હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મને દુશ્મનીમાં.
– ગની દહીંવાલા

શિખરું ઊંચાં ને – મનસુખલાલ ઝવેરી

શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઈ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારંગ આકરા.

લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં,
શિખરું ઊંચાં ને મારગ આકરા.

ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ,
પંડને ખૂવે તે પ્રીતમ પામતાં,
શિખરું ઊંચા ને મારગ આકરા.

– મનસુખલાલ ઝવેરી

કેટલીક રચનાઓ એમ જ માણવાની હોય… કવિના હૃદયમાંથી ફૂટેલા શબ્દો ભાવકના હૃદયને સીધેસીધા અડતા હોય ત્યારે આસ્વાદક કે વિવેચકે વચ્ચેથી હટી જવું જોઈએ… આ ગીત જુઓ… કેવું મજાનું છે! એને એક વાર વાંચો.. બે વાર વાંચો… ત્રીજીવાર વાંચો… દરેક વાંચને આ રચના હૃદયવીણાને વધુને વધુ ઝંકૃત કરતી અનુભવાશે…

(બંકડા= નરબંકો, બહાદુર; રામૈયો= રામ; તાકતાં= નિહાળતાં)

7 Comments »

  1. વિજય રાજયગુરુ said,

    May 23, 2026 @ 2:44 PM

    સરસ
    રચના જે મેં ભણાવી પણ છે
    રચના પસંદગી અને ટિપ્પણી ખુબ સરસ

  2. Kishor Ahya said,

    May 23, 2026 @ 3:43 PM

    ગુજરાતી ભાષામાં અસંખ્ય ભક્તિપદો જોવા મળે છે એના બે કારણો છે એકતો કવિઓની સંખ્યા સારી હોય તેવું લાગે છે, બીજું ગુજરાતી પ્રજાના પ્રભુ ભક્તિના ગહન સંસ્કારો. આમ કવિઓ માટે ભક્તિપદ રચવું થોડું સહેલું પણ બને છે ને સોનામાં સુગંધ જેવું છે. જેમ સમુંદર ગમે ત્યાંથી ચાખો એ ખારોજ હોવાનો, એવું જ ભક્તિપદનું છે ,ગમે તે પદ જુઓ, ઊંડા ઉતરી ખોવાય જવાની જ વાત હોય!,અહીં પોતાને ખોઈને જ પ્રીતમનો સંગાથ મેળવી
    શકવાની વાત છે. છાતીના પાટિયા બેસી જાય તેવા આકરા મારગે આળપંપાળ છોડી રામ ઉપર ભરોસો રાખી આ માર્ગે ચાલવાનું કવિ કહે છે

    ” લિયે એ મારગ નર કોઈ બંકડા,
    છોડી આળ ને પંપાળ,
    રાખી રામૈયો રખવાળ,
    કાચી રે છાતીનાં બેસે તાકતાં,
    શિખરું ઊંચાં ને મારગ આકરા.”

    કવિ અહીં માર્ગને આકરો મારગ કહે છે કવિ ક્યાં મારગની વાત કરે છે?

    મનુષ્ય જીવનમાં ઘણી વાર ‘ઇશ્વરની ઇચ્છા’ શબ્દ પ્રયોગ કરે છે પણ વાસ્તવમાં એ એક મજબૂરી પણ હોય છે ! કોઇપણ બનાવ બને ત્યારે કશું જ કરી શકાય તેમ ન હોય ત્યારે જ ઘણે ભાગે આમ કહેવાતું હોય છે! પણ જો સમજાય તો દરેક કૃત્ય ઇશ્વરની મરજીથી જ થાય છે,અથવા નથી થતું. મનુષ્ય તો કારણ માટે માત્ર નિમિત ! પોતાનો અહંકાર ને પૂરેપૂરો ઓગાળી નાખી ઉપાધિ વ્યાધિથી મુકત થઈને જે થાય તે ઇશ્વરની મરજી, એમ સાચેજ પણ જીવી શકાય! આમ તો આ સરળ લાગે છે પણ જ્યારે વ્યવહારમાં અમલ કરવાનો સમય આવે ત્યારે પોતાનો કર્તા જાગી જાય છે અને ઉપાધિ વ્યાધિમાં ઘેરાય જાય છે! આથી ભક્તિમાર્ગને ક્ઠીન કહ્યો છે. આ અંગે ઘણું કહી શકાય પણ પોતાનું જીવવું કે મરવું ,ઈશ્વર ઉપર છોડી દઈ કર્તાભાવ ત્યજી દઈ સમર્પણ ભાવમાં જીવને વહેતો મૂકી દેવો એ છે ભક્તિમાર્ગ.

    સરળ અને માધુર્યથી ભરેલા શબ્દોમાં લખાયેલું આ ભક્તિગીત ખૂબ ગમ્યું. શ્રી વિવેકભાઈ એ ગીતની સરસ પસંદગી કરી છે.

    🌹🌹🌹🌹

  3. મિલિન્દા said,

    May 23, 2026 @ 8:26 PM

    Now that’s a wonderful poem picked.
    કવિતા દર વખતે કશુંક કહે જ એવું ન બને. ક્યારેક તે માત્ર વહે. પોતાનો લય, પોતાની લાગણી, પોતીકા સ્પંદન સાથે. આ કાવ્ય ‘શીખરો’ થી શરૂ થતું હોત તો મરી જાત. કવિતાને એની ભાષા અને શબ્દોની છણાવટ સાથે બહુ ગૂઢ અને ગેબી સંબંધ હોય છે.
    There are moments when a poet is at peace with himself, in the midst of a chaos. That’s where he finds such gems. Then he doesn’t write it, he feels it and it flows through him.

  4. વિવેક said,

    May 24, 2026 @ 1:48 PM

    પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

    @મિલિન્દ ગઢવી: સાચી અને સમજવા જેવી વાત… હૃયદયમાંથી આવી હોય એ કવિતા સીધેસીધી હૃદય સુધી પહોંચે જ..

    આભાર

  5. Vrajesh Mistri said,

    May 25, 2026 @ 11:40 AM

    વાહ.. જેને આતમનૉ સંગાથ….

  6. Vrajlal Savaliya said,

    May 25, 2026 @ 7:33 PM

    વાહ ખુબ સરસ

  7. dhruv kumar said,

    July 6, 2026 @ 11:11 AM

    માર્ગ આકરો છે, પણ કેવો આકરો?” એ કવિ સમજાવતા જ નથી.
    ​જ્યારે કવિ માત્ર ‘આકરો માર્ગ’, ‘ભીતરમાં ડૂબવું’, કે ‘પંડને ખોવું’ જેવા ભારેખમ પ્રતીકો વાપરીને અટકી જાય છે, ત્યારે તે વાચકને કોઈ નક્કર, સજીવ કે સ્વાનુભૂત ચિત્ર નથી આપતા. આને સાહિત્યની ભાષામાં ‘અનુભૂતિનું પ્રત્યક્ષીકરણ’ કરવાને બદલે માત્ર ‘નિવેદન’ કે ‘સૂચના’ (Statement or Instruction) આપવી કહેવાય.
    ​૧. રહસ્યવાદનો આશરો (Escapism of Mysticism)
    ​મોટાભાગના રહસ્યવાદી કે આધ્યાત્મિક કવિઓ જ્યારે અનુભૂતિની અભિવ્યક્તિ ન કરી શકે, ત્યારે તેઓ ‘અનિશ્ચિતતા’ અને ‘અગમ્યતા’નો આશરો લે છે. “જે છે તે ભીતર છે, એ કહી શકાય તેમ નથી”– આ વાક્ય પાછળ ઘણીવાર કવિની પોતાની કલ્પનાશક્તિ કે ભાષાની મર્યાદા છુપાયેલી હોય છે. જો કવિ પોતે જ એ માર્ગની આકરાશને પોતાની સંવેદનામાં જીવ્યો ન હોય, તો એ પાઠકને પણ ત્યાં સુધી નથી લઈ જઈ શકતો. માત્ર રૂઢ થઈ ગયેલી પરિભાષા ગોઠવી દેવાથી કવિતા ‘ઉપદેશ’ બની જાય છે, ‘કળા’ નહીં.
    ​૨. ‘બતાવો, કહો નહીં’ (Show, Don’t Tell) નો અભાવ
    ​ઉત્તમ કવિતાનો નિયમ છે કે તે વાચકને પરિસ્થિતિ બતાવે, માત્ર કહે નહીં. જો માર્ગ આકરો છે, તો તે આકરાશ સંસારના દ્વંદ્વમાં, મનની મથામણમાં, કે કોઈ નક્કર લૌકિક ઉદાહરણ દ્વારા કવિતામાં ઊતરવી જોઈતી હતી. અહીં કવિ મનસુખલાલ ઝવેરી એક વિવેચક તરીકે જેટલા સજ્જ છે, તેટલા કવિ તરીકે આ ગીતમાં કદાચ વાચકને એ રૂપાંતરણનો (Transformation) સાક્ષાત્કાર કરાવી શકતા નથી. તેઓ માત્ર નિયમો કે શરતોની યાદી આપે છે કે—આમ કરશો તો પ્રીતમ પામશો.
    ​૩. મૌલિકતા વિરુદ્ધ પરંપરાગત ચાલ
    ​નરસિંહ મહેતા, મીરાં કે કબીર જેવા સંતો જ્યારે ‘માર્ગ આકરા’ કે ‘સૂળીએ બેસવાની’ વાત કરે છે, ત્યારે તેમની પાછળ તેમનો આખો સામાજિક વિદ્રોહ અને ભોગવેલી યાતનાઓ દેખાય છે. એમના શબ્દોમાં એ ભઠ્ઠીની ગરમી અનુભવાય છે. જ્યારે આધુનિક કે ઉત્તર-આધુનિક યુગના કવિઓ એ જ શબ્દાવલીને કોઈ નક્કર સંદર્ભ વિના ફરી વાપરે છે, ત્યારે એ માત્ર એક ‘બૌદ્ધિક કસરત’ કે ‘ચલાવી લીધેલી પરંપરા’ (Stereotype) બનીને રહી જાય છે.
    પાઠકને અનુભૂતિના સ્તર પર લઈ જવા માટે કવિએ અનિશ્ચિતતાના ધુમ્મસમાંથી બહાર આવીને કોઈ ‘નક્કર સચ્ચાઈ’ (Concrete Reality) આપવી પડે. આ ગીત એ સ્તરે પહોંચવાને બદલે માત્ર એક સુભાષિત કે બોધપાઠ બનીને અટકી જાય છે.
    નરસિંહ મહેતા કહે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ..કે પીડ પરાઈ જાણે ,પરદુઃખે ઉપકાર કરે ,મન અભિમાન ન આણે ..જ્યારે મનસુખ ભાઈ ફક્ત આકરા માર્ગનો હવાલો આપે અને આકરો માર્ગ કેવો એની કોઈ સ્પષ્ટતા કરતા નથી..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment