દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઇ જિન્દગી!
વેણીભાઇ પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિજય રાજ્યગુરુ

વિજય રાજ્યગુરુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સન્નાટો સન્નાટો – વિજય રાજ્યગુરુ

મોભારેથી ખડકી લગ છે સન્નાટો સન્નાટો!
વાટ કોઈની નથી હવે ના દીવો ના ગરમાટો!
ચોતરફે સન્નાટો…

રાંધણિયામાં રાખ વળી છે કોને ગમતું રાંધું?
ના બંધાયો પ્રીતે એને મીંઢળથી શું બાંધું?
મારી સાથે ઝૂરે ફળિયાની પીપળનો ફાંટો!
ચોતરફે સન્નાટો…

કાટ ચડ્યો છે પાનેતરને, ઘરચોળું વંકાતું!
સપ્તપદીના વચનોમાં કંકુપગલું અટવાતું!
સીમે વરસે અનરાધારે, ઓસરિયે ના છાંટો!
ચોતરફે સન્નાટો…

ચૂંક-ચાંદલો થાય બધાં શણગારો જાય પટારે!
મંગલસૂત્ર હલે ઠાલું તો સેંથો મેણાં મારે!
ખાલીપો તો એવો ખટકે જેવો ખટકે કાંટો!
ચોતરફે સન્નાટો…

– વિજય રાજ્યગુરુ

ત્યક્તા પરિણીતાની વેદનાનું હૃદયદ્રાવક ગીત. મુખબંધમાં સન્નાટોની પુનરુક્તિ સન્નાટાને ઘૂંટવામાં ઉપકારક નીવડી છે. વાટ શબ્દમાં પણ કવિએ મજાનો શ્લેષ સાધ્યો છે. ગરમાટો શબ્દ પણ જાણે શ્લેષ કરતો ન હોય એમ દીવાની સાથોસાથ સહવાસની ઉષ્માના ખાલીપાને ઉચિત રજૂ કરે છે. મુખડામાં જે સન્નાટો અને એકલતાની વાત થઈ છે એ ત્યક્તાની ઉક્તિ હોવાની વાત આગળ જતાં મીંઢળથી વ્યાખ્યાયિત થાય છે. આપણા સમાજમાં મોટાભાગની સ્ત્રી મીંઢળને હાથકડી ગણે છે. પણ આપણી કાવ્યનાયિકા આ બાબતમાં સ્પષ્ટ છે. એ સમજે છે કે મીંઢળ હાથકડી નથી. જ્યાં પ્રીતનો તાંતણો જ તૂટી ગયો હોય ત્યાં મીંઢળની દુહાઈ શા કામની? જીવનમાં પડી ગયેલા ‘પરમેનન્ટ’ ફાટાને પીપળાના ફાંટા સાથે કવિએ સ-રસ સરખાવ્યો છે. પાનેતર-ઘરચોળું, સપ્તપદીના વચનો અને કંકુપગલાં હવે ઇત-હાસ થવાને આરે છે કેમકે મનનો માણીગર ઘરની ઓસરીને કોરીધાકોર મૂકીને ક્યાંક બીજે અનરાધાર વરસી રહ્યો છે. ગીતના આખરી બંધમાં કવિ કોઈ નવી વાત નથી કરતાં પણ ત્યજાયેલી દુલ્હનના મંગળશણગારોની યાદી સંપૂર્ણ કરે છે, જે થકી નાયિકાની વેદનાને વાચા આપવાનું કામ પણ સંપન્ન થાય છે.

Comments (15)

વળો હવે ઘર ઢાળા – વિજય રાજ્યગુરુ

હોલાયા અંગારા, કવ છું વળો હવે ઘર ઢાળા!
જુઓ હવે આ રથ આવ્યો છે, ઘોડા છે પાંખાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!

સાથ આટલો હતો ગયો છૂટી અફસોસ ન કરશો,
ધુમ્રસેર વિખરાઈ જવા દો, મુઠ્ઠીમાં ન પકડશો!
ઝાંખીપાંખી અટકળને પણ મારી દેજો તાળાં,
કવ છું વળો હવે ઘર ઢાળા!

ક્યાંક કોઈ બોલાશ થશે, આંખો સામે ઝળહળશું!
ચીજ જોઈતી નહીં મળે ને અમે સતત સાંભરશું!
પળો પાછલી ભેગી કરી કરી કરજો સરવાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!

અમે દૂધગંગાને કાંઠે રાહ તમારી જોશું,
તમે એકલા હાથે ઘરની પૂરી કરજો હોંશું!
કડકડતી ઠંડીમાં સ્મરણોથી રે’જો હૂંફાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!

– વિજય રાજ્યગુરુ

ગીતનું શીર્ષક ગીત શેના વિશે છે એ બોલવાનું ટાળે છે એટલે ફરજિયાત ભાવકે ગીત પાસેથી જ જવાબ મેળવવાનો રહે છે. પણ ગીત શરૂ થતાં જ અંગારા હોલાવાની અને પાંખાળા ઘોડાવાળા રથના આવવાની વાતથી કોઈકનું મૃત્યુ થયું છે અને મૃતક પાછળ જીવતાં-એકલા રહી જનાર પાત્રને સંબોધે છે એ તરત જ સમજી શકાય છે. આગળ જતાં સમજાય છે કે પત્નીનું અવસાન થયું છે, એને અગ્નિદાહ પણ દેવાઈ ચૂક્યો છે અને ચિતા પણ હવે ઠરી ગઈ છે, પણ સદ્યવિધુર થયેલો પતિ ઘર ભણી ‘એકલા’ જવાની હિંમત કરી શકતો નથી.

પત્ની પરલોક સિધાવી ગઈ છે પણ વૃદ્ધને એના પોતાના માટેના આજીવન પ્રેમની હવે પ્રતીતિ થાય છે. મૃતક કંઈ બોલવા માટે ફરી આવે નહીં પણ વિધુરને પત્ની પોતાની સાથે વાર્તાલાપ કરતી હોવાનું અનુભવાય છે કેમકે માણસના ગયા પછી જ એની ખરી કિંમત સમજાય છે. પત્ની કહે છે, સાથ છૂટી ગયો, અફસોસ ન કરશો. ધુમાડો હાથમાં પકડવાની જિદ્દ ન કરશો. કોઈક સાથે કંઈક બોલચાલ થશે કે જોઈતી વસ્તુ ઝટ જડશે નહીં ત્યારે પાણી માંગો ત્યારે દૂધ હાજર કરે દેતી પત્ની અવશ્ય યાદ આવશે. પત્ની સ્વર્ગમાં પતિની પ્રતીક્ષા કરશે પણ પતિને ખાસ ચીમકી આપે છે કે ઘરના તમામ જણની હોંશ એકલા હાથે પૂરી કરજો, મારા શોકમાં માથે હાથ દઈ બેસી ન રહેતાં. થીજી ગયેલા જીવતરને હવે માત્ર સ્મરણોની જ હૂંફ છે…. ઊઠો, પતિદેવ.. કહું છું, હવે ઘર તરફ પાછા વળો…

Comments (4)

યશોધરા – વિજય રાજ્યગુરુ

બુદ્ધ બનીને આવો –
પ્હેલી ભિક્ષા લેવા પગલાં મારે દ્વારે લાવો
સ્વામી! બુદ્ધ બનીને આવો…

સુત-દારાને સૂતાં મૂકી, તસ્કર પેઠે છટ્ક્યા!
વાત ન કીધી, રજા ન લીધી, એ વર્તન મન ખટ્ક્યા!
હવે આંખથી રીસ વહી ગઈ, કરપાતર લંબાવો!
સ્વામી! બુદ્ધ બનીને આવો…

તમે જગત માટે ઘર ત્યાગ્યું, એ જ માપથી માપું!
ઘડપણનો આધાર ધરી દઉં, રાહુલ તમને આપું!
સુન્ન ભવનમાં, ખાલી મનમાં, રણઝણ જ્યોત જગાવો!
સ્વામી! બુદ્ધ બનીને આવો…

પ્હેલી ભિક્ષા લેવા પગલાં મારે દ્વારે લાવો
સ્વામી! બુદ્ધ બનીને આવો…

– વિજય રાજ્યગુરુ

સૂતેલાં પત્ની-પુત્ર અને સંસારનો ત્યાગ કરીને એક રાત્રે રાજકુમાર સિદ્ધાર્થ મહાભિનિષ્ક્રમણ પર નીકળી પડ્યા અને બુદ્ધ બનીને પરત ફર્યા ત્યારે પોતાના જ ઘરે પોતાની જ પત્ની પાસે ભિક્ષા માંગવા આવે છે. યશોધરા બુદ્ધને ભિક્ષામાં એકનો એક પુત્ર રાહુલ આપી દે છે… એક પત્નીના આવી ક્ષણના મનોમંથનની ઘડીને કવિએ અહીં નાનકડા ગીતમાં સ-રસ રીતે વાચા આપી છે.

યશોધરા બુદ્ધને ભિક્ષુકજીવનની પ્રથમ ભિક્ષા માંગવા પોતાના જ આંગણે આવવા અનુરોધ કરે છે. ભિક્ષા લેવા બુદ્ધ આવે છે પણ યાચના યશોધરા કરે છે. કદાચ આ જ કારણોસર અજંટાની ગુફામાં આ પ્રસંગચિત્રમાં દાતા યશોધરા-રાહુલને યાચક બુદ્ધ કરતાં નાનાં ચિતરવામાં આવ્યાં હશે! યશોધરા પહેલાં તો ચોરની જેમ પોતાને સૂતાં મૂકીને ભાગી ગયેલ સ્વામીને ફરિયાદ કરે છે. પણ આખરે તો એ સ્ત્રી છે, પત્ની છે, ને એટલે જ ક્ષમાની મૂર્તિ પણ છે. બુદ્ધનું વર્તન એને ખટક્યું હોવા છતાં એની પ્રતીક્ષામાં એની બધી જ રીસ-ગુસ્સો આંસુ બનીને વહી ગયાં છે… એટલે જ બિલકુલ બુદ્ધભાવે એ બુદ્ધને એનું કરપાત્ર ભિક્ષા માટે આગળ લંબાવવાનું કહી શકે છે… એ તથાગતને એનીજ માપપટ્ટીથી માપે છે. તથાગતે જગત માટે ઘર છોડ્યું હતું, યશોધરા બુદ્ધ માટે પોતાનો ઘડપણનો એકમાત્ર આધાર સમર્પી દે છે. પતિ તો ગયો… પુત્ર પણ જવાનો… પણ સર્વસ્વ આપી દીધા બાદ પણ માત્ર એકવાર બુદ્ધના પાવન પગલાં થાય તો ન માત્ર સૂનું ભવન, મન પણ જ્યોતિર્મય બની જાય…

Comments (6)

પાર્વતીનું ગીત- વિજય રાજ્યગુરુ

જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો…
નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો…

દર્પણ ફોડી, વળગણ છોડી, સગપણ તોડી, દોડી!
કાચી વયના મત્ત પ્રણયમાં બચપણ છોડી દોડી!
ગ્રીષ્મ તપી છું કરી તાપણી! આગ વિરહની ખાળો-
જોગી ! જોગણનાં તપ ટાળો…

નદિયું માપી, પર્વત કાપી, ખીણ ફલાંગી આવી !
આરત ખાતર, ગાળી ગાતર, ભાગી ભાગી આવી !
ચોમાસે ચાચર સળગી છું ! હવે વધુ ના બાળો-
જોગી ! જોગણનાં તપ ટાળો…

છો ઉત્તમ વર, અવર બધા પર, તાપસ વેશ ઉતારો !
તપને ત્યાગો, આંખ ઉઘાડો, જોગણને સત્કારો !
વસંત લ્હેકે, ઉપવન મ્હેકે, લચી ફૂલથી ડાળો-

જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો…
નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો…

– વિજય રાજ્યગુરુ

ઘણા વરસોથી કાવ્યસાધના કરતા આ કવિ સાથે વૉટ્સ-એપ-ફેસબુકના કારણે પરિચય થયો. ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ વિષયવૈવિધ્ય પર એમના જેટલી પકડ ધરાવે છે. આ ગીત કવિના પોતાના શબ્દોમાં ‘કામદહન પહેલા તપોમગ્ન શિવ માટે તપસ્વિની બનેલી અને શિવને મનામણાં કરતી પાર્વતીનું ગીત’ છે. પંક્તિએ પંક્તિએ આવતા આંતર્પ્રાસ અને રમતિયાળ લયના કારણે ગીત વારંવાર ગણગણવાનું મન થાય એવું મજાનું થયું છે…

ધ્યાનસ્થ શિવ નીલા કમળ જેવા નયન ઊઘાડી સામે જુએ તો પાર્વતીનાં તપ ફળે. દર્પણ એટલે સ્વનું કેન્દ્રબિંદુ. દર્પણમાં ‘દર્પ’ એટલે અભિમાન પણ છૂપાયેલ છે. જાત સાથેનું આકર્ષણ, બધા જ વળગણ, સગપણ ને બાળપણની રમતોના આનંદ ત્યજીને એ વિરહની આગમાં એ તપી છે. નદી-નાળાં, ખીણ-પર્વત ફર્લાંગીને, મનના ઓરતાઓ પૂરા કરવાને ખાતર, ગાત્રો ગાળીને એ ભાગતી-ભાગતી આવી છે. લોકો ચોમાસે ભીંજાય છે, આ વિરહિણી ચાચર ચોકમાં ભરચોમાસે સળગી છે… ઋતુ પણ ખીલી છે આવામાં શંકર તપસ્વીનો વેશ ન ત્યજે તો સતીનો દાહ વધતો ને વધતો જશે…

Comments (1)

ખિસકોલી રાણીનું ગીત – વિજય રાજ્યગુરુ

શકરો વીંઝે પાંખ ગગનમાં ! હૈયે પડતી ફાળ,
તમોને ઝડપી લેશે કાળ…
પાળ ઉપર ના રખડો રાણા ! ઝડપી લેશે કાળ,
તમોને ઝડપી લેશે કાળ…

ઠાલા વટમાં, ખુલ્લા પટમાં,
મારે કાજ તમે જોખમમાં નાખ્યો જીવ તમારો !
અમે અબોલા છોડી દીધા,
રીસ તમે તરછોડી રાજા પાછા ઘેર પધારો !
સીતાની હરણાંહઠ જેવા અમને પડશે આળ,
તમોને ઝડપી લેશે કાળ…

ઘરવખરીમાં થોડા ઠળિયા,
પોલ નથી છો રૂના, છોને લાગે મ્હેલ અનૂરા !
જીવ હશે તો રામદુલારા,
સંતોષાય અબળખા,સઘળા થાય મનોરથ પૂરા !
ઠળિયો છોડો, દરમાં દોડો, ઠેકી પકડો ડાળ,
તમોને ઝડપી લેશે કાળ…

શકરો વીંઝે પાંખ ગગનમાં ! હૈયે પડતી ફાળ,
તમોને ઝડપી લેશે કાળ…
પાળ ઉપર ના રખડો રાણા ! ઝડપી લેશે કાળ,
તમોને ઝડપી લેશે કાળ…

– વિજય રાજ્યગુરુ

કવિ પોતે આ ગીત વિશે જે કહે છે એ સાંભળીએ: “એક ગૃહિણીનું / ઘરની રાણીનું ગીત આપને ગમી જશે. મંગાવેલી ચીજ પતિ ન લાવે. પત્ની કોપભવનમાં જાય. રીસભર્યો પતિ વસ્તુ લીધા વગર ઘરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી જવા નીકળે અને નગરના ટ્રાફિકમાં પતિના જાનનું જોખમ જોતી પત્ની જે ચિંતા અનુભવે તેનું ગીત….”

પણ આવું કશું ન વિચારીએ તો પણ સાવ નવી ફ્લેવરનું આ ગીત એમ જ આખું આસ્વાદ્ય બન્યું છે. હરણાંહઠ શબ્દપ્રયોગ ચાર ચાંદ લગાવી દે છે…

Comments (4)

બળાત્કાર ભોગ્યાના સોરઠા – વિજય રાજ્યગુરુ

ખેડી નાંખી જાંઘને, રેલ્યા ઘોડાપૂર,
મારે રોમે રોમ, કોંટા ફૂટ્યા કારમા!

કોંટા ફૂટ્યા કારમા, છાતી માથે આગ,
ના એ નો’તા હાથ, બળબળતા સૂરજ હતા!

બળબળતા સૂરજ છતાં, ઢળી બપોરે સાંજ,
નો’તા તીણા દાંત, ચટકા કાળી નાગના!

ચટકા કાળીનાગના, ચટ્ક્યા આઠે પોર,
ફણગ્યા શ્વાસેશ્વાસ, લીલાં-લીલાં ચામઠાં!

લીલાં-લીલાં ચામઠાં, આપી ‘ગ્યા નઘરોળ,
તીણે રે દંતાળ, ખેડી નાંખી જાંઘને!

– વિજય રાજ્યગુરુ

આપણી ભાષામાં ‘બળાત્કાર’ જેવા વિષય પર આવું કોઈ કાવ્ય પણ લખાયું છે એવી જાણ જ એક આંચકો આપી જાય એવી છે. કવિતા થોડી મુખર છે પણ અવગણી શકાય એવી નથી. આવા વિષય પર પણ આવી વેદનાસિક્ત કવિતા લખનાર કવિને એમની હિંમત માટે શાબાશી આપ્યા વિના કેમ રહી શકાય?

સોરઠાની રચના જાણે કે એક કુંડાળું રચે છે અને જાણે કે આ કુંડાળામાં કમનસીબ સ્ત્રીનો જાણે કે પગ ન પડી ગયો હોય! દરેક સોરઠાનું ચોથું ચરણ આગામી સોરઠાના પહેલા ચરણ તરીકે આવે છે અને પહેલા સોરઠાનું પહેલું ચરણ આખરી સોરઠાનું આખરી ચરણ બનીને આ કુંડાળાને પૂર્ણ કરે છે.

સ્ત્રીનું અસ્તિત્વ એક ખેતર હોય અને એને માત્ર હળ નહીં, આખું ઘોડાપૂર રગદોળી નાખે તો કેવી અસહાયતા અને વેદના થાય! રોમેરોમ કાંટા ફૂટી નીકળ્યા છે. છાતીને રગદોળતા એ હાથ હાથ નહીં, સાક્ષાત્ સૂરજ હોય એમ છાતીમાં આગ લાગી છે. સૂરજ મધ્યાહ્ને બળતો હોય અને બપોરે જિંદગીની સાંજ ઢળી જવાની વાતમાં ખરી કવિતા સિદ્ધ થાય છે. કાળીનાગના ચટકા જેવા દાંતોથી ભરવામાં આવેલ નિર્મમ બચકા આઠે પહોર ચટકી રહ્યા છે. બળાત્કારની વેદના તે કેમ કરીને ઓસરે? લીલાં ચામઠાં માત્ર શરીરે જ નહીં, જાણે શ્વાસેશ્વાસમાં ફણગી આવ્યાં છે. જે બિંદુથી કવિતા શરૂ થાય છે એ જ બિંદુ પર આવીને કવિતા પૂરી થાય છે ત્યારે આપણી અંદર કંઈક મરી પરવાર્યું હોવાનો તીવ્ર અહેસાસ જરૂર થાય છે.

Comments (6)

(આંખોમાં જો) – વિજય રાજ્યગુરુ

અરીસામાં નહિ, મારી આંખોમાં જો !
તું છો એના કરતાંયે રૂપાળી છો !

અમે એક પળમાં ગુમાવ્યું હતું,
અે રીતે જ તારું હૃદય તુંયે ખો !

પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,
કિનારો તજી દે, નહીં રાખ ભો !

દરદનીય છે એક નોખી મજા,
તુંયે તારી આંખોને આંસુથી ધો.

તને તો જ ભાષા ઉકલશે હવે,
તુંયે મારી જેમ જ પ્રણયમગ્ન હો.

– વિજય રાજ્યગુરુ

એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ ને તેય પાછી એકાક્ષરી! એકેયનું પુનરાવર્તન પણ નહીં ને ઉપરથી આખી રચના આસ્વાદ્ય. વાહ!

Comments (7)