પ્રતિષ્ઠા પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 30, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!
– પ્રતિષ્ઠા પંડ્યા
ભારતીય પરંપરા મુજબ સ્ત્રીથી સ્મશાને ન જવાય એ વાત હવે ગઈકાલની થવા માંડી છે. પ્રસ્તુત રચનામાં કાવ્યનાયિકા પોતાના મૃત પિતાને વળાવવા સ્મશાન સુધી ગઈ છે એ વાત નાયિકા આધુનિકા હોવાની પ્રતીતિ કરાવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂકાયેલ પિતાજીના દેહને દેહનો ઝડપથી નિકાલ થાય એ હેતુસર બુકાનીધારી કર્મચારી કઢાઈમાં ધાણીને અવારનવાર હલાવવામાં આવે એમ અવારનવાર હલાવી રહ્યો હોવાનું વર્ણન આપણા શરીર આખામાં ઝણઝણાટી ફેલાવી દે એવું છે. લાવા જેવી જ્વાળાઓની વચ્ચે પણ પિતાજીની ખોપડી અને કરોડરજ્જુ છેલ્લે સુધી બળ્યા ન હોવાની વાત કવિતાના બંને ભાગને ન સાંધો, ન રેણની રીતે જોડે છે. પિતાજીના બળતા મૃતદેહની વાસ નાયિકાને અંગાંગમાં સજ્જડ વીંટળાઈ વળે છે. ઘરે આવીને નાયિકા હિંદુ પરંપરા મુજબ નહાઈ લે છે. એક તરફ પરંપરાથી આગળ વધી સ્મશાનમાં જવાની વાત અને બીજી તરફ સ્મશાને થી પરત ફરી નહાવાની અને એમ પરંપરાને જાળવી રાખવાની વાત પરથી ખ્યાલ આવે છે કે નાયિકા પારંપારિક સ્ત્રી અને આધુનિકાના સંધિસ્થાને ઊભી છે. કવિતાના ઉત્તરાર્ધમાં સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ નાયિકા પોતાને લાકડાના ખાટલા પર સુવાડીને દાહ દેવાતો હોવાની વાત કરી આપણને ચોંકાવે છે. સીધીસટ વહી જતી કવિતામાં આવતો ઓચિંતો વણકલ્પ્યો વળાંક જ પ્રતિષ્ઠા પંડ્યાના અછાંદસને આજે કવિતાના નામે આજે ઠલવાઈ રહેલ કચરાથી અલગ તારવી આપે છે. જીવંત નાયિકા પોતાને લાકડા પર અગ્નિદાહ દેવાઈ રહ્યાનું અનુભવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાકડામાં પલટાઈ છે. દાહ દેનાર અહીં પણ બુકાનીધારી જ છે, પણ આ વખતે કવયિત્રી એના માટે જલ્લાદ વિશેષણ પ્રયોજે છે, જે અગ્નિદાહ દેનાર બે વ્યક્તિ વચ્ચેના તફાવતને જમીન-આસમાન જેવો તોતિંગ કરી આપે છે. ફરી એકવાર આપણા શરીરમાં ઘૃણાનું લખલખું ફરી વળે છે. પોતાના બાપને સ્મશાનમાં વળાવી આવેલ પત્નીને એનો પતિ એક દિવસ પૂરતુંય શોકગ્રસ્ત રહેવાની આઝાદી આપવા તૈયાર નથી. આપણી નજર સમક્ષ થઈ રહેલો આ વૈવાહિક બળાત્કાર (marital rape) આપણને હચમચાવી દે એવો છે. જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, પણ નાયિકાનું અસ્તિત્ત્વ પણ એના પિતાજીની જેમ જ પ્રતિકાર કરે છે. શરીર તો ભોગવાઈ રહ્યું છે, પણ સ્ત્રી અજેય, અપ્રાપ્ય બની રહે છે. આ ટકી રહેવું એ જ આ સ્ત્રીની ખરી પિછાન છે, ખરું ને?
Permalink
August 6, 2021 at 1:22 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
કોઈ તમને તૈયા૨ ક૨તું નથી
મોં ફાડીને તમારી સામે
ઊભા રહી જતા
જંગલી વાઘનો સામનો કરવા
તમને નથી આપેલાં હોતાં
કોઈ મશાલ
કોઈ ભાલો
કોઈ બંદૂક
ધીમા ધીમા ને નિશ્ચિત
તમારી તરફ વધતાં એ પગલાંઓને
તમારા શ્વાસની જેમ અધ્ધર રોકતાં
કોઈ શીખવતું નથી
તમારી આંખની કીકીઓ
એના પંજા પર
લોખંડી ખીલાની જેમ જડી દઈ
એને આગળ વધતાં ડરાવતાંય
તમને કોઈ શીખવતું નથી.
એની ત્રાડને ભરી શ્વાસમાં
થથરતી હિંમત ભરીને હાડમાં
એને લલકારતા
તમને કોઈ શીખવતું નથી
અંધારામાં તમને તગતગતી
બે પીળી આંખોના અજવાળામાં
ખોળતા રહો છો ચારણકન્યાની
કોઈ બેબાકળી લાકડી
ને થઈ જાઓ છો લીરેલીરા
ત્યાં પેટ ભરાઈ જતાં
લોહી નીગળતા શિકારની જેમ
તમને રસ્તા વચ્ચે છોડીને
ચાલ્યા જાય છે એ પ્રશ્નો
ત્યારે એ અધમૂઆ શરીરને
ઉપાડી ફરી એક વાર
બાકીનું જંગલ કેમ પાર કરવું
તમને કોઈ શીખવતું નથી.
– પ્રતિષ્ઠા પંડ્યા
કહેવાય સભ્ય અને સુસંસ્કૃત પણ આપણી દુનિયા જંગલી પ્રાણીઓથી ભરી પડી છે અને વારે-તહેવારે આ જંગલી પ્રાણીઓ સ્ત્રીઓ પર પોતે અબાધિત ગણી લીધેલો અધિકાર જતાવતા હોય એમ અત્યાચાર કરતાં રહે છે. કવયિત્રી શોષિત સ્ત્રીઓની વેદના જ વ્યક્ત કરે છે પણ જરા અલગ રીતે. સ્ત્રી પાસે પુરુષનો સામનો કરવા માટે, એને અટકાવવા-ડારવા માટે બહુધા કોઈ હથિયાર નથી હોતું એટલે સતત એનો શિકાર થતો રહે છે. કવયિત્રીનો સવાલ એ છે કે સ્ત્રીને આ બધાનો સામનો કઈ રીતે કરવો, જાતને કઈ રીતે બચાવવી એ માટે એને કોઈ તૈયાર કરતું નથી. અને એથીય વધીને, જંગલી વાઘ પેટ ભરાઈ જતાં અધમૂઆ શિકારને લોહી નીંગળતી હાલતમાં છોડીને ચાલ્યો જાય એ રીતે અત્યાચારનો ભોગ બન્યા બાદ જન્મેલા પ્રશ્નો ઊંચકીને લોહીલુહાણ અધમૂઈ હાલતમાં બાકીનું જીવન કઈ રીતે પસાર કરવું એની તાલિમ પણ કોઈ આપતું નથી. કવિતામાં જેટલીવાર સ્ત્રીને આ કોઈ શીખવતું નથીનો ચિત્કાર ઊઠે છે, એ બધી વાર આવું ન કરવાનું પુરુષોને કોઈ શીખવતું નથીની વેદના પણ તારસ્વરે ઊઠતી સંભળાય છે. ‘બાકીનું જંગલ’ કહીને કવયિત્રી સમાજની યથાવત્ રહેતી તાસીર પર ચમચમતો ચાબખો મારે છે…
કવયિત્રીની કાવ્યશૈલીના પ્રમાણમાં પ્રસ્તુત રચના થોડી વધુ મુખર બની હોવા છતાં કવિતનો હેતુ કોઈ હરકત વિના બર આવ્યો છે.
Permalink
November 13, 2020 at 1:00 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
હું જાણું છું
કે હું ડૂબી રહી છું
હું તરવું પણ જાણું છું
ને છતાંય ડૂબી રહી છું
ગાત્રો કેટલાં શિથિલ છે
ખબર નથી
પણ જાણું છું
કે મારા ડૂબવામાં એમનો હાથ નથી
હા, મારા શ્વાસને મેં બાંધીને રાખ્યા છે
ક્યાંક ડહોળાય પાણી ને ફેલાય લહેરો
તો હું અનાયાસ વહેવા ના માંડું
એટલે કરીને
એક નિસાસો સુધ્ધાં નથી નાખ્યો.
પણ એમ કહેવું કે
હું ડુબાડી રહી છું જાતને
એ પણ ખરું નથી.
ડુબાડવું અને ડૂબવા દેવું
એ બેની વચ્ચેની ખાલી જગ્યામાં થઈને
જો હું સરકી જાઉં
કોઈ છીપના પાણીપોચા અંધારમાં
તો કદાચ ખીલું થઈ મોતી કાલે
કોઈ મરજીવાની બરછટ હથેળીમાં
એવા કોઈ સપનાંના ભાર તળે
હું ડૂબી રહી છું.
– પ્રતિષ્ઠા પંડ્યા
કાવ્યાંતે થોડી ચોટ આપે એવી ચાટુક્તિઓને અછાંદસમાં ખપાવી દેવાનો વેપલો આપણી ભાષામાં થોકબંધ ફાલી નીકળ્યો છે, એવામાં આવું વિશુદ્ધ કાવ્ય હાથ આવે ત્યારે એમાં ઠે…ઠ અંદર ડૂબી જવાનું મન થાય. કવિતા પણ ડૂબવા વિશેની જ છે. પરંતુ કવયિત્રી બહુ સ્પષ્ટ છે, ડુબાડવું અને ડૂબવા દેવા વચ્ચેના તફાવત બાબતમાં. જાત કે જમાના સાથે વાંધો પડે અને આત્મહત્યા કરવા પાણીમાં ઝંપલાવવું અલગ બાબત છે અને અકારણ જાતને ડૂબવા દેવું આ બે વચ્ચેની ખાલી જગ્યામાં થઈને એ પાણીમાં ઊંડે ગરકાવ થવા ચહે છે. વળી, એવું નથી કે તરતાં નથી આવડતું અને એવુંય નથી કે ગાત્રો ઢીલાં પડી ગયાં હોવાથી તરવાની શક્તિ જ બચી નથી. કોઈ પણ પ્રકારનો થાક કે મજબૂરીનો આ ડૂબવાની ઘટના પાછળ કોઈ હાથ નથી. ભીષ્મનું ઇચ્છામૃત્યુ પણ આ તબક્કે સાંભરે. ડૂબવાનો નિર્ણય એટલો તો અફર છે કે કવયિત્રીએ પોતાના શ્વાસોને પણ મક્કમ ઇરાદાઓથી બાંધી રાખ્યા છે, ક્યાંક એકાદો શ્વાસ કે નિસાસો નંખાઈ જાય અને પાણી ડહોળાતાં લહેરો ઊઠે અને ડૂબતું શરીર તરવા ન માંડે! અને આ ડૂબવા પાછળનો હેતુ? તો કે, છીપના અંધારામાં મોતી થઈ ખીલી ઊઠવાનો! પણ આ મોતી માત્ર કોઈ મહેનતકશ મરજીવા માટે જ છે! મહેનત કરીને હથેળી બરછટ થઈ હોય અને સાગરના પેટાળ સુધી ઊતરવાની તૈયારી હોય એના હાથમાં જ આ અંધારું મોતી થઈને પ્રકાશનાર છે.
અને અહીં સુધી પહોંચ્યા બાદ સમજાય છે કે પોતાના ભીતરમાં ઊંડે સુધી ડૂબકી મારવાની જહેમત ઊઠાવવા તૈયાર હોય એવા કોઈ મનના માણીગરના હાથમાં જ પોતાની જાતનું મોતી ભેટ ધરવાનું નાયિકાનું જે સપનું છે, આ ડૂબવાની ઘટના એ સપનાનાં ભાર તળે ઘટી રહી છે!
Permalink
August 29, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
સમયના પાને પાને
નામ લખ્યાં’તાં સૌનાં
વારાફરતી
ને આ સમય હતો અર્જુનનો.
અડધી રાતે
એની મરજી મુજબ
એ દ્રૌપદીના શરીર પર ફરી વળતો
ગૂંદતો સ્તનો
ફંફોસતો પગ વચ્ચેની જગ્યા
શોધતો પોતાનો અહંકાર
પોતાનો આનંદ એના શરીરમાં.
એ પૂછતો દ્રૌપદીને
કે એને કયો સમય સૌથી વધુ ગમે છે
પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
એ જ્યારે દ્રૌપદીને ચૂમે તો
ત્યારે કોના હોઠનો મલકાટ
એને મન રમે છે?
એની જીભ પર
કોની જીભનો રસસ્ત્રાવ ઝમે છે?
શું કોઈ હથેળીની ખારાશ
એની આસપાસ આજ રાત પણ ભમે છે?
કોઈના શરીરની વાસ
શું આજના ઉન્માદમાંય ભળે છે?
દ્રૌપદી ને મળે ત્યારે શું માત્ર એને જ મળે છે?
એની બંધ આંખ તળે
એ બીજા કોને મળે છે?
અર્જુન દ્રૌપદીને પકડી
ભાઈઓની જૂઠી કરેલી
કેરી પરની છાલ ઉતારતો હોય
એમ એનાં વસ્ત્રો ખેંચે છે
ને બંધ આંખે
ફરી એક વાર
ગોળ
ગોળ
ગોળ
ગોળ
ફરે છે દ્રૌપદી
ને મનમાં તો
કૃષ્ણને સ્મરે છે!
– પ્રતિષ્ઠા પંડ્યા
લયસ્તરો પર કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યસંગ્રહ ‘ળળળ’નું હાર્દિક સ્વાગત છે…
કવિતાનો ખરો ચમત્કાર કવિની મૌલિક દૃષ્ટિમાંથી જન્મે છે. વસ્તુ એની એજ હોય, પણ કવિનો નજરિયો એને સાવ નવીન આયામ પ્રદાન કરે છે. પાંચ-પાંચ હજાર વર્ષોથી આપણે મહાભારતને જે નજરે જોતાં આવ્યાં છીએ, એનાથી સાવ અલગ જ દૃષ્ટિકોણથી કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા આપણને દ્રૌપદી અને અર્જુન વચ્ચેના સંબંધની જે માનવસહજ બારીકીઓથી અવગત કરે છે એ આપણને ચોંકાવી દે છે. અચાનક આપણને થાય કે આવો વિચાર આજ સુધી આપણને કેમ ન આવ્યો? વાત તો સાચી જ છે ને… મહાભારતની મૂળ કથા મુજબ અગ્નિકન્યા દ્રૌપદી એક પાંડવ સાથે એક વર્ષ રહે એ દરમિયાન કેવળ એની જ પત્ની બનીને રહે અને વરસ પતતાં મહિનોમાસ તપશ્ચર્યા કરીને તન-મનથી એનાથી સંપૂર્ણ મુક્ત થયા બાદ જ બીજા પાંડવ સાથે સંપૃક્ત થતી. પણ આ કવિતા છે, ઇતિહાસ કે પુરાણકથા નથી. અહીં સર્જકનો હેતુ અગ્નિકન્યાના સુપરપાવરને ઉજાગર કરવાના બદલે પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી નાણવા-પ્રમાણવાનો છે. દ્રૌપદીનો હાથ ઝાલીને તેઓ સ્ત્રી-પુરુષના સંબંધ અને સમર્પણમાં રહેલી વિસંગતિઓને જ આપણી સમક્ષ મૂકે છે.
એક જ સ્ત્રીને પાંચ પુરુષો વારાફરતી ભોગવતા હોય તો દરેક પુરુષને મનમાં પ્રસ્તુત રચનામાં અર્જુનને આવે છે એવા વિચાર આવવા સ્વાભાવિક છે. માનવીય છે. આપણા પાંચમાંથી દ્રૌપદીને કોણ સૌથી વધુ ગમતું હશે? એને કોનું ચુંબન વધુ પસંદ હશે? એની સાથે સંભોગ કરીએ ત્યારે બંધ પાંપણની ભીતર એ મારા સિવાયના કોઈ ભાઈને જોતી હશે ખરી? આ sibling rivalry કવયિત્રીએ આબાદ શબ્દસ્થ કરી છે. પણ ખરું કાવ્ય તો અંતમાં છે.
બીજા ભાઈઓએ એંઠી કરેલી દ્રૌપદીના વસ્ત્રો અર્જુન ખેંચી ઉતારે છે ત્યારે ગોળ-ગોળ ફરતી દ્રૌપદીના મનમાં કુરુસભાનું એ દૃશ્ય તાદૃશ થઈ ઊઠે છે, જ્યારે ભર કુરુસભામાં દુઃશાસન એના ચીર ઉતારી રહ્યો હતો અને પાંચ પતિઓ સહિતની આખી નિર્વીર્યવાન સભા ખુલ્લી આંખે અંધ બની બેઠી હતી. અર્જુન પતિ હોવા છતાંય પ્રણયકેલિ કરતી વખતે એણે દ્રૌપદીને જે સવાલો કર્યા, એ સમસ્ત સ્ત્રીજાતિનું અપમાન છે. દ્રૌપદીની પાંચ પતિવાળી પરિસ્થિતિ માટે કુંતાની અજ્ઞાનતાથી વિશેષ અર્જુનની નિર્બાલ્યતા જવાબદાર છે. માતાથી અજાણતાં થઈ ગયેલી ભૂલ એ સુધારાવી શક્યો હોત. પણ ત્યાં માતાનો લાડકો દીકરો બની રહેલ અર્જુન આજે પત્નીને જ્યારે સવાલો કરે છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે એની પથારીમાં આવેલ પુરુષ પતિ ઓછો છે, અને પુરુષ વધારે છે. એટલે જ અર્જુનના હાથે પ્રણયકેલિના નામે નિરાવૃત્ત કરાતી વખતે એ દુઃશાસનના હાથે પોતાનું પુનઃ ચીરહરણ કરાઈ રહ્યું હોવાનું અનુભવે છે. સ્ત્રીગૌરવહનનના સમયના પુનરાવર્તનની ઘડીએ લાગણીહત દ્રૌપદી એના પરમ સખા શ્રીકૃષ્ણને પુનઃ સ્મરે છે… એ એકના સિવાય સ્ત્રીને સ્ત્રીયોગ્ય સન્માન બીજું કોણ આપી શકે? કાવ્યાંતે ગોળ ગોળ ગોળ ગોળ –એમ ચાર પંક્તિમાં ગોળ શબ્દ ચાર વાર પુનરાવર્તિત કરીને કવયિત્રી વસ્ત્રાહરણની ગતિને ચાક્ષુષ કરી આબાદ કવિકર્મની સાહેદી પુરાવી હૃદયવઢ ઘા કરતી કવિતા સિદ્ધ કરે છે…
Permalink
March 14, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રતિષ્ઠા પંડ્યા
સરી જવા દે વીંટીઓને આંગળીઓથી બધી
ઓગળી જવા દે વીંટીઓને માછલીઓના અંધારા પેટમાં
છો ભૂલી જતી શકુંતલા દુષ્યંતને
છો દોડી જતી છોડીને કાલિદાસને
છોડીને આદિપર્વની વાર્તાનો તંત
ઉછરવા દે શકુંતલાઓને શકુંત પક્ષીઓના ઝુંડ મહીં
ઊંચા,લીલા ઝાડની ટોચ પર
ખીલવા દે એની ઘઉંવર્ણી પીઠ પર
બે સુંવાળી,વિશાળ કાળી પાંખો
મર્યાદાઓના તારમાં દુષ્યંત બાંધી શકે નહિ એવી પાંખો
દુર્વાસાના ક્રોધની જ્વાળાઓ એને જલાવી શકે નહિ એવી પાંખો
ને પાંખમાં ભરીને લીલાં વન આખેઆખાં
પછી ઊડવા દે
ફડફડતા આકાશમાં
શકુંતલાઓ
⁃ પ્રતિષ્ઠા પંડ્યા
આજની આ કવિતાનો સર્વાંગ રસાસ્વાદ સમર્થ વિવેચક કવિ ઉદયન ઠક્કરની કલમે માણીએ:
મુક્તિ
શકુંતલાની કથા મહાભારતના આદિપર્વમાં મળે છે.
વિશ્વામિત્ર અને મેનકાએ પોતાની દીકરીને ત્યજી દીધી. ઋષિ કણ્વને એ બાળકી શકુંત (મોર અથવા ચાસ) પક્ષીઓના ઝુંડ વચ્ચેથી મળી માટે તેનું નામ રાખ્યું શકુંતલા.કણ્વે તેને પુત્રીની જેમ ઉછેરી.
મૃગયા કરતાં રાજા દુષ્યંત એક વાર કણ્વને આશ્રમે આવી ચડ્યા.ઋષિની ગેરહાજરીમાં શકુંતલાએ રાજાનો સત્કાર કર્યો.તેના રૂપ અને વિવેકથી આકર્ષાયેલા રાજાએ ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મૂક્યો.પોતાના પુત્રને ગાદી મળશે એ શરત રાજાએ માન્ય કરી પછી શંકુતલાએ ગાંધર્વવિવાહ કર્યા. તેને રાજધાનીમાં તેડાવવાનું વચન દઈને રાજાએ શકુંતલાની વિદાય લીધી.આ બાજુ શકુંતલાને પુત્ર થયો અને તેણે પોતાની નિર્ભયતાથી અને શક્તિથી બધાંને ચકિત કર્યાં.થોડાં વર્ષો પછી કણ્વે શકુંતલાને પુત્રસહિત પતિગૃહે વળાવી. દુષ્યંતને બધી વાતો યાદ હોવા છતાં તેણે શકુંતલાને ઓળખવાનો સાફ ઇન્કાર કર્યો. શકુંતલાએ સમજાવ્યું કે મારો નહિ તો તમારા પુત્રનો તો સ્વીકાર કરો! દુષ્યંત સાવ નામુકર ગયો ત્યારે તેની સામે આગઝરતી દ્રષ્ટિ નાખીને શકુંતલા પાછી જવા માંડી.તેવામાં આકાશવાણી થઈ.દેવતાએ કહ્યું,’રાજા, આ તારાં જ પત્ની અને પુત્ર છે,તેમનો સ્વીકાર કર!’ દુષ્યંતે તેમ કરવું પડ્યું.
મહાભારતની આ કથામાં અમુક ફેરફાર કરીને કાલિદાસે ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટક લખ્યું. દુષ્યંતે શકુંતલાને યાદગીરીરૂપે વીંટી આપી,એ આંગળીથી સરી પડી,માછલી તેને ગળી ગઈ, દુર્વાસાના શાપને લીધે દુષ્યંતને વિસ્મૃતિ થઈ- આ બધું કાલિદાસે મૂળ કથામાં ઉમેર્યું.કાલિદાસના નાટકમાં દુષ્યંતની રાજસભામાંથી શકુંતલાને તેની માતા મેનકા લઈ જાય છે. દુષ્યંતના પશ્ચાત્તાપ પછી હેમગિરિ પર્વત પર તેનો શકુંતલા સાથે પુનર્મિલાપ થાય છે.
હવે આપણે પ્રસ્તુત કાવ્ય જોઈએ.કવયિત્રી શકુંતલાની કથામાં ફેરફાર કરવા માગે છે. કાવ્ય ‘આજ્ઞાર્થ’માં લખાયું છે.અહીં વિનવણી નથી,કાકલૂદી નથી,પણ માગણી છે.
કવયિત્રી કહે છે-ભલેને વીંટી સરી પડે, ભલેને મત્સ્ય એને ગળી જાય, ભલેને દુષ્યંત બધું ભૂલી જાય.એક ડગલું આગળ જઈને કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલા જ ભૂલી જાય દુષ્યંતને! આ કાલિદાસની નાયિકા નથી જે દુષ્યંતના દરબારમાં હાવરીબાવરી થઈ જાય, કે નથી આદિપર્વની નાયિકા જે દુષ્યંતને ઉપદેશ આપે. અરે, આને તો રાણી બનવાના ઓરતા જ નથી. એ કાલિદાસ અને વ્યાસ, બન્નેની કથાની બહાર દોડી જવા ઇચ્છે છે.કવયિત્રી એને પતિ અને પિતા બન્નેથી મુક્ત જોવા ઇચ્છે છે, શકુંત પક્ષીઓની વચ્ચે. તેનું સ્થાન પતિના ચરણોમાં નહિ પણ વૃક્ષની ટોચે છે. આ તેની નૈસર્ગિક (લીલી) અવસ્થા છે.
કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલાને શકુંત જેવી પાંખો ઊગે,વિશાળ, જેથી તે મનસ્વિની બનીને ઊંચું ઉડ્ડયન કરી શકે. ‘ઘઉંવર્ણી’ (પીઠ) અને ‘સુંવાળી’ (પાંખો) આ બે વિશેષણો સ્ત્રીની સેન્સુઅસનેસનાં સૂચક છે.જો શકુંતલા દુષ્યંતને મળવા ઉત્સુક હોય જ નહિ તો દુર્વાસાનો શાપ નિષ્ફળ જાય. દુષ્યંતની તારની વાડ શી રીતે રોકી શકે પાંખાળી શકુંતલાને? શકુંત પંખીઓ વચ્ચેથી મળેલી શકુંતલાની નિયતિ કુદરતના ખોળે લીલુંછમ જીવવાની છે.તે પાંખો એવી તો ફફડાવશે કે આકાશ આખું ફફડતું લાગશે.
-ઉદયન ઠક્કર
Permalink