બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.
વિવેક ટેલર

કબંધ – નલિન રાવળ

કબંધ શું શ્વસે નગર
ધૂંવેધૂંવા થકી ગ્રસે ગગન
બધિર શેરીઓ ચીસે અગન અગન
પીછો કરી રહ્યાં શું હોય કારમાં સ્વપન

વછૂટતા અવળસવળ જળી ગયેલ નસનસેથી બ્હાર
કૂબડા તૂટલ અનેક માર્ગ
આંધળી ખૂંધે વળી ગલી હજાર
બડબડે સડેલ શબ્દેથી ઊભી બજાર

ખોફનાક ભોંયરા (મહીં સૂતેલ સાત
હાડપીંજરો તણી ફૂટેલ આંખમાં બળે અનંત તારલાની હાર)
જંગી સૌ ઝઝૂમતા ભૂતાવળે ભર્યાં મકાન
દૈવ શાપતા ભૂલા પડેલ માનવો હતાશ

ખોળતા પડી ગયેલ ક્યાંક જાત
જાતભાતનું વિચિત્ર આ કબંધ શું નગર
ધસે કરાડ ધાર પર ધસી કરાલ
રાત્રિની ઊંડી ઊંડી ખીણો મહીં પડે ધડાક
(સાંભળું ફૂટે પ્રભાત)

– નલિન રાવળ

કબંધ એટલે માથા વગરનું ધડ. કેવળ ધડ જેવું નગર શ્વાસ તો લે છે પણ માથું યાને કે બુદ્ધિમતા (વિચારશક્તિ) તેમજ સંવેદના ગુમાવી બેઠું છે. શહેરી પ્રદૂષણથી તો આપણે સૌ પરિચિત છીએ. એ જ જાણે શહેરનો ખોરાક છે. ગરમીથી ભડકે બળતી ને ચીસો પાડતી શહેરની શેરીઓ કોલાહલ સાંભળવાના કાન ગુમાવી બધિર થઈ ગઈ છે. શહેરના રસ્તાઓ, ગલીઓ અને બજારનું વર્ણન આપણા સંવેદનતંત્રને હચમચાવી દે એવું છે. ખોફનાક ભોંયરામાં દટાયેલ સાત હાડપિંજરોની ફૂટેલી આંખોમાં બળી રહેલ અનંત તારલાની હારવાળું પ્રતીક અર્થ ન સમજાય તોય કવિમનનો ભાવ તો સુપેરે વ્યક્ત કરી જ શકે છે. ‘સાત’નો આંક સાત પેઢીનો સૂચક પણ હોઈ શકે. શહેરના ખપ્પરમાં તારાઓનો પ્રકાશ આંખોમાં લઈને જીવતી પેઢીઓની પેઢી હોમાઈ જાય છે. દટાઈને હાડપિંજર થઈ ગયેલી માણસાઈનો સંદર્ભ પણ અહીં અનુભવી શકાય. લાખ શોધવા છતાં માણસનેપોતાની ખોવાઈ ગયેલ જાત હવે જડતી નથી. રાતની ઊંડી ખીણમાં શહેર ધડાક દઈને પડે છે. શહેરનું ભવિષ્ય અંધકારમય હોવાનો સ્વીકાર કર્યા બાદ પણ કાવ્યાંતે ભલે કૌંસમાં તો કૌંસમાં પણ શહેરના અંધકારની ખીણમાં ધડાક દઈને પડ્યા પછી જે અવાજ સંભળાય છે એ પ્રભાત ફૂટવાનો, આશાનો અવાજ છે…

ગુલબંકી છંદના લગા-લગા અને ગાલ-ગાલના આવર્તનોના કારણે લયનો એક હેલારો સતત અનુભવાયા કરે છે.

કવિતાની પ્રમુખ તાકાત ગૂઢ સંકેતાત્મક પ્રતીકોના કારણે ઊભું થતું વાતાવરણ છે, જે કાવ્યાર્થ સમજાતા પહેલાં જ ભાવાનુભૂતિ કરાવે છે. (“Genuine poetry can communicate before it is understood” – T.S. Eliot) અને કવિતાની પ્રમુખ કમજોરી પણ એ જ છે. વધુ પડતી સાંકેતિક ભાષાના કારણે રચના થોડી અસ્પષ્ટ અને દુર્બોધ પણ બને છે.

10 Comments »

  1. Kaushal yagnik said,

    May 14, 2026 @ 11:52 AM

    વાહ સચોટ કાવ્ય સમય પ્રમાણે અને સુંદર આસ્વાદ

  2. Vrajesh Mistri said,

    May 14, 2026 @ 11:53 AM

    છંદ રમત સરસ… અને ભાવવિશ્વ પણ..

  3. Amin Kanchan said,

    May 14, 2026 @ 12:17 PM

    ખૂબ સરસ રચના ભાષાકીય ગૂંથણી શહેર જેવી અટપટી

  4. રાજેન્દ્ર ભટ્ટ said,

    May 14, 2026 @ 1:59 PM

    સરસ રચના ખાસ તો સરસ શબ્દો ની લયકારી અદભૂત છે

  5. Jigisha Desai said,

    May 14, 2026 @ 3:56 PM

    Vahhh…

  6. Kishor Ahya said,

    May 14, 2026 @ 5:41 PM

    કવિ શ્રી નલિન રાવળ રચિત ‘કબંધ’ શહેરીજીવનને સ્પર્શતું ઊર્મિ કાવ્ય છે કવિશ્રી નલિન રાવળ (૧૯૩૩-2021) દ્વારા કેટલાય વર્ષો પહેલા રચાયેલી આ રચનામાં જે તે વખતના શહેરનું પ્રતિબિંબ હોય તો આજના શહેર કે શહેરી જીવનની તો શી વાત કરવી?

    શ્રી વિવેકભાઈ એ કાવ્યનો અર્થ આસ્વાદમાં બહુજ સરસ આપ્યો છે સાચેજ થઈ રહેલું શહેરીકરણ ખુબજ સમસ્યાઓ લઈને આવ્યું છે ને સમગ્ર મનુષ્ય માટે શાપિત જેવું થઈ ગયું છે કવિ કહે છે

    “*૨ખોફનાક ભોંયરા (મહીં સૂતેલ સાત
    હાડપીંજરો તણી ફૂટેલ આંખમાં બળે અનંત તારલાની હાર)
    જંગી સૌ ઝઝૂમતા ભૂતાવળે ભર્યાં મકાન
    દૈવ શાપતા ભૂલા પડેલ માનવો હતાશ”

    કેટલું સચોટ! જંગી મકાનોમાં રહેતા લોકો! કવિએ અહીં ભૂતાવળ શબ્દ પ્રયોજ્યો છે, અને જાણે કે દેવોએ શ્રાપ આપ્યો હોય અને ભુલા પડી ગયેલા હોય એવા એમાં વસતા હતાશ લોકો!

    ખોફનાક ભોંયરા! અને (મહીં સૂતેલ સાત
    હાડપીંજરો તણી ફૂટેલ આંખમાં બળે અનંત તારલાની હાર) ભોંયરામાં સૂતેલા સાત હાડપિજરો !

    મને લાગે છે કે કવિના પ્રેરણાસ્રોત બનેલા કોઈ દુખીયારા કુટુંબના સભ્યોની સંખ્યાની વાત અહીં હોય શકે છે. કવિએ અહીં સાત હાડપિંજર શબ્દ પ્રયોજ્યો છે એ દુખીયારા મનુષ્યોના સંદર્ભમાં હોયશકે છે. ઘણીવખત લોકો કિસ્મત ફૂટેલા છે એવું કહેતા હોય છે એજ અર્થમાં કવિએ અહીં ફૂટેલ આંખ શબ્દ પ્રયોજ્યો લાગે છે ફૂટેલ આંખમાં બળે અનંત તારલાની હાર. એટલેકે આંખમાં ઊગતા અનંત સપનાઓની વાત.

    ‘જાત જાતનું વિચિત્ર આ કબંધ શું નગર.’ કવિ કહે છે જાણે કે માથાવિનાનું વિચિત્ર નગર! જ્યાં મનુષ્ય પોતાને ખોઈ બેઠો છે.
    ધસે કરાડ ધાર પર ધસી કરાલ
    રાત્રિની ઊંડી ઊંડી ખીણો મહીં પડે ધડાક”
    કોઈ ભેખડની ધાર ઉપર કાળી રાત્રી ધસી આવી ખીણમાં ધડાક દઈ પડતી હોય એમ રાત્રી નગરમાં ધસી આવે છે.
    (સાંભળું ફૂટે પ્રભાત)
    છેલ્લે પ્રભાતની વાત! જાણે કે બધાજ પ્રશ્નો શૂન્ય ! ઊગ્યું પ્રભાત!
    કાવ્યની આજ મધુરતા છે.

    ખૂબ સરસ કાવ્ય ખુબસરસ આસ્વાદ.

    🌹🌹🌹🌹

  7. Tanu Patel said,

    May 14, 2026 @ 6:37 PM

    લયબધ્ધ રીતે આગળ વધતું પ્રદુષિત શહેરનું ચિત્રાત્મક કાવ્ય…

    સાથે ઉપર આપેલો વિવેકભાઈનો શેર ખુબ ગમ્યો.

    “હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું
    એટલો હોતો નથી મનફાવતો અંધકાર”….

    દરેકને સ્પર્શી જાય તેવી વાત છે.

  8. વિવેક said,

    May 15, 2026 @ 11:28 AM

    સમય ફાળવીને સંતર્પક પ્રતિભાવ આપનાર તમામ ભાવકમિત્રોનો આભારી છું…

    @કિશોર આહ્યા: આપની ઉપસ્થિતિ સાઇટને વધુ જીવંત બનાવે છે. નતમસ્તક છું.

    @તનુ પટેલ: પોસ્ટની સાથોસાથ હેડરમાં મારા શેર તરફ ધ્યાન આપવા બદલ આભારી છું… જેટલીવાર રિફ્રેશ કરશો એટલીવાર અલગ અલગ કવિઓના નના નવા શેર માણવા મળશે.

  9. DILIP DHOLAKIYA SHYAM said,

    May 15, 2026 @ 12:58 PM

    અદ્ભુત રચના.. કબંધ નગર… સંવેદનહીન ફક્ત શ્વાસો લેતું શહેર..પ્રદૂષણથી પ્રતાડિત હોવા છતાં તદ્દન બધિર અવસ્થામાં સતત ભાગતું શહેર.. એક સુંદર રચના…

  10. pravin Shah said,

    May 15, 2026 @ 9:29 PM

    અદ્ભુત રચના..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment