મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
નિનાદ અધ્યારુ

બોલો! – નિરંજન ભગત

બોલો!
સખે, કુંઠિત કંઠ ખોલો!

અરધે અધૂરું
મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
શું શબ્દથી મૌન વિશેષ તોલો?

સ્વરહીરદોરે,
હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે;
એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!

એ ગીતગોપી
રાસે રમાડો, વ્રજકુંજ લોપી
આ કૃષ્ણશો કાળ જતો અમોલો!

– નિરંજન ભગત

નાનું અમસ્તું ગીત પણ કેવું મધુરું અને અસરદાર! અડધુંઅધૂરું કહીને અચાનક મૌન થઈ જઈ વાત પૂરી ન કરતા પ્રિયપાત્ર સામેની મીઠી ફરિયાદ અને માર્દવ અરજનું આ ગાન છે. જીવનના પ્રભાતે રેશમ જેવા સ્વરના દોરે હૈયાનો હિંડોળો સહેજ હીંચક્યો-ન હીંચક્યો ત્યાં તો સ્તબ્ધ થઈ સ્થિર થઈ ગયો. ગોપી-કૃષ્ણની જેમ સહવાસનો રાસ રમવાનું આ અણમોલ ટાણું તો વ્રજ-કુંજ જેવા અસ્તિત્ત્વને ઠેકીને પળમાં વહી જશે.

સામાન્યરીતે ગીત માત્રામેળના અવર્તનોમાં લખવાનો ચાલ છે. પણ સમર્થ કવિએ અત્રે ખંડ ઇન્દ્રવજ્રા (અક્ષરમેળ) છંદ (ગાગાલ ગાગાલ લગાલ ગાગ) પ્રયોજ્યો છે. દોઢ-દોઢ પંક્તિના મુખડા-અંતરા અને ચુસ્ત પ્રાસાવલિના કારણે રચના વધુ હૃદ્ય બની છે.

આજથી પોણાસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૫૦માં લખાયું હોવા છતાં ગીત કેવું તાજું પ્રતીત થાય છે!

9 Comments »

  1. Kishor Barot said,

    May 13, 2026 @ 11:40 AM

    અદ્ભૂત ગીત 👌

  2. Vrajesh Mistri said,

    May 13, 2026 @ 11:42 AM

    આહા…. ઉપાડ તો જુઓ….!!

  3. Reena Parikh said,

    May 13, 2026 @ 11:47 AM

    બહુ સરસ ગીત !💐💐

  4. Barin Dixit said,

    May 13, 2026 @ 12:37 PM

    ખૂબ સરસ ગીત. અને એટલી જ સરસ સમજ આપી આપે પ્રણામ 🙏🙏👍

  5. રાજેન્દ્ર ભટ્ટ said,

    May 13, 2026 @ 1:28 PM

    ગીતમાં ભાવનું વિશેષ મહત્વ હોય છે જે ઘણી વખત ન કહેલા શબ્દો બળકટ રીતે કહેતા હોય છે. અદભૂત રચના

  6. Jigisha Desai said,

    May 13, 2026 @ 1:38 PM

    Vahh

  7. Kishor Ahya said,

    May 14, 2026 @ 6:22 PM

    સ્ત્રી હદયના ભાવો વ્યક્ત કરતી કવિ શ્રી નિરંજન ભગતની ‘બોલો’ ખૂબ સુંદર રચના છે.

    “બોલો!સખે, કુંઠિત કંઠ ખોલો!
    અરધે અધૂરુંમેલ્યું, હવે શું કરશો ન પૂરું?શું શબ્દથી મૌન વિશેષ તોલો?”

    ગીતમાં સરસ લય છે તેમજ ખૂબ સરસ સંદેશ પણ છે ‘આ કૃષ્ણશો કાળ જતો અમોલો!’ જીવન અમૂલ્ય છે જે પળવારમાં વીતી જશે.કાવ્યમાં નાયકા જે સમય છે તેને પ્રેમમય જીવી લેવા નાયકને ગુજારીશ કરે છે.

    નાયકા કહે છે હજુતો પ્રેમનો હિંડોળો ઝુલાવ્યો ન ઝુલાવ્યો ત્યાં તો સતભ્ધ થઈ ગયો !
    જોકે કાવ્યમાં નાયક તરફથી પ્રત્યુતર નથી એ આશ્ચર્ય !

    શ્રી વિવેકભાઈ એ સરસ ગીત પસંદ કર્યું છે અને સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  8. વિવેક said,

    May 15, 2026 @ 11:23 AM

    તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભાર…

    દર વખતની જેમ વિશદ ટિપ્પણી કરવા બદલ શ્રી કિશોર આહ્યાનો સવિશેષ આભાર. આપની ટિપ્પણી વાંચવી ગમે છે. ઘણીવાર એમાંથી નવું જાણવા-સમજવા પણ મળે છે. નાયકે પ્રત્યુત્તર વાળ્યો નહીં એ બાબતે એટલું જ કે આ સંવાદકાવ્ય નથી,એકોક્તિ છે… નાયકના જવાબ માટે બીજું ગીત રચવું રહ્યું… પણ હવે ભગતસાહેબ તો…

  9. Poonam said,

    June 20, 2026 @ 8:09 PM

    અરધે અધૂરું
    મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
    શું શબ્દથી મૌન વિશેષ તોલો?
    – નિરંજન ભગત – 😍

    Aasawad Sa Ras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment