મનસુખલાલ ઝવેરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 10, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
માનવીનાં રે જીવન!
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
. એક સનાતન શ્રાવણ.
એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
. ચીતરાયું ચિતરામણ.
એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
. ઓશિયાળી અથડામણ.
આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે તોય
. કારમાં કેવાં કામણ?
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
. એક સનાતન શ્રાવણ.
. માનવીનાં રે જીવન!
– મનસુખલાલ ઝવેરી
મનુષ્યજીવનની તડકી-છાંયડી નિર્દેશતું ગીત. વાતમાં નાવીન્ય નથી, પણ રજૂઆતની સાદગી સ્પર્શી જાય એવી છે. નવ મહિનાનો અંધકાર સેવ્યા પછી જન્મ થય અને અંતે ફરી મૃત્યુના અંધારા ગર્ભમાં સૌએ સરી જવાનું રહે છે. વચ્ચેના સમયગાળાને આપણે જિંદગી કહીએ છીએ, પણ એય આંખે પાટા બાંધીને ઓશિયાળા થઈને અથડાતાં-કૂટાતાં જ જીવીએ છીએ ને! અંધારું કદી ઓછું થતું જ નથી. કવિએ મુખડા સાથે ત્રણેય પૂરક પંક્તિઓના પ્રાસ મેલવ્યા છે, પ્રથમ અંતરામાં પણ પ્રાસની જાળવણી કરી છે, પણ બીજા-ત્રીજા અંતરામાં પ્રાસને અવગણ્યા છે એ વાત જરા ખટકે છે. એ સિવાય આસ્વાદ્ય રચના.
Permalink
August 27, 2020 at 1:30 AM by વિવેક · Filed under મનસુખલાલ ઝવેરી, સોનેટ
નહીં તિમિર કે નહીં ઝગમગાટ મધ્યાહ્નનો,
પરંતુ રસરાગનો મૃદુલ, મુગ્ધ, મીઠો ધરી
ધરી જ સુકુમાર આ પરમ શુદ્ધિનાં ચિહ્ન શો;
ઊઠી મધુર આળસે કુસુમસ્હોડમાંથી સરી,
હસી કંઈ અધૂકડું, ઢળી ઢળી જતી આંખથી,
સુષુપ્ત ઉર રેલતી સ્મિતસુધા સુહાગે ભરી;
અને કમળકોમળા કરથી, નીંદની પાંખથી
જગાડી ઉરના રણત્ઝણણતા બધા તારને
અડાડી નિજ અંગુલિ, અતળ મૌનની માંહ્યથી,
સનાતન વહાવતી સ્વરતણી સુધાધારને,
ઘડીક વિલસી, વિલીન પળ માત્રામાં થૈ જતી,
ઉષા ક્ષણિક જીવને કરતી શા ચમત્કારને !
ઉષા મુજ ઉરે કદા, સ્મિત સુહાગથી શોભતી,
ઊગી, વહવશે નદી ક્ષણિકતા થકી શાશ્વતી ?
– મનસુખલાલ ઝવેરી
આજે આ રચના અહીં મૂકી રહ્યો છું એ કાવ્યત્ત્વના નહીં, પણ એના સ્વરૂપે જન્માવેલા ખેંચાણના પરિણામે તથા કોઈ એક વજનદાર માણસ જે-તે સમયના સમગ્ર સાહિત્યસર્જન પર કેવો (દુષ્)પ્રભાવ પાડી શકે છે, એની વાત કરવા સબબ.
ગાંધીયુગની શરૂઆત થઈ એ પૂર્વે આપણે ત્યાં ૧૮૮૫થી ૧૯૨૦ સુધીનો ગાળો પંડિતયુગ કે સાક્ષરયુગ તરીકે ઓળખાયો હતો. બ.ક. ઠાકોર આ યુગનું એક બહુ મોટું નામ. નવા છંદ રચવાનું ગજુ ભાગ્યે જ કોઈ સર્જક ધરાવતો હોય છે, પણ બળવંતરાય ઠાકોરે અગેય ગણી શકાય એવો પૃથ્વી છંદ સર્જ્યો અને સમગ્ર ગુજરાતી સાહિત્યએ એને હોંશે હોંશે સ્વીકાર્યો પણ ખરો. બ.ક.ઠાકોરે એકલા હાથે કવિતાની વિભાવના બદલી નાંખી. કવિતામાં લાગણીની સામે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું અને હૃદયની ઉપર બુદ્ધિની સર્વોપરિતા સ્થાપિત કરી. એ કહેતા કે, ‘કાવ્ય તો અર્થપ્રધાન, શબ્દોનો ઉચ્ચાર તો ગૌણ!’
જરા ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ચૌદ પંક્તિના આ કાવ્યમાં માત્ર બે જ વાક્યો છે અને પહેલું વાક્ય તો બાર પંક્તિ જેટલું લાબું અને અટપટું. બાર-બાર પંક્તિ લાંબુ એક જ વાક્ય હોવા છતાં કવિએ છંદ સાચવવાની સાથોસાથ મહદાંશે ચુસ્ત પ્રાસયોજના સફળતાપૂર્વક નિભાવી છે, જે એમની કાર્યકુશળતાનો મજબૂત પુરાવો છે. વળી, રચના પણ ઠાકોરે શોધેલા પૃથ્વી છંદમાં જ થઈ છે. આ વ્યાયામ કરવામાં કવિતાનો ભોગ લેવાયો કે કેમ એ આપણી ચર્ચાનો વિષય નથી. કવિએ પ્રસ્તુત રચના સાથેની ટિપ્પણીમાં લખ્યું છે કે, ‘આ પ્રયોગ આપણા પ્રયોગશીલ સાક્ષરવર્ય બ. ક. ઠાકોરની સૂચનાને આભારી છે.’
Permalink
January 20, 2011 at 7:50 PM by ઊર્મિ · Filed under મનસુખલાલ ઝવેરી, શેર
જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.
-મનસુખલાલ ઝવેરી
વર્ષો પહેલાં મારી કવિતાની એક નોટબુકમાં લખી રાખેલો મને ખૂબ જ ગમતો એક શેર… વાર્તાનાં શિર્ષક તરીકે પણ ઘણી જગ્યાએ વાંચ્યો છે, પરંતુ ક્યારેય આખી રચના વાંચવામાં આવી નથી. કદાચ તો આ આખી ગઝલનો જ એક શેર હશે. જો કોઈને મળે તો અહીં મોકલવા વિનંતી…
Permalink
September 26, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!
તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!
હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
– મનસુખલાલ ઝવેરી
અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..
Permalink
August 6, 2009 at 1:30 AM by વિવેક · Filed under મનસુખલાલ ઝવેરી, સોનેટ
થતું કુસુમને ” “ધરું કવણને હું આ પાંખડી?”
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસ મહીં રસો વસુમતી તણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નો તણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : “બહવું ક્યાં કલા આત્મની ?”
“ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના ?
સુણું હું અથવા કથા ઉર તણી નવોઢા તણાં,
રહી, ધડકતાં નવા અનુભવેથી હૈયાં પરે ?
રમું સરળ હાથમાં શિશુ તણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડી મહીં
બની રહું હું ફૂલડું, ઈતર પુષ્પની સાથમાં ?”
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !
– મનસુખલાલ ઝવેરી
ધરતીના રસે રસાઈને બીજ કળી બને અને કાળક્રમે પુષ્પ તરીકે ઊઘડે ત્યારની મુગ્ધાવસ્થાના ભાવ અહીં જે રીતે આલેખાયા છે, એ યૌવનના ઉંબરે પગ મૂકતી કોઈ નવયૌવનાના ચિત્તસંવિતનુંય યથાર્થ પ્રતિબિંબ બની રહે છે. સૉનેટના પહેલા ષટ્કમાં તરુણાવસ્થામાં પ્રવેશતા કુસુમના અંતરમાં ઊમડતી ઊર્મિઓની હેલીનું દર્શન છે તો બીજા ષટ્કમાં પોતાના વિકાસને – પોતાના અસ્તિત્વને સાર્થક કરવાની અદમ્ય ઝંખના ડોકિયું કરે છે. ઘડીમાં એને શિવની જટામાં સ્થાન મેળવીને ગંગાના પવિત્ર જળના છંટકાવથી કૃતાર્થ થવાના મનોરથ જાગે છે તો વળી નવોઢાના ગળાની માળા બની એના સાસરિયાના નૂતન અનુભવોથી ધડકતા હૈયાનો તાગ મેળવવાના કોડ જાગે છે. વળી નાના બાળકના નિષ્પાપ હાથોમાં રમવાનુંય મન થાય છે અને કો’ક માતાના પાલવમાંના ફૂલડાંની ભાત મહીં એક ફૂલડું બનવુંય એ ચાહે છે.
કોઈ પણ કારણોસર પોતાનું હોવાપણું સાર્થક કરવા માંગતા આ પુષ્પની વાતો પરથી માખનલાલ ચતુર્વેદીની पुष्प की अभिलाषा જરૂર યાદ આવી જાય. પણ અહીં મજા તો ત્યાં છે જ્યારે તીવ્ર મનોમંથનમાં ડૂબી ગયેલા પુષ્પને કોઈ ભ્રમર રજા લીધા વિના જ સ્પર્શે છે અને કુસુમના ચિત્તના તાર-તાર મુગ્ધતાના અને ધન્યતાના રણકારે ગુંજી રહે છે… આ જ છે જીવનનું ખરું સાર્થક્ય…
પહેલા બે ષટ્કમાં કવિએ પૃથ્વી છંદ વાપર્યો છે અને આખરી બે કડીમાં સાયાસ મંદાક્રાંતા છંદ વાપરીને અજબ ચમત્કૃતિ સાધી છે. પહેલા ષટ્કમાં કુસુમનો વિકાસ અને બીજામાં એની ઉદાત્ત ભાવનાઓનું ચિત્રણ કર્યા પછી ત્રીજા ખંડમાં ભમરાના સ્પર્શથી એના ભાવતંત્રમાં જે પલટો આવે છે એ છંદપલટા વડે કવિએ બખૂબી ઉપસાવ્યો છે !
Permalink
April 19, 2009 at 12:22 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મનસુખલાલ ઝવેરી, સોરઠા
(સોરઠા)
ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
સૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.
ખીલી ફૂલબિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલપલ પલટે છાંયડી.
ઘમકે ઘૂઘરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અન્તર ભરી ભરી ગાજતી.
નહિ જોવાં દિનરાત : નહિ આઘું, ઓરું કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.
નેન રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
– મનસુખલાલ ઝવેરી
પ્રણય, વિરહ અને વિરહની તીવ્રતાનો અદભુત રંગ અહીં ઊઘડે છે. કવિ જાણે ચિત્રકાર હોય એમ કલમથી અમૂર્ત સૌંદર્યને જાણે કે મૂર્ત કરે છે. આષાઢી મેઘ ગાજે એના પડઘા ડુંગરાઓ ઝીલે છે. મોર ત્રિભંગી કરી મલ્હાર રાગ જાણે કે આલાપે છે અને અંતરમાં પ્રિયજનના લાખો સપનાંઓ આકાર લે છે. ફૂલો એમ ખીલ્યા છે જાણે ચાદર ન બિછાવી હોય અને ઘાસ પણ કંઈ આ સ્પર્ધામાં પાછળ રહે એમ નથી. અષાઢી વાદળો ઘડીમાં કાળા, ઘડીમાં ધોળા, પળમાં સૂરજને ઢાંકે તો પળમાં ખોલે એમ તડકી-છાંયડી વેરે છે. સમુદ્રમાં જેમ મોજાંઓ રણઝણે એમ દિલમાં પ્રિયજનની અફાટ-અસીમ યાદ માઝા મૂકે છે. આવામાં દિવસ શું ને વળી રાત શું? આઘું શું ને વળી નજીક શું? અંદર શું ને વળી બહાર શું? અત્ર-તત્ર-સર્વત્ર તું જ- તુંનો પોકાર છે… છેલ્લી બે પંક્તિઓમાં તો વળી સૉનેટમાં જોવા મળે એવી ચોટ છે… વિયોગમાં અંતરની અને બહારની સૃષ્ટિ જો આ રંગ-રૂપ લેતી હોય તો પ્રિયજન જો આવી ચડે તો તો પછી વાત જ શું પૂછવી?
Permalink
August 20, 2007 at 1:52 AM by વિવેક · Filed under મનસુખલાલ ઝવેરી, મુક્તક
દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.
-મનસુખલાલ ઝવેરી
Permalink