હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

સન્નાટો સન્નાટો – વિજય રાજ્યગુરુ

મોભારેથી ખડકી લગ છે સન્નાટો સન્નાટો!
વાટ કોઈની નથી હવે ના દીવો ના ગરમાટો!
ચોતરફે સન્નાટો…

રાંધણિયામાં રાખ વળી છે કોને ગમતું રાંધું?
ના બંધાયો પ્રીતે એને મીંઢળથી શું બાંધું?
મારી સાથે ઝૂરે ફળિયાની પીપળનો ફાંટો!
ચોતરફે સન્નાટો…

કાટ ચડ્યો છે પાનેતરને, ઘરચોળું વંકાતું!
સપ્તપદીના વચનોમાં કંકુપગલું અટવાતું!
સીમે વરસે અનરાધારે, ઓસરિયે ના છાંટો!
ચોતરફે સન્નાટો…

ચૂંક-ચાંદલો થાય બધાં શણગારો જાય પટારે!
મંગલસૂત્ર હલે ઠાલું તો સેંથો મેણાં મારે!
ખાલીપો તો એવો ખટકે જેવો ખટકે કાંટો!
ચોતરફે સન્નાટો…

– વિજય રાજ્યગુરુ

ત્યક્તા પરિણીતાની વેદનાનું હૃદયદ્રાવક ગીત. મુખબંધમાં સન્નાટોની પુનરુક્તિ સન્નાટાને ઘૂંટવામાં ઉપકારક નીવડી છે. વાટ શબ્દમાં પણ કવિએ મજાનો શ્લેષ સાધ્યો છે. ગરમાટો શબ્દ પણ જાણે શ્લેષ કરતો ન હોય એમ દીવાની સાથોસાથ સહવાસની ઉષ્માના ખાલીપાને ઉચિત રજૂ કરે છે. મુખડામાં જે સન્નાટો અને એકલતાની વાત થઈ છે એ ત્યક્તાની ઉક્તિ હોવાની વાત આગળ જતાં મીંઢળથી વ્યાખ્યાયિત થાય છે. આપણા સમાજમાં મોટાભાગની સ્ત્રી મીંઢળને હાથકડી ગણે છે. પણ આપણી કાવ્યનાયિકા આ બાબતમાં સ્પષ્ટ છે. એ સમજે છે કે મીંઢળ હાથકડી નથી. જ્યાં પ્રીતનો તાંતણો જ તૂટી ગયો હોય ત્યાં મીંઢળની દુહાઈ શા કામની? જીવનમાં પડી ગયેલા ‘પરમેનન્ટ’ ફાટાને પીપળાના ફાંટા સાથે કવિએ સ-રસ સરખાવ્યો છે. પાનેતર-ઘરચોળું, સપ્તપદીના વચનો અને કંકુપગલાં હવે ઇત-હાસ થવાને આરે છે કેમકે મનનો માણીગર ઘરની ઓસરીને કોરીધાકોર મૂકીને ક્યાંક બીજે અનરાધાર વરસી રહ્યો છે. ગીતના આખરી બંધમાં કવિ કોઈ નવી વાત નથી કરતાં પણ ત્યજાયેલી દુલ્હનના મંગળશણગારોની યાદી સંપૂર્ણ કરે છે, જે થકી નાયિકાની વેદનાને વાચા આપવાનું કામ પણ સંપન્ન થાય છે.

15 Comments »

  1. Sandip Pujara said,

    June 16, 2021 @ 1:18 AM

    આહા… સરસ લયબદ્ધ ગીત..

  2. Anjana bhavsar said,

    June 16, 2021 @ 4:17 AM

    ખૂબ સુંદર વેદનાસભર રજૂઆત..

  3. રાજુ પ્રજાપતિ said,

    June 16, 2021 @ 6:40 AM

    મસ્ત . લાગણીસભર .. ઉત્તમ ગીત …

  4. લલિત ત્રિવેદી said,

    June 16, 2021 @ 7:09 AM

    બહુ સરસ ગીત

  5. saryu parikh said,

    June 16, 2021 @ 9:06 AM

    વેદનાનું ભાવભર્યું ગીત.
    સરયૂ

  6. pragnajuvyas said,

    June 16, 2021 @ 9:45 AM

    કવિશ્રી વિજય રાજ્યગુરુ ત્યક્તા પત્નીની વેદનાનું હૃદયદ્રાવક પાત્રમાંથી પ્રસંગત્વ પ્રસરવા ક્યારેક સંવેદનશીલ મનને વેદના વેઠવી પડી હોય છે. આ સંવેદનશીલ મન ક્યાંક ધબકાર, ચિત્કાર, સ્વીકાર કે સ્પંદન જુએ છે ત્યારે તેનું મનમાં કાવ્યરુપે અનુરોપણ થઈ જ જાય છે. જેને પ્રસવતા સંવેદનશીલ મનને કાવ્ય લખાય છે ત્યારે જ એ મન સાંત્વના અનુભવે છે.
    ચૂંક-ચાંદલો થાય બધાં શણગારો જાય પટારે!
    મંગલસૂત્ર હલે ઠાલું તો સેંથો મેણાં મારે!
    ખાલીપો તો એવો ખટકે જેવો ખટકે કાંટો!
    ચોતરફે સન્નાટો…ગીત માણતા મનમા સન્નાટો થાય છે
    સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  7. Rina said,

    June 16, 2021 @ 12:22 PM

    Wahhh

  8. સુનીલ શાહ said,

    June 16, 2021 @ 12:56 PM

    પીડા સરસ રીતે ઉપસી છે. કવિને અભિનંદન

  9. DILIPKUMAR CHAVDA said,

    June 16, 2021 @ 2:48 PM

    ખૂબ સુંદર સહજ માણવાલાયક ગીત અભિનંદન કવિ

  10. praheladbhai prajapati said,

    June 16, 2021 @ 8:53 PM

    લાય નું લય બદ્ધ ગીત એકલતાને ઉજાગર કરતું અને સેવાળ સમી પ્રીત વિના પાણીએ ઓસુએ ઉભરતી સન્નાટાને વારેછે ,,,,,,,,,સુંદર વ્યથા ગાતું ગીત

  11. Kiran Jogidas said,

    June 16, 2021 @ 11:32 PM

    વાહ..વાહ..વાહ..અદભૂબ સરસ ગીત

  12. Aasifkhan said,

    June 17, 2021 @ 12:04 AM

    વાહ સુંદર ગીતનો સરસ આસ્વાદ

  13. Dipak Peshwani said,

    June 19, 2021 @ 10:21 PM

    આવું લાગણીસભર વિરહ ગીત…..❤️❤️😔કોઈને પણ વિરહ ભીના કરી શકે આ ગીત જો કવિતા ની સમજ હોય તો….

  14. Maheshchandra Naik said,

    June 20, 2021 @ 11:15 PM

    વિરહનુ વેદનાસભર ગીત,
    ખુબ સરસ ગીત, આસ્વાદ પણ સરસ..

  15. વિવેક said,

    June 21, 2021 @ 1:09 AM

    સહુનો હૃદયપૂર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment