ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

વીણા વગાડતી વેળાએ… – હાન યોન્ગ-ઉન (કોરિઅન) (અનુ.: વિવેક મનહર ટેલર)

મારા દુઃખભર્યા વિચારોને વિસારે પાડવાના હેતુસર
મેં ચાંદ તળે વીણા વાદન આદર્યું.
નર્તંતી સ્વરલહેરી શમી જાય એ પૂર્વે જ
ભીનાં આંસુઓએ મારા ચહેરાને ઢાંકી દીધો.
અને રાત એક સમુદ્ર બની ગઈ,
અને વીણાના તાર ઇન્દ્રધનુષ,
અને જ્યારે વીણા તારસ્વરે, તીવ્રસ્વરે, અતિ તીવ્ર અને તારસ્વરે રણઝણી ઊઠી,
તમે નખી બની ગયા, વીણાના તાર ઉપર ફરી વળતા.
જ્યારે આખરી સૂર ઘટાદાર વૃક્ષોમાં થઈને પવન સંગ સરી ગયો,
તમે તમામ શક્તિ નિચોવાઈ ગઈ હોય એમ મારી સામે જોયું, અને ઝાંખા થતા ગયા
.                                              તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,
રે! રે! તમે તો વીણાના નાદવિલયને અનુસર્યા, અને ઝાંખા થતા ગયા
.                                              તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,

– હાન યોન્ગ-ઉન (કોરિઅન)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ વિવેક મનહર ટેલર)

પ્રેમથી મોટું કોઈ ઓસડિયું નથી. વળી, પ્રેમમાં મિલનની જેટલી મજા છે, એટલી જ, કદાચ એથીય વધારે વિયોગની પણ છે. માણસો ભેગાં થાય છે, અને છૂટાં પણ થાય છે; પણ પ્રેમ યથાવત્ રહે છે. વિરહની પીડા હૃદયવિદારહ છે, પણ પ્રિયપાત્ર માટેનો પ્રેમ જ પ્રિયપાત્રએ આપેલ વિયોગની વેદનાને સહન કરવાનું બળ પણ પૂરું પાડે છે. દુઃખી મન હળવું થાય એ ઈરાદાથી કાવ્યનાયક ખુલ્લા આકાશમાં ચંદ્રની હાજરીમાં વીણાવાદન કરવું આદરે છે. નાયક સંગીતમાં ઓગળી જાય છે. સંગીત સૃષ્ટિમાં ભળી જાય છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અદ્વૈત સ્થપાય છે, વીણા ન કેવળ તારસ્વરે, તીવ્રસ્વરે બાજી રહી છે. વેદનાની અભિવ્યક્તિની પરાકાષ્ઠાએ વેદનાના મૂળ સાથે અનુસંધાન થાય છે. દુઃખ જન્માવતા વિચારોથી છૂટકારો પામવા આરંભેલ વીણાવાદન આવિર્ભાવની ચોટી સુધી જઈ આવ્યા બાદ હવે શાંત થઈ રહ્યું છે. વીણા તારસ્વરે ને તીવ્રતમ સ્વરે રણકી ઊઠી એ પળ વીણાના તારની પરમાવધિ નહોતી, એ વાદકસંવેદનના પરમોત્કર્ષની પળ હતી. સંગીતકારની આંગળીઓ એ જ ક્ષણે વિરામ લે છે, જે ઘડીએ સંગીતકાર ખાલી થઈ ગયો હોય. રચનાનો વિશદ આસ્વાદ માણવાની ઇચ્છા હોય એ મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધ છે.

While Playing the Harp

Wishing to forget my sad thoughts,
I played the harp under the moon.
Before the dancing melody died,
The wet tears had covered my face.
And the night became a sea,
And the strings of the harp were a rainbow,
And when the sound of the harp became high, thin, very thin, and high,
You became the plectron leaping, over the strings of the harp.
As the last sound followed the wind through the shadowy trees,
You looked at me with strength gone, and faded,
.                                              closing your blurred eyes,
Ah! ah! you followed the dying sound of the harp, and faded,
.                                              closing your blurred eyes.

– Han Yong-un
(Translated from the Korean by Younghill Kang)

4 Comments »

  1. Neha Purohit said,

    May 21, 2026 @ 12:57 PM

    વાહ! સરસ મજાનું દૃષ્ય રચાયું.

  2. Amin Kanchan said,

    May 21, 2026 @ 2:09 PM

    લા જવાબ ગઝલ તરબતર અનુભૂતિની અભિવ્યક્તિ

  3. DILIP DHOLAKIYA SHYAM said,

    May 21, 2026 @ 2:44 PM

    પ્રેમ અને વિયોગનું ઉત્કૃષ્ટ કાવ્ય..🌹🌹

  4. Kishor Ahya said,

    May 21, 2026 @ 5:26 PM

    મનુષ્ય જીવનમાં અનેક જાતના દુઃખો પીડાઓ હોય છે પણ પ્રિયતમા સાથેના મિલન પછી વિરહ ની પીડા તો જેણે જાણી હોય એજ સમજી શકે! એ પીડા આજની હોય કે સો વર્ષ કે હજાર વર્ષ પહેલાના સમયની, સમય કોઈ પણ હોય, પીડા એજ,એક જ સરખી હોય!

    કવિએ દુઃખ ભૂલવા વીણાનો સહારો લીધો અને દુઃખ ભૂલી ખાલી થઈ ગયા! વીણા વાદન થંભ્યુ, જાણે નીચોવાઈ ગયા! કવિને લાગ્યું કે વીણાના થંભવાની સાથેજ નાઈકા ઝાંખા થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા!

    “જ્યારે આખરી સૂર ઘટાદાર વૃક્ષોમાં થઈને પવન સંગ સરી ગયો,
    તમે તમામ શક્તિ નિચોવાઈ ગઈ હોય એમ મારી સામે જોયું, અને ઝાંખા થતા ગયા”

    “તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,રે! રે! તમે તો વીણાના નાદવિલયને અનુસર્યા, અને ઝાંખા થતા ગયા. તમારી ધૂંધળી થતી જતી આંખો મીંચતા,”

    કવિ શ્રી– હાન યોન્ગ-ઉન (કોરિઅન)નું વીણા વગાડતી વેળાએ (અનુ.: વિવેક મનહર ટેલર)

    અછાંદસ પ્રશ્ન કરે છે કે…

    નાયક પોતાની તમામ શક્તિ વાધ વગાડવામાં નિચોવી દે છે અને છેલ્લો સૂર પવન સાથે સરી જાય છે ત્યારે નાઈકા ઝાંખા થતા જાય છે! કેમ ?

    વીણાનું બંધ થવું અને પ્રિયતમાનું ઝાંખા થતા જવું ! કેમ?
    આ કોઈ આકસ્મિક ઘટના છે કે વીણાના બંધ થવાને સંબંધિત કારણ છે?

    કવિએ આ પ્રશ્નોના ઉતર અધ્યાર રાખ્યા છે પણ આ પ્રશ્ન એજ આ અછાંદસની અસલી મજા છે.

    શ્રી વિવેકભાઈએ અછાંદસનો સરસ અનુવાદ કર્યો છે અને વિશદ આસ્વાદમાં સંગીત વિશે અતિ સુંદર લખાણ મૂક્યું છે. આસ્વાદ્ય છે!

    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment