થતું કુસુમને – મનસુખલાલ ઝવેરી
થતું કુસુમને ” “ધરું કવણને હું આ પાંખડી?”
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસ મહીં રસો વસુમતી તણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નો તણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : “બહવું ક્યાં કલા આત્મની ?”
“ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના ?
સુણું હું અથવા કથા ઉર તણી નવોઢા તણાં,
રહી, ધડકતાં નવા અનુભવેથી હૈયાં પરે ?
રમું સરળ હાથમાં શિશુ તણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડી મહીં
બની રહું હું ફૂલડું, ઈતર પુષ્પની સાથમાં ?”
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !
– મનસુખલાલ ઝવેરી
ધરતીના રસે રસાઈને બીજ કળી બને અને કાળક્રમે પુષ્પ તરીકે ઊઘડે ત્યારની મુગ્ધાવસ્થાના ભાવ અહીં જે રીતે આલેખાયા છે, એ યૌવનના ઉંબરે પગ મૂકતી કોઈ નવયૌવનાના ચિત્તસંવિતનુંય યથાર્થ પ્રતિબિંબ બની રહે છે. સૉનેટના પહેલા ષટ્કમાં તરુણાવસ્થામાં પ્રવેશતા કુસુમના અંતરમાં ઊમડતી ઊર્મિઓની હેલીનું દર્શન છે તો બીજા ષટ્કમાં પોતાના વિકાસને – પોતાના અસ્તિત્વને સાર્થક કરવાની અદમ્ય ઝંખના ડોકિયું કરે છે. ઘડીમાં એને શિવની જટામાં સ્થાન મેળવીને ગંગાના પવિત્ર જળના છંટકાવથી કૃતાર્થ થવાના મનોરથ જાગે છે તો વળી નવોઢાના ગળાની માળા બની એના સાસરિયાના નૂતન અનુભવોથી ધડકતા હૈયાનો તાગ મેળવવાના કોડ જાગે છે. વળી નાના બાળકના નિષ્પાપ હાથોમાં રમવાનુંય મન થાય છે અને કો’ક માતાના પાલવમાંના ફૂલડાંની ભાત મહીં એક ફૂલડું બનવુંય એ ચાહે છે.
કોઈ પણ કારણોસર પોતાનું હોવાપણું સાર્થક કરવા માંગતા આ પુષ્પની વાતો પરથી માખનલાલ ચતુર્વેદીની पुष्प की अभिलाषा જરૂર યાદ આવી જાય. પણ અહીં મજા તો ત્યાં છે જ્યારે તીવ્ર મનોમંથનમાં ડૂબી ગયેલા પુષ્પને કોઈ ભ્રમર રજા લીધા વિના જ સ્પર્શે છે અને કુસુમના ચિત્તના તાર-તાર મુગ્ધતાના અને ધન્યતાના રણકારે ગુંજી રહે છે… આ જ છે જીવનનું ખરું સાર્થક્ય…
પહેલા બે ષટ્કમાં કવિએ પૃથ્વી છંદ વાપર્યો છે અને આખરી બે કડીમાં સાયાસ મંદાક્રાંતા છંદ વાપરીને અજબ ચમત્કૃતિ સાધી છે. પહેલા ષટ્કમાં કુસુમનો વિકાસ અને બીજામાં એની ઉદાત્ત ભાવનાઓનું ચિત્રણ કર્યા પછી ત્રીજા ખંડમાં ભમરાના સ્પર્શથી એના ભાવતંત્રમાં જે પલટો આવે છે એ છંદપલટા વડે કવિએ બખૂબી ઉપસાવ્યો છે !
mrunalini said,
August 6, 2009 @ 5:48 AM
‘ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !’
સંતો આ રીતે વિચારે,”ચિત્તનું સ્વરૂપ બહુ સૂક્ષ્મતાએ સમજવા જેવું છે. મનની ખબર પડી જાય પણ ચિત્તની ઓળખાણ પડવી મુશ્કેલ છે. એ તો જે પોતે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાંથી પર થઈ ગયા છે, નિરંતર આત્મામાં જ મુકામ છે તેવા જ્ઞાની પુરૂષ જ આ તો જેમ છે તેમ ફોડ પાડી શકે. ચિત્તને સાદી ભાષામાં સમજવું હોય તો જ્ઞાન અને દર્શન – બે ભેગાં કરે, એનું નામ ચિત્ત. પછી અશુધ્ધ જ્ઞાન-દર્શન હોય તો અશુધ્ધ ચિત્ત કહેવાય છે. જે ભટક ભટક કરે છે. જ્યારે જ્ઞાન-દર્શનની શુધ્ધિ થઈ જાય તો એ શુધ્ધ ચિત્ત અને એ જ શુધ્ધાત્મા, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન.
પોતાના સ્વરૂપની અજ્ઞાનતાને લઈને ચિત્ત સંસારમાં ભટકે છે અને તેથી એને ક્યાંક સ્થિર કરે તો શાંતિ લાગે. તે પછી ધર્મમાં ક્રિયાકાંડ, મંત્ર-જાપ, કુંડલિની કે ચક્રો ઉપર એકાગ્ર થવાથી શાંતિ રહે, પણ તેય ટેમ્પરરી, છતાં તે ઉર્ધ્વગતિમાં લઈ જાય. જ્યારે ટીવીમાં, વિષયમાં, લક્ષ્મીમાં, બીજામાં ચિત્ત એકાગ્ર રહ્યા કરે, તેમાંથી શાંતિ લાગે પણ તે અધોગતિમાં લઈ જાય. પણ ચિત્તની અશુધ્ધિ છે ત્યાં સુધી આત્મા સિવાય બહાર ભટક્યા જ કરે છે. સંતો-મહંતો પાસે ચિત્તની મલિનતા ઓછી થાય તો સંસારમાં સુખ-શાંતિ રહે. પણ છતાં સનાતન સુખ, શાશ્વત આનંદ તો ખૂટતો જ લાગે છે. એ તો જ્યારે આત્મજ્ઞાની પુરૂષ ભેગા થાય ત્યારે ચિત્તની અશુધ્ધિ ખલાસ કરી ચિત્તને આત્મસુખ ચખાડી દે છે. પછી આત્માનું લક્ષ બેસી જાય છે. પછી ચિત્ત બહાર ભટકતું અટકે છે. પછી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહ્યા કરે તેમ તેમ ચિત્ત સર્વાંશ શુધ્ધિને પામતું જાય છે અને સર્વાંશ ચિત્તશુધ્ધિ થઈ તો શુધ્ધચિદ્રૂપ થયો, તે જ પરમાત્મ દશા.
ચિત્તને સૌથી વધારે બગાડી નાખતું હોય તો વિષય-વિકાર. ચિત્ત બગડવાથી જ ઐશ્વર્ય તૂટતું જાય છે. જેમ જેમ ઐશ્વર્ય તૂટે તેમ તેમ મનુષ્યમાંથી જાનવર ગતિમાં જાય. એથી વધારે બગડે તો નર્કમાં જાય. ચિત્ત બગડતું અટકે તો મનુષ્યમાં આવે, એથી મલિનતા ઘટતી જાય તો દેવગતિમાં જાય ને ચિત્ત સંપૂર્ણ શુધ્ધ થઈ ગયું તો ભગવાન દશામાં આવે. આ બધી ગતિમાં ભટકવાનું ને મુક્તિ પામવાનું રહસ્ય છે.’
sneha said,
August 6, 2009 @ 8:12 AM
ખુબ જ સરસ્..વિવેક્ભાઈ રચના માણવાની ખુબ જ મજા આવી..ધન્યવાદ .આવી જ રીતે રચનાઓનો રસાસ્વાદ કરાવતા રહેશો.
bhav patel said,
August 6, 2009 @ 8:06 PM
mrunalini said ના સ્ંદર્ભમાં કહેવાનું કે કાવ્ય રસિકજનો માટે છે ભોક્તા માટે છે.ભમરો માનવ
સ્ંબન્ધોનો ગુંજારવ છે, ધાર્મિક્તાનો નહિ.કવિતા ઇમેજના દરેક અર્થમાં કશુંક સહિયારું છે-જેવીરીતે
૮૪ આસનો.
ધવલ said,
August 6, 2009 @ 8:12 PM
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !
સચોટ ! સરસ !
pragnaju said,
August 6, 2009 @ 10:05 PM
મં દ મં દ આક્રંદ કરતી આ પંક્તી-
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !
અનુભૂતિથી જ સમજાય!
કુસુમને કોણ ઉગાડે છે, ચૂંટે છે પણ કોણ, ને કોણ એમને માળામાં પરોવે છે ? કે કવિતાની કમનીય, કળાત્મક કુસુમની રચના કેવી રીતે થઈ જાય છે ? જેણે વંસતનો વૈભવ પેદા કર્યો, કોકિલને કળામય કંઠ ધર્યો, કલાપીના કાળજામાં મેઘને માટે ભાવ ભર્યો,તથા તારા ને ચંદ્રના તેજથી આકાશનો અંધકાર અલ્પ કર્યો. કમળનાં દલને જેણે કોમળ કર્યાં, પતંગિયાની પાંખ પર રંગબેરંગી રંગો ભર્યાં, સરિતાના સલિલને સાગરમાં સમાવા સારું સરતાં કર્યાં, ને જીવનને જોમ ને જાદુ ધર્યા છે, એની જ એ કલ્પના, કળા, કે કુસુમ છે.
આવી સર્વાંગ સુંદર રમના મનસુખભાઈની નથી…કોઈક ગૂઢ તત્વએ તેમની પાસે લખાવી છે…
Pancham Shukla said,
August 12, 2009 @ 7:41 AM
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !
સુંદર સૉનેટ.