હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે – ઉશનસ્

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,

આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે.

થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોયે જા
કાય ઘસડતી પેટે. – બાઈ રે0

એ ગમથી આવ્યા છે વાવડઃ
એ પણ ઊતરી હેઠો,
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? – બાઈ રે0

– ઉશનસ્

દરેકને પોતપોતાનાં લક્ષ્ય હોય… આજે આ લક્ષ્ય હોય તો કાલે કોઈ બીજું… જીવનમાંથી લક્ષ્યની બાદબાકી કરી નાંખો તો જીવવા માટે કશું બચે જ નહીં… પણ દરવખતે લક્ષ્ય હાંસિલ કરી જ શકાય એવું નથી હોતું… આપણામાંથી મોટાભાગના નિર્ધારિત ધ્યેય સુધી ન પહોંચાય તો હથિયાર હેઠાં નાંખી દેતાં હોય છે. ધારેલ મંઝિલ સુધી પહોંચવાનું દોહ્યલું થઈ પડે તો શું કરવું જોઈએ? જોઈએ આ ગીત… યેનકેન પ્રકારે પણ લક્ષ્ય સુધી પહોંચવાની વાત છે. આમ તો આ વાત ઈશ્વરપ્રાપ્તિની છે, પણ કોઈપણ લક્ષ્ય માટે લાગુ પાડી શકાય. ગમે એટલું વેઠવું પડે ને ધીરજ ખૂટી જાય તોય ધ્યેયપ્રાપ્તિ માટેની સફર અટકવી ન જોઈએ. આટલું ચાલી નાંખ્યું તો થોડું વધારે. અહીં જે છે એ બધું ખોવાનું જ છે અને એને ત્યાં તો પામવા સિવાય બીજું શું હોય? પગ કહ્યું ન માને તો કાયાને ઘસડીનેય આગળ તો વધતા જ રહેવાનો જે સંદેશ કવિ આપે છે એ સાચે જ જીવનમાં ઉતારવા જેવો છે. ઈશ્વર પણ આકાશેથી હેઠો ઉતરી કો’ક ઝાડના છાંયે તમારી રાહ જોતો બેઠો જ છે. એને પામવા માટે તમે જીવ પર આવી જશો, તો શું એ સામે ચાલીને બે ડગ આગળ આવીને તમને ભેટશે નહીં?

(ઢૂંકડું= નજીક; તરભેટે=ત્રિભેટે; પાય=પગ; ગમ=તરફ; પથતરુ= રસ્તામાંનું ઝાડ)

15 Comments »

  1. Neha Purohit said,

    May 20, 2026 @ 11:41 AM

    કેટલું સહજ અને સરળ!!!
    વાહ વાહ વાહ.

  2. Reena Parikh said,

    May 20, 2026 @ 11:41 AM

    ખૂબ જ સુંદર !💐💐

  3. Kaushal yagnik said,

    May 20, 2026 @ 12:24 PM

    ખૂબ સરસ

  4. Varij Luhar said,

    May 20, 2026 @ 12:29 PM

    વાહ.. ખૂબ સરસ

  5. Nirja parekh said,

    May 20, 2026 @ 1:12 PM

    વાહ .. બિલકુલ સરળ, સુંદર અભિવ્યક્તિ

  6. રાજેન્દ્ર ભટ્ટ said,

    May 20, 2026 @ 4:35 PM

    ગીત તળપદા શબ્દ થી વધુ સરળ અને સંવેદનશીલ બની સીધું દિલને સ્પર્શે

  7. Kishor Ahya said,

    May 20, 2026 @ 6:07 PM

    ઈશ્વર પ્રાપ્તિ અંગે પ્રયત્નો છતાં ધ્યેયમાં સફળતા ન મળે ત્યારે ઉદાસીન થઈ હિંમત હારી જવાય છે ને કોશીશ પણ મૂકી દેવાય છે તેમને હોંસલા આપવા કવિએ કાવ્ય લખ્યું છે. જોકે વિવેકભાઈએ આસ્વાદમાં જણાવ્યું છે તેમ આ કાવ્ય દરેક લક્ષ્યાંક માટે પણ એટલુજ પ્રસ્તુત છે એ કાવ્યની એક ખૂબી છે કેમકે કાવ્યમાં ઈશ્વર પ્રાપ્તિ એગર્ભિત સંદર્ભ છે.

    એક રહસ્યમયી તત્વ જેને ક્યારેય કોઈ જાણી શક્યું નથી કે જાણી શકાય તેમ પણ નથી એ ઈશ્વરીય તત્વને જાણી લેવાની કે પામી લેવાની ઇચ્છા મનુષ્યના મનમાં હમેશા રહી છે અને સદીઓથી અનેક પ્રકારે એ તત્વને જાણવાં માટે પ્રયત્નો થતા જ આવ્યા છે પણ મોટાભાગે ભાગ્યેજ કોઈ એ જાણી શકે છે અને ન જાણી શકવા માટેનું મુખ્ય કોઈ કારણ હોય તો આ રહસ્યમય તત્વ વિશેની મનુષ્યની ઓછી સમજ.

    મનુષ્ય અંશ છે અંશ પૂર્ણ ને જાણી ન શકે, હા ,એમાં ઓગળી પૂર્ણ જરૂર બની શકે. એવું પણ કહેવાય છે કે અંશ પૂર્ણમાંથી નીકળ્યું છે એટલે એ પૂર્ણનો જ એક ભાગ છે પૂર્ણ નો જ એક હિસ્સો છે એટલે એ પૂર્ણ થી કોઈ રીતે અલગ નથી, પૂર્ણ પોતાને જાણી લે એટલે ઇશ્વર આપોઆપ જ ઓળખી જવાશે. ગુજરાતીમાં કહેવાય છે ને કે’ કાઠે આવી અટક્યું.’ આવા લોકો માટે આ કાવ્ય એક પ્રેરણાશ્રોત છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે થોડા વધારે પ્રયત્ન કરવા થી સફળતા કોઈને કોઈ દિવસ આંગણે વધાઈ આપવા આવી જ જશે.

    “એ ગમથી આવ્યા છે વાવડઃ
    એ પણ ઊતરી હેઠો,
    ઝરૂખડેથી પથતરુ છાંયે
    રાહ નિહાળત બેઠો,
    બે ડગ આગળ આવી એ પણ
    કેમ તમે નહીં ભેટે? – બાઈ રે0”

    એવું નથી કે મનુષ્ય જ ઇશ્વરને મળવા આતુર છે કવિ કહે છે ઈશ્વર પણ મનુષ્યને મળવા એટલોજ ઉત્તેજિત છે, બે ડગ આગળ આવી એ પણ
    કેમ તમે નહીં ભેટે?

    ચોક્કસ હા હા અને હા. અસ્તિત્વના ગર્ભમાંથી સમગ્ર ચેતન સૃષ્ટિ જન્મે છે ,એ માતૃગર્ભ છે. બાળક માં ને મળવા આતુર હોય તો માં ના હૃદયમાં ભેટવા માટે કેટલી આતુરતા હશે!

    કવિશ્રી નટવરલાલ પંડ્યા ઉપનામ ઉશનસ્ ની બાઈ રે, જરીક જ વધુ જો વેઠે ભક્તિપદ ખુબજ ગમ્યું.
    શ્રી વિવેકભાઈ એ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  8. Manoj Shukla said,

    May 21, 2026 @ 11:42 AM

    વાહ, સરસ રચના 👌

  9. DILIP DHOLAKIYA SHYAM said,

    May 21, 2026 @ 2:42 PM

    વાહ…ખૂબ જ સુંદર રચના🌹🌹

  10. Vrajesh Mistri said,

    May 21, 2026 @ 3:31 PM

    મોટીવેશનલ…!

  11. વિવેક said,

    May 21, 2026 @ 5:38 PM

    તમામ પ્રતિભાવકોનો અને શ્રી કિશોર આહ્યાનો હૃદયપૂર્વક આભાર

  12. Harihar Shukla said,

    May 22, 2026 @ 5:08 PM

    “બાઈ” ને ઉદ્દેશીને ગવાયેલું સરસ ગીત. કવિ વિનોદ જોશીએ પણ બાઈને ઉદ્દેશીને ગીત લખ્યું છે.💐

  13. Harihar Shukla said,

    May 22, 2026 @ 5:10 PM

    એટલડું, કેટલડું જેવા કાવ્યાત્મક શબ્દો ગીતમાં અદભૂત ફિટ થઈ જાય છે. નરી મોજ.👌

  14. Umesh Upadhyay said,

    June 10, 2026 @ 8:43 AM

    યાદગાર ગીત,🙏🙏🙏

  15. Poonam said,

    June 20, 2026 @ 8:13 PM

    ….
    થોડુંક ચાલી નાખ વધારે,
    આટલું તો એટલડું;
    અહીં તું મૂળગું ખોય, શોચ કે
    ત્યાં પામે કેટલડું? 🙏🏻

    – ઉશનસ્ –

    Aasawd Uttam sir ji 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment