સદ્યવિધવાની બારમાસી – વિજય રાજ્યગુરુ
(સૉનેટ – વસંતતિલકા)
કટ્ટાક કારતકમાં બટક્યાં બલોયાં,
આખ્ખાય માગશરના દન રોઈ ધોયા.
આ પોષ સોંપટ હવે બરછી લગાવે,
કોરા કપાળ પર માઘ છરા ચલાવે.
બેફામ ફાગણ હવે ભડકે ભભૂકે,
ને આંખમાં ધધધ ચૈતર સૂર્ય ફૂંકે.
વૈશાખ ભીંત પરથી શમણાં ઉખાડે,
ને જેઠની જરઠ થાપ પડે કમાડે.
આષાઢનું ગગન ઘમ્મર હલબલે છે,
ને શ્રાવણી ઝરણકંકણ રણઝણે છે.
પાણી વચાળ મન ભાદરવે ભળે છે,
આસો તણું સઘન કાજળ ઓગળે છે.
બે હાથ સાવ અડવા સળિયે ઝળુંબે,
ને આંખમાં હરિત ઘાસ લલૂંબ ઝૂંબે.
– વિજય રાજ્યગુરુ
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં બારમાસી કાવ્યોનો એક ખાસ દરજ્જો હતો. બારેય મહિનાના પ્રકૃતિવર્ણન ઉપરાંત એમાં મોટાભાગે વિરહિણી સ્ત્રીના મનોભાવોનું ચિત્રણ કરવામાં આવતું હતું. જે તે સમયના જાણીતા ક્વિઓ ઉપરાંત લોકગીતોમાં પણ આ કાવ્યપ્રકારનું ખાસ્સું ખેડાણ થયું છે. આધુનિક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ભાગ્યે જ ખેડાણ કર્યું છે અને કર્યું છે તેય એકદમ લાઘવમાં. લયસ્તરો પર રાજેન્દ્ર શુક્લ તેમજ પુરુરાજ જોશીની બારમાસી આ અગાઉ પોસ્ટ કરવામાં આવી છે. પ્રસ્તુત રચના ‘બારમાસી’ પરંપરાને અત્યંત સંક્ષેપમાં પણ ઊંડા ભાવસંવેદન સાથે રજૂ કરે છે. આ બારમાસી તાજું વૈધવ્ય પામેલ સ્ત્રીની છે. બાર મહિના… બાર પંક્તિ… અને સદ્યવિધવાની બાર અવસ્થા… કાઠીયાવાડી લહેકાના કારણે રચના વધુ હૃદ્ય થઈ છે. કવિએ અ-અ, બ-બ, ક-ક પ્રમાણે ચુસ્ત જાળવ્યો હોવાથી રચનાનું નાદમાધુર્ય પણ વધે છે. બટક્યાં-બલોયાં, પોષ-સોંપટ, ભડકે-ભભૂકે જેવી વર્ણસગાઈઓના કારણે સૉનેટ વધારે પ્રભાવક લાગે છે. અને કટ્ટાક- ભભૂકે-ધધધ-ઘમ્મર જેવી રવાનુકારી (Onomatopoeic) શબ્દાવલિ વિધવાના દર્દને વેધક વાચા આપવામાં સહાયક બની છે. જે કદી પાછો ફરી શકનાર નથી એવા પતિને બોલવતા ન હોય એમ વિધવાના અડવા હાથ બારીના સળિયામાંથી બહાર લટકી રહ્યા છે… હાથની બંગડીઓ તો તોડી શકાય, તોડી નાંખી; પણ જુવાનજોધ આંખોમાં જે લીલીછમ જિંદગી, અને અસીમ અપાર કામસુખનાં સપનાંઓ ઝૂલી રહ્યાં છે એનું શું? કવિતામાં પોષ મહિનો સોંપટ બરછી લગાવે છે, એ જ રીતે સૉનેટની આખરી બે પંક્તિઓ હૃદયસોંસરી છરી ઉતરી ગઈ ન હોય, એવી તીવ્ર વેદના જન્માવે છે.
નવમી અને દસમી પંક્તિમાં અનુક્રમે ‘હલબલે’ તેમજ ‘રણઝણે’ પાસે છંદ તૂટે છે, એ સિવાય આખી રચનામાં છંદ અનવદ્ય સચવાયો છે. કાવ્યાંતે છંદ સાચવવા ‘લેલૂંબ’ (ફળથી ભરચક; લૂમઝૂમ.)નું ‘લલૂંબ’ કર્યું છે એય સહેજ ખટકે છે.


Viral Vyas said,
May 15, 2026 @ 9:17 AM
તકિયો બની ગઝલ, વાહ!
DILIP DHOLAKIYA SHYAM said,
May 15, 2026 @ 1:00 PM
સુંદર રચના…
Varij Luhar said,
May 15, 2026 @ 1:20 PM
વાહ સરસ બારમાસી કાવ્ય અને આસ્વાદ
અગન રાજ્યગુરુ said,
May 15, 2026 @ 2:07 PM
વાહ..વાહ…
Amin Kanchan said,
May 15, 2026 @ 3:30 PM
નાદ માધુર્ય – બારમાસી કવિતામાં ખૂબ સરસ રીતે અભિવ્યક્ત થયું છે–
Kishor Ahya said,
May 15, 2026 @ 6:38 PM
સવંત વર્ષના બારે મહિનાની વિશેષતાની સાથે સધવિધવા સ્ત્રીના દુઃખો પીડાની વાત મૂકી કવિએ સોનેટ યોજ્યું છે, જેમ જેમ મહિનાઓ જાય છે તેમ તેમ વિધવા સ્ત્રીની આંખોમાં લીલા સપનાઓ ખીલતા જાય છે, જે મુક વેદના જન્માવે છે.
છેલ્લી પંક્તિઓમાં માત્રા માટે ‘છે’ શબ્દ મૂક્યો લાગે છે પણ આગળની પંક્તિઓમાં નહીં હોવાથી એ જરા અલગ તરી આવે છે!
કવિ શ્રી વિજય રાજ્યગુરુ ની બ્લોગ પર એક એક થી ચડે એવી જીવંત વિષયોને સ્પર્શતી રચનાઓ મોજુદ છે. જેમાં એક ત્યકતા સ્ત્રીની વેદનાની વાત ‘સન્નાટો’ કાવ્યમાં કરી
છે. ‘વળો હવે ઘર ઢાળા ‘ અગ્નિદાહ પછી સ્ત્રી પોતાના પતિને ઘરે પરત ફરવા આગ્રહ કરે છે જે બહુ સુંદર રચના છે. ભગવાન બુદ્ધ ને ભિક્ષા લેવા પધારવા વિનંતી કરતું ગીત ‘યશોધરા’ અને ‘પાર્વતીનું ગીત’ જેમાં ભગવાન શંકરને પાર્વતી નયનો ખોલવા વિનંતી કરે છે બહુ સરસ રચના છે.આ સિવાયના બીજી રચનાઓ પણ માણવા જેવી છે.
શ્રી વિવેકભાઈએ સરસ સોનેટ પસંદ કર્યું છે અને બહુ સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Vrajlal Savaliya said,
May 15, 2026 @ 8:05 PM
વાહ વાહ મમળાવવા જેવી બધી રચનાઓ.
વિજય રાજયગુરુ said,
May 15, 2026 @ 10:19 PM
પ્રસન્નતા પ્રસન્નતા પ્રસન્નતા
Vrajeshmistri@gmail.com said,
May 17, 2026 @ 10:25 PM
Wah
વિજય રાજ્યગુરુ said,
June 24, 2026 @ 4:09 PM
માનનીય શ્રી કિશોરભાઈ આહ્યા મારી તમામ રચનાઓમાંથી પસાર થયા અને એમણે દરેક કાવ્ય વિશે જે લઘુ ટિપ્પણી કરી તે ખરેખર રાજીપો આપી ગઈ ખુબ ખુબ આભાર.