એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
રશીદ મીર

અતિક્રમવું – શિશિર રામાવત

ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનિટી ક્યાં હોય છે આપણા હાથમાં!
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ – જડ, મૂર્ત, સ્થિર, ઘન.,
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતાં નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને, વલોવીને-
મારે તો બસ, ઘટનાઓની આરપાર થવું છે.

– શિશિર રામાવત

કવિતામાં મૌલિક વિચારોનું મહત્ત્વ મોટું અંકાયું છે, પણ વાસ્તવિક્તા એ છે કે આપણી ભાષા અને એ રૂએ આપણા વિચારો આપણા પોતાના હોતા જ નથી. બધું આપણને આજુબાજુના જગત પાસેથી જ પ્રાપ્ત થયું છે. પણ આપણી અનુભૂતિ, આકલન તેમજ અભિવ્યક્તિની ક્ષમતાના આધારે આપણે આપણા ‘પોતીકા’ કહી શકાય એવા વિચારો ઘડતાં હોઈએ છીએ. કદાચ એટલે જ કવિતાનો આરંભ પોતાના જે પોતાના હાથમાં જ નથી એવી વિચારોની વર્જિનિટીની અનાવશ્યક્તાથી થાય છે. કવિને તો અનુભવથીય સંતોષ નથી. એમણે તો એને પણ અતિક્રમવા છે. અનુભવ આમ તો અમૂર્ત અને અસ્થિર પણ કવિ એને સ્થૂળ પરિમાણો બક્ષી વિરોધાભાસ જન્માવે છે. કવિતાની શરૂઆત અહીંથી જ થાય છે. અનુભૂતિને અતિક્રમવા માટે એને તોડીફોડીને એનો નવોન્મેષ કરવો જરૂરી છે. કવિ આ કામ માટે વિ-જ્ઞાનની પ્રયોગશાળાને ખપમાં લે છે. આટલું કરી લીધા બાદ તેઓ વિચારને આમંત્રે છે. જે અનુભવોને તોડીફોડીને અતિક્રમી જાય એને વિચારોની કિંમત કે ઇતિહાસમાં શો રસ હોય? આસપાસ બનતીરહેતી ઘટનાઓને છેદી-ભેદી-તોડી-વલોવીને એની આરપાર નીકળી જઈ શકાય ત્યારે જે અર્ક હાથ લાગે એ છે ખરી વર્જિનિટી… એ છે વિશુદ્ધ મૌલિક અનુભૂતિ!

સુરેશ દલાલે શરૂ કરેલ ‘કવિતા’ દ્વિમાસિકના ૨૦૧૭માં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ત્રણસોમો અંક (દિપોત્સવી) પ્રગટ થયો હતો.એમાંથી આ રચના જડી આવી. ‘ઘન’ના સ્થાને’ધન’, ‘બહુપરિમાણી’ના સ્થાને ‘બહુપરિણામી’ અને ‘શોષી લે તેના વજનને’ના સ્થાને ‘શોષી લે તેવા વજનને’ છપાયું હતું. મને ખટકા અનુભવાયા એટલે ચહેરાપોથીના શરણે જઈ, શિશિર રામાવતના દરવાજે ટકોરા માર્યા… આ કવિતા વિશે એમણે જે લખ્યું છે એ રસપ્રદ છે. શિશિરભાઈ લખે છે:

“તમે કશુંક ઇન્ટેન્સ-ઇન્ટેન્સ લખ્યું હોય ને પછી તેને લગભગ ભૂલી ગયા હો ને તે લખાણ દોઢેક દાયકા પછી ઓચિંતા તમારી આંખ સામે આવે ત્યારે થોડું કૌતુક જરૂર થાય. તમારે યાદ કરવું પડે કે આવું બધું મેં કઈ મનઃસ્થિતિમાં લખ્યું હતું. મને ખરેખર આ કવિતા લખવા પાછળનાં ઇમોશનલ-સાઇકોલોજિકલ કારણો, ટ્રિગર્સ કે સંદર્ભો – આમાંનુ કશું જ યાદ આવી રહ્યું નથી. તોય તે વાંચીને ચહેરા પર સ્માઇલ તો આવ્યું જ.”

9 Comments »

  1. Sandhya Bhatt said,

    May 2, 2026 @ 11:26 AM

    વાહ…મઝા પડી ગઈ…

  2. યોગેશ પંડ્યા said,

    May 2, 2026 @ 11:38 AM

    શિશિરભાઈ વાર્તાઓ લખે છે,નવલકથાઓ લખે છે.પણ તેમની કલમમાંથી કેવી સરસ કવિતા નીપજી આવી એ અદ્ભુત છે. ઘટનાની પાર, વિજ્ઞાન, શબ્દમાં કેવું નિર્વહણ પામે છે એનું પરિમાણ આ કવિતા છે.કેલિડોસ્કોપ જેમ વારેવારે ચિત્ર (પરિમાણો) બદલતી સદરહુ કવિતા માટે શિશિરભાઈ ને ખૂબ અભિનંદન..

  3. Meena Chheda said,

    May 2, 2026 @ 11:40 AM

    ઘટનાઓની આરપાર જવાની વાત અને એ અનુભૂતિથી સર્જાયેલી રચના ….
    અને કાળના આવરણ હેઠળ એ ક્ષણોની યાદ ભૂલાઈ ગઈ હોય…
    અને ફરી એકવાર કોઈક અણધાર્યા ટકોરા મારીને આ જીવંત કરી જાય…

    મારા બંને મિત્રોને સ્નેહ!

  4. માર્ગી દોશી said,

    May 2, 2026 @ 12:05 PM

    ખૂબ જ ગમી આ કવિતા! કંઈક નોખી છતાં અદ્ભૂત કહી શકાય એવી!

  5. Vrajesh Mistri said,

    May 2, 2026 @ 12:15 PM

    અદભુત

  6. Jigisha Desai said,

    May 2, 2026 @ 1:56 PM

    Khubsaras

  7. Vrajlal Savaliya said,

    May 2, 2026 @ 2:39 PM

    ખુબ સરસ

  8. Kishor Ahya said,

    May 2, 2026 @ 7:54 PM

    અછાંદસની શરૂઆત કરતા કવિ શ્રી શિશિર રામાવત કહે છે.

    “ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું વિચારોની વર્જિનિટી ક્યાં હોય છે આપણા હાથમાં! મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.”

    કવિ કહે છે વિચારની મૌલિકતા આપણા હાથમાં ક્યાં હોય છે? મનુષ્ય સામાજિક છે જેથી દરેક મનુષ્યની વિચારધારા દા.ત. કોઈ ઘટનાની બાબતમાંએક સરખા દ્રષ્ટિબિંદુ ધરાવતી હોવાની.ક્યારેક નિજી જીવન સાથે જોડાયેલી કોઈ બાબતો હોય ત્યારે પણ તેના વિચારોનું પૂર્વ અવલોકન કરી શકાય. પણ કવિ અહીં પોતાને થતા અનુભવોને અતિક્રમવા ઇચ્છે છે.

    કવિ કહે છે “મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
    એમાંથી રેષાઓ ખેંચવા છે.
    એના રંગોનું વિઘટન કરવું છે
    તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતાં નિહાળવા છે.
    વિચાર, તું આવ.”
    કવિ અનુભવોનું અતિક્રમણ ઇરછે છે અને એના માટે મદદ કરવા વિચારને આમંત્રણ આપે છે.

    વિચારના માધ્યમથી અનુભવોનું અતિક્રમણ કરવું શકય નથી પણ જો વિચારોનું અતિક્રમણ શક્ય બને તો જ અનુભવોનું અતિક્રમણ શકય બને. વિચારના માધ્યમથી અનુભવોનું અતિક્રમણ કરવું એ પણ એક વિચારજ હશે. કવિની વિચારને પાર જવાની (અતિક્રમણ) ઇચ્છા એક આદ્યાત્મિક ખોજ ને નિમંત્રણ આપવા બરાબર છે,પણ કોઈ એક વિચાર અથવા અમુક વિચારનું અતિક્રમણ શક્ય નથી બનતું, કહેવાય છે સંબોધી અવસ્થામાં વિચારો રહેતા નથી ધ્યાન અવસ્થામાં વિચારો આપમેળે ચાલ્યા જાય છે એ જ છે વિચારોનું અતિક્રમણ, અને એજ છે અનુભવોનું અતિક્રમણ..કવિ કહે છે “મારે તો બસ, ઘટનાઓની આરપાર થવું છે.” જીવનને હોંશપૂર્વક જીવવાથી એટલેકે ક્ષણે ક્ષણે વર્તમાનમાં જીવવાથી ઘટનાના અનુભવોનું અતિક્રમણ શકય છે.

    અતિક્રમવું –કવિ શ્રી શિશિર રામાવત રચિત ખૂબ સરસ અછાંદસ ,કવિએ અહીં બહુ સરસ રીતે અછાંદસમાં પોતાના મનની વાત વ્યક્ત કરી છે. અને શ્રી વિવેકભાઈનો એટલોજ સરસ આસ્વાદ.

    🌹🌹🌹🌹

  9. વિવેક said,

    May 3, 2026 @ 11:03 AM

    સહૃદય પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભાર…

    સમય ફાળવીને વિસ્તારથી ટિપ્પણી આપનાર મિત્રોનો સવિશેષ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment