નકશા નવા હિન્દુસ્તાનના – પ્રતિષ્ઠા પંડ્યા
તું મારા મોંમાં ડૂચો દઈ
રહેંસી નાખે મારા વિદ્રોહને
કે ગોઠવે એકેએક ગલીને નાકે ચોકીદારને
જે રોકીરોકીને તપાસ્યા કરે
મારી જાતપાત – મારા દેશ ને પહેરવેશને
કે મને જેલમાં નાખીને
રોકે ખુલ્લેઆમ બાંગ પોકારતા મારા વિચારને
કે દાબીને ગળું મારું
લલકારે તું મને
ગાવા રાષ્ટ્રભક્તિનાં ગીતો હવે
તો હું સહીશ ધરાર ના
હું થઈશ દેશદ્રોહી હવે
નહીં ભરું હામીમાં હામી
નહીં મરું હું તારા માટે
બિહામણા સિંહાસન તળે
નહીં ઉગામું હાથ
ન તો હથિયાર
તારા પૌરુષત્વની સેવારૂપે
નહીં ઉપાડું પગ
નહીં ચાલુ તારા ચીંધેલા રસ્તે ચૂપચાપ
નહીં કરું કલંકિત કલ્પનાને
ઝબોળીને તારા આદર્શો મહીં
ના વેચીશ મારી સર્જકતા
નફરતના બજાર મહીં
હા, લખીશ હું કવિતા
આગા શાહિદ અલી થઈ
અખરોટિયાં તારા હૈયે કરીશ
નમણી, ખોકરદર કોતરણી
મારા શબ્દોના ટાંકણાની ધાર પર
ખીલશે જંગલો કૈં ભોજપત્ર, ચિનારનાં
શબ્દોની વચમાં રહ્યા એ સન્નાટામાં
ઊગશે જાંબુડિયાં મઘમઘ ખેતર લહેરાતાં કેસરનાં
શબ્દોના એ અવાજમાં વસશે ફરી
ઊજડેલાં રેશમી ગામો, રેશમી રસ્તા,
શાંતિપ્રિય જણ મારા પરિવારના.
ને શબ્દોના લયમાંથી જ વહી આવશે
નીર નિર્મલ જેલમ, ચેનાબનાં
અહીં જ તો બનશે હવે
નકશા નવા હિન્દુસ્તાનના
– પ્રતિષ્ઠા પંડ્યા
આમ તો આ રચના કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી એની પ્રતિક્રિયારૂપે લખાઈ હોવાની સંભાવના વધારે છે, પણ એને કોઈપણ આતતાયી શાસન અને શાસક સામેના બંડનું કાવ્ય પણ ગણી શકાય. લોકશાહી લોકશાહી ઓછી અને રોકશાહી ને ઠોકશાહી વધારે બની જાય ત્યારે સભાન સજાગ નાગરિકોના માહ્યલામાંથી વિદ્રોહનો આવો ફુત્કાર જન્મે. કથક દેશદ્રોહી થવાની વાત કરે પણ આપણને દેશપ્રેમ જ દેખાય એ કવિકર્મનું સાફલ્ય. કાશ્મીરી કવિ શાહિદ અલી આગાએ જે રીતે કાશ્મીરને કવિતાનું કેન્દ્ર બનાવી કાશ્મીરની પીડાને વાચા આપી જનચેતનાને ઢંઢોળવાનું કામ કર્યું હતું, એ જ રસ્તે ચાલવાની આહલેક કથક પોકારે છે. કવિતાની ભાષામાં પણ અહીં એકસો એંસી ડિગ્રીનો ટર્ન આવે છે. અત્યાર સુધી જે કવિતા ગદ્યાળુ અને અખબારી ભાષામાં લખાયેલ લાગતી હતી, એ કવિ અને કવિતાના નામોલ્લેખમાત્રથી કોઈ અલગ જ સર્જકે ન લખી હોય એવી બાનીમાં કરોડ ટટ્ટાર કરીને આપણી સમક્ષ આવી ઊભી રહી જાય છે. સર્જકનો આક્રોશ પણ અચાનક અલગ જ સ્વરૂપ ધારે છે. સરમુખત્યાર શાસક સામેનો પોતાનો વિરોધ હાથ કે હથિયારની મદદથી નહીં, પણ મૂક પણ અણનમ કલમ વડે જ કરવાનો નિર્ધાર તો શરૂમાં જ વ્યક્ત થઈ ચૂક્યો છે. પણ કવિ જાણે છે કે કોમવાદના ઝેરનું મારણ ઝેર નથી, તમાચાનો જવાબ તમાચો નથી. એટલે એમનો શબ્દ આગ ઓકવા માંગતો નથી. એમનો શબ્દ તો મઘમઘ થતાં ખેતર અને રેશમી ગામ અવતારવા ચહે છે. જે કાશ્મીરી પંડિતોના ઘર-ગામ ઉજડી છોક્યાં છે, એમનાં પુનર્વસન અને પુનર્નિર્માણનાં સપનાં સર્જક ભાવકોની આંખમાં આંજે છે. અખંડ કાશ્મીર પુનઃ ભારતવર્ષનો હિસ્સો બને એ નવા હિન્દુસ્તાનના નક્શા જો કે ખુલ્લી આંખના સપના બનીને રહી ગયા છે એ જો કે અલગ વાત છે.


Chetna Bhatt said,
May 22, 2026 @ 12:25 PM
Wah.!!
Reena Parikh said,
May 22, 2026 @ 12:26 PM
સરસ નકશા નવા હિન્દુસ્તાનના 👌👌👍💐
Manoj Shukla said,
May 22, 2026 @ 4:10 PM
નમણી નવી કોતરણી અને નકશા નવા હિન્દુસ્તાનના – સરસ
Bhasker said,
May 22, 2026 @ 4:36 PM
સાદર અસહમત. આરંભના અર્ધ ભાગમાં બાંગ અને રાષ્ટ્રભક્તિગીતનો ઈન્કાર લેખકનું affiliation સ્પષ્ટ કરે છે, ને છેલ્લા ભાગને તે અર્થમાં મૂલવો તો ભારત પાકીસ્તાન બેઉથી અલગ કાશ્મીર અભિપ્રેત છે એવું લાગે છે. કલમ ૩૭૦ હટવાના વિરોધમાં જે લિબરલ સ્યુડોસેક્ચુલર ડાબેરી સાહિત્યિક ચોકો છે તેમાંની આ કમિટેડ રચના વધારે અને કવિતા ઓછી છે..
Amin Kanchan said,
May 22, 2026 @ 6:15 PM
બળક્ટ જોમદાર શૈલીમાં ધારદાર રજૂઆત– સરસ સંગીન કવિતા-
પ્રભાકર ધોળકિયા.સુરત said,
May 23, 2026 @ 3:57 PM
કાશ્મીરી પંડિતોની વ્યથા મુખર થયા વગર સરસ કહેવાઈ છે.
આ પ્રકારની અછાંદસ રચના ભાગ્યેજ જોવા મળે.આસ્વાદ પણ આસ્વાદ્ય છે.અભિનંદન
પ્રભાકર ધોળકિયા.સુરત said,
May 23, 2026 @ 3:58 PM
કાશ્મીરી પંડિતોની વ્યથા મુખર થયા વગર સરસ કહેવાઈ છે.
આ પ્રકારની અછાંદસ રચના ભાગ્યેજ જોવા મળે.આસ્વાદ પણ આસ્વાદ્ય છે.અભિનંદન