છે; મોં પર દાંત નથી; વૃદ્ધ માણસ લાકડીના સહારે ચાલે છે. છતાં, તે પોતાની આશાઓ અને ઇચ્છાઓ મૂકતો નથી.

    કહેવાય છે આ જન્મમાં પૂરી નહી થયેલી ઇચ્છાઓ નવા જન્મોમાં પુરી થાય છે અને આ ઇચ્છાઓ ને કારણે તો નવો જન્મ છે! કવિ કહે છે પૂરી નહી થયેલી ઇચ્છાઓ નું શું ?ઉતર એ જેવી છેં તેવી જીવતી જ રહે છે, અને સમય આવ્યે એ જરૂર પૂરી થાય છે. કેટલીક વાર એવું પણ લાગે છે કે ધારેલું ન થવું એ ઇશ્વરનો મનુષ્ય ઉપરનો ઉપકાર છે કેમકે પરિપક્વતા પહેલા જે મળેલું છે એ ટકતું તો નથી જ પણ કેટલીક વાર એ મનુષ્યના વિનાશનું કારણ પણ બને છે!

    ધારાવી – લેન્ગ્સ્ટન હ્યુઝ ની સરસ રચનાંછે ,જેનો અનુવાદ અને આસ્વાદ શ્રી વિવેકભાઈ એ બહુ મજાનો આપ્યો છે.

    🌹🌹🌹🌹

  8. વિવેક said,

    June 3, 2026 @ 10:46 AM

    તમામ કાવ્યપ્રેમી મિત્રોનો દિલથી ધન્યવાદ વ્યક્ત કરું છું… અને શ્રી કિશોર આહ્યાનો ખાસ આભારી છું કેમકે તેઓ લગભગ દરેક પોસ્ટ વિશે અલાયદો સમય ફાળવીને સરસ મજાનું વિશ્લેષણ રજૂ કરી કવિતાની ફ્લેવરમાં અલગ જ ઉમેરણ કરે છે…

    આભાર

  9. Purvi shukla said,

    June 5, 2026 @ 5:08 PM

    સરસ અનુવાદ થયો છ, કાવ્ય ચયન સરસ….

    લયસ્તરો પર કવિતા પ્રકાશિત કરવા શું કરવું પડે?, માર્ગદર્શન આપવા વિનંતિ 🙏વર્ષ 2024માં અકાદમીના સહયોગથી મારો ગઝલસંગ્રહ પ્રકાશિત થયો છે.

  10. Purvi shukla said,

    June 5, 2026 @ 5:09 PM

    સરસ અનુવાદ થયો છ, કાવ્ય ચયન સરસ….

    લયસ્તરો પર કવિતા પ્રકાશિત કરવા શું કરવું પડે?, માર્ગદર્શન આપવા વિનંતિ 🙏વર્ષ 2024માં અકાદમીના સહયોગથી મારો ગઝલસંગ્રહ પ્રકાશિત થયો છે.

  11. વિવેક said,

    June 5, 2026 @ 6:00 PM

    @ પૂર્વી શુક્લ:

    પ્રતિભાવ બદલ આભાર…

    લયસ્તરો માટેની રચનાઓ આપ મને ઇમેલ કરી શકો છો અથવા વૉટ્સએપ:

    dr_vivektailor@yahoo.com

    9824125355

  12. dhruv kumar said,

    July 6, 2026 @ 10:41 AM

    કોઈપણ ઉત્તમ કૃતિની તાકાત એ હોય છે કે કવિ જે વાત કહેવા માંગે છે તેનો એક ચોક્કસ ભોંયતળિયો (Context) હોવો જોઈએ. કવિતા અહીં કઈ રીતે થાપ ખાઈ જાય છે:
    ​૧. પાયા વગરની ઇમારત (Universal vs. Specific)
    ​ કવિએ કાવ્યની શરૂઆતમાં જ એ સ્પષ્ટ નથી કર્યું કે આ કયા સ્વપ્નની વાત છે.
    ​જો એ વ્યક્તિગત સ્વપ્ન (જેમ કે પ્રેમ, કારકિર્દી કે કોઈ ઈચ્છા) હોય, તો આગળ જતા માંસ સડવાની કે વિસ્ફોટ થવાની ઉપમાઓ બહુ જ અતિશયોક્તિભરી (Melodramatic) લાગે છે.
    ​જો એ સામૂહિક કે રાજકીય સ્વપ્ન (આઝાદી, ક્રાંતિ કે હક) હોય, તો ‘ખાંડની પરત જામવી’ કે ‘ગળી ચાસણી’ જેવી ઉપમાઓ બિલકુલ હાસ્યાસ્પદ અને અપ્રસ્તુત લાગે છે. ક્રાંતિના સપના ક્યારેય ચાસણી જેવા ગળ્યા ન હોઈ શકે.
    ​આમ, કવિ એકસાથે બે હોડીમાં સવાર થવા ગયા છે—તેઓ કવિતાને વૈશ્વિક (Universal) પણ રાખવા માંગે છે અને છેલ્લે સામાજિક આક્રોશ પણ ઠાલવવો છે. પરિણામે કવિતા ક્યાંયની નથી રહેતી.
    ​૨. ધારણાઓનું અંધારું અને નબળી કાવ્ય-પ્રક્રિયા
    ​જ્યારે વિષય જ અનિશ્ચિત હોય, ત્યારે તેની અસર પણ વાચકના મનમાં કોઈ ચોક્કસ ચિત્ર ઊભું નથી કરી શકતી. કવિએ માત્ર એક પછી એક ઉપમાઓનો (દ્રાક્ષ, ઘાવ, માંસ, ચાસણી, બોજ, વિસ્ફોટ) મારો ચલાવ્યો છે. આને સાહિત્યની ભાષામાં ‘શબ્દોની ફેક્ટરી’ કહેવાય, જ્યાં કવિ પાસે કોઈ નક્કર અનુભૂતિ નથી, એટલે તેઓ માત્ર કલ્પનાઓના ઘોડા દોડાવે છે.
    ​વાચક તરીકે આપણે કવિના મગજમાં ચાલતા આ ‘કન્ફ્યુઝન’ને પ્રશ્નાર્થ ચિહ્નોની ભરમારમાં જોઈ શકીએ છીએ. કવિ પોતે જ નક્કી નથી કરી શકતા કે સ્વપ્ન ટાળવાથી શું થાય છે, એટલે તેઓ વાચક પર પ્રશ્નો ફેંકીને હાથ ધોઈ નાખે છે.
    ​૩. મૂળ કવિતા વિરુદ્ધ વિવેચન
    ​અહીં એક રસપ્રદ બાબત એ છે કે લેન્ગ્સ્ટન હ્યુઝની મૂળ અંગ્રેજી કવિતાનું નામ “Harlem” છે. અમેરિકન વાચક માટે ‘હાર્લેમ’ શબ્દ જ આખો સંદર્ભ (Context) સ્પષ્ટ કરી દે છે, કારણ કે હાર્લેમ એ ન્યૂયોર્કનો અશ્વેત લોકોનો વિસ્તાર હતો જે ગરીબી અને અન્યાયનો ભોગ બનેલો હતો. એટલે ત્યાંના વાચકને ખબર પડી જાય છે કે આ અશ્વેતોના સ્વપ્નની વાત છે.
    ​પણ, આક્ષેપ અહીં કેમ સો ટકા સાચો ઠરે છે?
    કારણ કે કવિતા જ્યારે પોતાના ભૌગોલિક સંદર્ભની બહાર નીકળે (જેમ કે ગુજરાતી અનુવાદમાં), ત્યારે તે એક સ્વતંત્ર કવિતા તરીકે જીવતી રહેવી જોઈએ. શીર્ષક વગર કે પૃષ્ઠભૂમિ વગર જો આ કવિતા વાંચવામાં આવે, તો તે બિલકુલ એ જ ‘કન્ફ્યુઝન’ ઊભું કરે છે જે દર્શાવ્યું. કવિતાની અંદર એવું કોઈ તત્વ નથી જે આપોઆપ એ સંદર્ભ ઊભો કરે.
    ​ કવિતાનું વિવેચન કરતાં, કવિતામાં માત્ર ‘મોટા નામો’ (જેમ કે હ્યુઝ) જોઈને અંજાઈ જવાને બદલે શબ્દે-શબ્દની કસોટી કરવી જરૂરી છે. કવિતા ખરેખર અહીં ‘કવિતા બનતી રહી જાય છે’ અને માત્ર પ્રાસંગિક વિચારોનો પિંડ બનીને રહી જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment