ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે,
તે છતાં લખતા રહો,
શકય છે આ માર્ગ પર,
આગળ જતાં ઇશ્વર મળે.
હિતેન આનંદપરા

આવકાર સપ્તાહ: ૦૬: ‘ગુલદસ્ત-એ- દીપક બારડોલીકર’ – દીપક બારડોલીકર

*

લયસ્તરો પર કવિ મુસાજી ઈસપજી હાફિઝજી યાને દીપક બારડોલીકર (જન્મ: ૨૩-૧૧-૧૯૨૫ (બારડોલી) : નિધન: ૧૨-૧૨-૨૦૧૯ (માન્ચેસ્ટર, યુકે)ના મરણોત્તર ગદ્ય-પદ્ય સંગ્રહ ‘ગુલદસ્ત-એ-દીપક બારડોલીકર’નું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સંગ્રહમાંથી એમની એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ… આ ગઝલ પહેલવહેલીવાર એમના સંગ્રહ ‘તલબ’માં પ્રગટ થઈ હતી પણ ‘કુલ્લિયાત-એ-દીપક’ના પ્રકાશન વખતે કવિએ એમાં ઘણા ફેરફાર કર્યા હતા, જે પ્રસ્તુત સંગ્રહમાં જોવા મળે છે. આમ તો આખરી રૂપાંતર જ કાયમી ગણાય પણ સુજ્ઞ વાચકો બંનેથી પરિચિત થઈ શકે એ ખાતર બંને સંસ્કરણ અડખેપડખેમૂક્યાં છે.

નવું અને અંતિમ સંસ્કરણ-

દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી

એકાંતનો આ મોગરો કોળે ગુમાનમાં,
એક આગવી સુવાસ છે, હું એકલો નથી

મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં
મઘમઘતી એ કિતાબ છે, હું એકલો નથી

સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી

વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી

‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી
એ ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી

– દીપક બારડોલીકર
[ગુલદસ્ત-એ- દીપક બારડોલીકર (ડિસેમ્બર ૨૦૨૫)]

*

મૂળ સંસ્કરણ-

દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી

એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો, જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી

સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી

વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી

આ કેફ ઉતરે તો હવે કેમ ઉતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.

‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ,
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી

– દીપક બારડોલીકર
[તલબ (૧૯૯૪)]

6 Comments »

  1. Kishor Ahya said,

    May 9, 2026 @ 10:46 AM

    આટલી લાંબી જિંદગીની મંજિલ કાપવા કોઈનો સાથ જોઈએ, સાથ મળે પણ છે અને વિખેરાય પણ છે! પણ સાથે હતા તેની મધુર યાદો હમેંશા મનુષ્યની સાથે રહેતી હોય છે, જે ક્ષણોને યાદ કરી મનુષ્ય સુખ દુઃખ પામે છે. કવિ શ્રી દીપક બારડોલીકર એ અહીં એવાજ ભાવ વાળી સરસ ગઝલ લખી છે. ગઝલમાં નાયક પોતાને સમજાવવા પ્રયત્ન કરે છે કે તેમની સાથે પ્રેમની ખૂબસુરત યાદો છે,” હું એકલો નથી.” વાહ ! ગઝલમાં સરસ લય જળવાયેલ છે અને વાચતા મજા આવે એવી ગઝલ છે .સુધારેલું સંસ્કરણ વધુ ગમ્યું.

    “હું એકલો નથી “કહેવાય છે, ઈશ્વરે એકલપણા થી કંટાળી જગતનું નિર્માણ કર્યું! એકલપણું કોઈને ગમતું નથી , મનુષ્ય ભલે તેવુ માને કે હું એકલો નથી પણ એ પોતાનો એક ભ્રમ માત્ર હશે કારણ કે એકલપણું હોવું એ મનુષ્યનો સ્વભાવ છે અને સ્વભાવથી ઉપર જઈ શકાતું નથી, અને આ એકલપણું જ મનુષ્યની આધ્યાત્મિક મૂડી પણ છે! પણ જ્યાં પ્રેમની વાત હોય ,જ્યાં મિલનની વાત હોય ત્યા બે અનિવાર્ય છે. નાયક ગઝલમાં પ્રેમી તરીકે ઊભરે છે, આજે એમની પાસે પ્રેમની યાદો ફ્કત છે છતાં નાયકને એ યાદોથી જ જીવન ભરેલું લાગે છે! નાયકને લાગે છે કે એ પ્રેમ એની સાથે જ છે! નાયક કહે છે.

    “દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
    ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી”

    “સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
    ને કોઈની તલાશ છે, હું એકલો નથી”

    વાહ !વાહ! દિલ છે, દરદ છે, પ્યાસ છે! કેવી નિખાલસતા! જ્યાં શબ્દોનો ઉજાસ હોય ,જ્યાં મનની અતાગતા હોય ત્યાં વળી એકલપણું કેવું ?

    રણના ઝાંઝવા છે ને ગુબાર છે (સંસારની ખટાશ) ને કોઈની તલાશ છે! હું એકલો નથી.
    એક સનાતન સત્ય! કોઈની તલાશ છે! મનુષ્ય જીવનથી શરૂ કરી મુત્યુ સુધી એક તલાશમાં હોય છે, આ તલાશ શેની છે? ચાહે કોઇપણ શબ્દ આપો પણ એ તલાશ પોતાના જીવનનો ખાલીપો પૂરવાની છે. નાયક અહીં જે છે તેનો સ્વીકાર કરે છે.

    ખુબસરસ ગઝલ. આવકાર સપ્તાહ: શૃંખલા ૦૬ કવિ શ્રી દીપક બારડોલીકર’ –રચિત ગઝલ સંગ્રહ ‘ગુલદસ્ત-એ’- નું સ્વાગત છે –શ્રી વિવેકભાઈ એ સરસ પસંદગી કરી છે.

    🌹🌹🌹🌹

  2. Yogesh Samani said,

    May 9, 2026 @ 11:33 AM

    ખૂબ સરસ ગઝલ.
    કાફિયા દોષ છે.

  3. Vrajesh Mistri said,

    May 9, 2026 @ 11:39 AM

    મજા આવી.. સરસ ગઝલ..

  4. Barin Dixit said,

    May 9, 2026 @ 2:58 PM

    ખૂબ સરસ ગઝલ. ૧૯૯૪ થી ૨૦૨૫ માં અનુભવોના નિચોડ જે રીતે બદલાયા તે આબાદ ઝિલાયા છે એ જેવી તેવી વાત નથી. જય હો વિવેક સાહેબ અને દિપક બારડોલિકર સાહેબ🙏🙏

  5. Vrajlal Savaliya said,

    May 13, 2026 @ 12:16 PM

    ખુબ સરસ ગઝલ

  6. Poonam said,

    June 20, 2026 @ 7:50 PM

    બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
    મનની અતાગ વાવ છે, હું એકલો નથી. Waah !
    – કવિ મુસાજી ઈસપજી હાફિઝજી યાને – દીપક બારડોલીકર

    Aaswad mastan sir ji .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment