ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
ઉદયન ઠક્કર

માનવીનાં રે જીવન – મનસુખલાલ ઝવેરી

માનવીનાં રે જીવન!
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
.                            એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
.                            ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
.                            ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે તોય
.                            કારમાં કેવાં કામણ?

ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
.                            એક સનાતન શ્રાવણ.
.                            માનવીનાં રે જીવન!

– મનસુખલાલ ઝવેરી

મનુષ્યજીવનની તડકી-છાંયડી નિર્દેશતું ગીત. વાતમાં નાવીન્ય નથી, પણ રજૂઆતની સાદગી સ્પર્શી જાય એવી છે. નવ મહિનાનો અંધકાર સેવ્યા પછી જન્મ થય અને અંતે ફરી મૃત્યુના અંધારા ગર્ભમાં સૌએ સરી જવાનું રહે છે. વચ્ચેના સમયગાળાને આપણે જિંદગી કહીએ છીએ, પણ એય આંખે પાટા બાંધીને ઓશિયાળા થઈને અથડાતાં-કૂટાતાં જ જીવીએ છીએ ને! અંધારું કદી ઓછું થતું જ નથી. કવિએ મુખડા સાથે ત્રણેય પૂરક પંક્તિઓના પ્રાસ મેલવ્યા છે, પ્રથમ અંતરામાં પણ પ્રાસની જાળવણી કરી છે, પણ બીજા-ત્રીજા અંતરામાં પ્રાસને અવગણ્યા છે એ વાત જરા ખટકે છે. એ સિવાય આસ્વાદ્ય રચના.

3 Comments »

  1. Pragnaju said,

    November 10, 2023 @ 6:29 AM

    કવિશ્રી મનસુખલાલ ઝવેરીનુ માનવીને દ્વંદ્વોને જીવવાં અને જીરવવાં પડે તેનુ સુંદર ગીત્નો ડો વિવેક દ્વારા સ રસ આસ્વાદ તેજ ને તિમિરની ધૂપછાંવ જેવા માનવી હૃદયમાં કુરુક્ષેત્રનો નકશો તો કાયમનો દોરાઈ ચૂક્યો છે. રુદ્રરમ્ય એવી મનુષ્યની જીવન લીલાનો પાર પામ્યો પમાતો નથી. જીવનમાં કેટલીયે વસ્તુઓ જાણ્યા-માણ્યા વિનાની, ઝાંઝવાંની જેમ દૂર દૂર રહીને આંખને આંજ્યા ને માંજ્યા કરે છે. આંસુના નેપથ્યમાં હોય છે વિફળતાના અરવ ઓથાર, ઘોર નિરાશા, વણસેલા મનોરથો, પ્રેમનો નહીં મળેલો પ્રતિભાવ અને કેટકેટલુંયે! આંખમાંથી ઝરમર ઝરતા જલની નીચે જતી ગતિ અને સ્મિતના ઊંચે ઊડતા ફુવારાની ગતિની વચ્ચે માનવીની સ્થિતિ કેટલી વિચિત્ર છે! હોઠ હસે છે પણ પાંપણની કિનારી ભીની જ રહી હોય છે. આપણી જ બંને આંખો વચ્ચે જાણે કે આપણને ભીંસી નાખવાની સ્પર્ધા મચી છે,યાદ આવે કવિશ્રી હરીન્દ્ર દવેની
    એક હસે, એક રડે,
    આંખ બે આપસમાં ચડભડે.
    `It is absurd to live in this world, but it’s even more absurd to populate it with new victims and most absurd of all to believe that they will have it better than us.’અને એટલા માટે જ કાવ્યની પ્રથમ પંક્તિમાં મનુષ્યના જીવનની જેમ જ ભીંસાયેલો ‘રે’, પ્રથમ પંક્તિમાંથી બહાર નીકળી આપણા પૂર્વજો અને વંશજોની હથેળીમાં સનાતન રેખાની જેમ અંકાયેલો છે.

  2. Lata Hirani said,

    November 21, 2023 @ 6:08 PM

    કવિની યાદગાર રચના
    અષાડ ટાઈપિંગ ભૂલ લાગે છે ! અષાઢ જોઈએ ને !

  3. વિવેક said,

    November 21, 2023 @ 8:08 PM

    @લતા હિરાણીઃ

    બરાબર જ છે. કવિએ એમ જ લખ્યું જણાય છે.
    સતર્ક નજર બદલ ખૂબ ખ આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment