અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ

દ્રૌપદી – પ્રતિષ્ઠા પંડ્યા

સમયના પાને પાને
નામ લખ્યાં’તાં સૌનાં
વારાફરતી
ને આ સમય હતો અર્જુનનો.
અડધી રાતે
એની મરજી મુજબ
એ દ્રૌપદીના શરીર પર ફરી વળતો
ગૂંદતો સ્તનો
ફંફોસતો પગ વચ્ચેની જગ્યા
શોધતો પોતાનો અહંકાર
પોતાનો આનંદ એના શરીરમાં.
એ પૂછતો દ્રૌપદીને
કે એને કયો સમય સૌથી વધુ ગમે છે
પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
એ જ્યારે દ્રૌપદીને ચૂમે તો
ત્યારે કોના હોઠનો મલકાટ
એને મન રમે છે?
એની જીભ પર
કોની જીભનો રસસ્ત્રાવ ઝમે છે?
શું કોઈ હથેળીની ખારાશ
એની આસપાસ આજ રાત પણ ભમે છે?
કોઈના શરીરની વાસ
શું આજના ઉન્માદમાંય ભળે છે?
દ્રૌપદી ને મળે ત્યારે શું માત્ર એને જ મળે છે?
એની બંધ આંખ તળે
એ બીજા કોને મળે છે?
અર્જુન દ્રૌપદીને પકડી
ભાઈઓની જૂઠી કરેલી
કેરી પરની છાલ ઉતારતો હોય
એમ એનાં વસ્ત્રો ખેંચે છે
ને બંધ આંખે
ફરી એક વાર
ગોળ
ગોળ
ગોળ
ગોળ
ફરે છે દ્રૌપદી
ને મનમાં તો
કૃષ્ણને સ્મરે છે!

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યસંગ્રહ ‘ળળળ’નું હાર્દિક સ્વાગત છે…

કવિતાનો ખરો ચમત્કાર કવિની મૌલિક દૃષ્ટિમાંથી જન્મે છે. વસ્તુ એની એજ હોય, પણ કવિનો નજરિયો એને સાવ નવીન આયામ પ્રદાન કરે છે. પાંચ-પાંચ હજાર વર્ષોથી આપણે મહાભારતને જે નજરે જોતાં આવ્યાં છીએ, એનાથી સાવ અલગ જ દૃષ્ટિકોણથી કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા આપણને દ્રૌપદી અને અર્જુન વચ્ચેના સંબંધની જે માનવસહજ બારીકીઓથી અવગત કરે છે એ આપણને ચોંકાવી દે છે. અચાનક આપણને થાય કે આવો વિચાર આજ સુધી આપણને કેમ ન આવ્યો? વાત તો સાચી જ છે ને… મહાભારતની મૂળ કથા મુજબ અગ્નિકન્યા દ્રૌપદી એક પાંડવ સાથે એક વર્ષ રહે એ દરમિયાન કેવળ એની જ પત્ની બનીને રહે અને વરસ પતતાં મહિનોમાસ તપશ્ચર્યા કરીને તન-મનથી એનાથી સંપૂર્ણ મુક્ત થયા બાદ જ બીજા પાંડવ સાથે સંપૃક્ત થતી. પણ આ કવિતા છે, ઇતિહાસ કે પુરાણકથા નથી. અહીં સર્જકનો હેતુ અગ્નિકન્યાના સુપરપાવરને ઉજાગર કરવાના બદલે પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી નાણવા-પ્રમાણવાનો છે. દ્રૌપદીનો હાથ ઝાલીને તેઓ સ્ત્રી-પુરુષના સંબંધ અને સમર્પણમાં રહેલી વિસંગતિઓને જ આપણી સમક્ષ મૂકે છે.

એક જ સ્ત્રીને પાંચ પુરુષો વારાફરતી ભોગવતા હોય તો દરેક પુરુષને મનમાં પ્રસ્તુત રચનામાં અર્જુનને આવે છે એવા વિચાર આવવા સ્વાભાવિક છે. માનવીય છે. આપણા પાંચમાંથી દ્રૌપદીને કોણ સૌથી વધુ ગમતું હશે? એને કોનું ચુંબન વધુ પસંદ હશે? એની સાથે સંભોગ કરીએ ત્યારે બંધ પાંપણની ભીતર એ મારા સિવાયના કોઈ ભાઈને જોતી હશે ખરી? આ sibling rivalry કવયિત્રીએ આબાદ શબ્દસ્થ કરી છે. પણ ખરું કાવ્ય તો અંતમાં છે.

બીજા ભાઈઓએ એંઠી કરેલી દ્રૌપદીના વસ્ત્રો અર્જુન ખેંચી ઉતારે છે ત્યારે ગોળ-ગોળ ફરતી દ્રૌપદીના મનમાં કુરુસભાનું એ દૃશ્ય તાદૃશ થઈ ઊઠે છે, જ્યારે ભર કુરુસભામાં દુઃશાસન એના ચીર ઉતારી રહ્યો હતો અને પાંચ પતિઓ સહિતની આખી નિર્વીર્યવાન સભા ખુલ્લી આંખે અંધ બની બેઠી હતી. અર્જુન પતિ હોવા છતાંય પ્રણયકેલિ કરતી વખતે એણે દ્રૌપદીને જે સવાલો કર્યા, એ સમસ્ત સ્ત્રીજાતિનું અપમાન છે. દ્રૌપદીની પાંચ પતિવાળી પરિસ્થિતિ માટે કુંતાની અજ્ઞાનતાથી વિશેષ અર્જુનની નિર્બાલ્યતા જવાબદાર છે. માતાથી અજાણતાં થઈ ગયેલી ભૂલ એ સુધારાવી શક્યો હોત. પણ ત્યાં માતાનો લાડકો દીકરો બની રહેલ અર્જુન આજે પત્નીને જ્યારે સવાલો કરે છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે એની પથારીમાં આવેલ પુરુષ પતિ ઓછો છે, અને પુરુષ વધારે છે. એટલે જ અર્જુનના હાથે પ્રણયકેલિના નામે નિરાવૃત્ત કરાતી વખતે એ દુઃશાસનના હાથે પોતાનું પુનઃ ચીરહરણ કરાઈ રહ્યું હોવાનું અનુભવે છે. સ્ત્રીગૌરવહનનના સમયના પુનરાવર્તનની ઘડીએ લાગણીહત દ્રૌપદી એના પરમ સખા શ્રીકૃષ્ણને પુનઃ સ્મરે છે… એ એકના સિવાય સ્ત્રીને સ્ત્રીયોગ્ય સન્માન બીજું કોણ આપી શકે? કાવ્યાંતે ગોળ ગોળ ગોળ ગોળ –એમ ચાર પંક્તિમાં ગોળ શબ્દ ચાર વાર પુનરાવર્તિત કરીને કવયિત્રી વસ્ત્રાહરણની ગતિને ચાક્ષુષ કરી આબાદ કવિકર્મની સાહેદી પુરાવી હૃદયવઢ ઘા કરતી કવિતા સિદ્ધ કરે છે…

15 Comments »

  1. Pratishtha Pandya said,

    August 29, 2019 @ 3:12 AM

    ળ ળ ળ… નું આમ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ આપનો ખૂબખૂબ આભાર.

    પૌરાણિક કથાઓએ મને હંમેશા આકર્ષી છે અને ખાસ કરીને કવિતામાં અર્થના વિવિધ સ્તરો પર એક લઘુલિપિ (શોર્ટહેન્ડ) જે આ કથાઓ પૂરી પાડે છે એનું મૂલ્ય મારે માટે ઘણું છે. આભાર.

  2. ketan yajnik said,

    August 29, 2019 @ 4:25 AM

    સરસ્

  3. Rina Manek said,

    August 29, 2019 @ 4:30 AM

    Waaaahhhh

  4. Neekita said,

    August 29, 2019 @ 4:39 AM

    કવિતા સારી પરંતુ દ્રૌપદી એક ભાઈ સાથે હોય ત્યારે બીજા ભાઈનો વિચાર કરતી નહિ – એ અગ્નિકન્યા હતી – હંમેશા પવિત્ર – જૈન સૂત્રો માં આવે છે – સાત લાખ પ્રકાર ના મનુષ્યો – એ સદા માટે શુદ્ધ રહેવા સર્જાયેલી તેમ જ એ જ્યારે એક ભાઈસાથે હોય, ત્યારે બાકી સર્વે નિષિદ્ધ હતા – સહદેવ જેવા અતિજ્ઞાની ને પણ માનસિક પ્રવેશ નહોતો – આ અગ્નિકન્યા નો સુપર પાવર હતો .

  5. suresh shah said,

    August 29, 2019 @ 10:31 AM

    navu kalpan wonderful all the best jeep it up wow

  6. Nikhil said,

    August 29, 2019 @ 12:26 PM

    Govind! Govind!! Govind!!!

  7. જયેન્દ્ર ઠાકર said,

    August 29, 2019 @ 12:29 PM

    કાવ્યની દ્ર્ષ્ટિએ પરમ સખા શ્રીકૃષ્ણને જ સ્મરે એ વાત ઠીક છે પણ વાસ્તવિક દ્ર્ષ્ટિએ રતિ કર્મ વખતે દ્રૌપદી
    કૃષ્ણને યાદ કરે તે જરા અજુગતું લાગે. One wonders was she that cold??!

  8. Dhari said,

    August 29, 2019 @ 3:48 PM

    Moving.
    May or may not be in a different way than it was set out to be.

  9. Chandrashekhar Pandya said,

    August 30, 2019 @ 12:18 PM

    આપણા પૂજનીય પાત્રોને અશ્લીલ ભાષાના તણાવાણે વીંટયા હોય તેવી પ્રતીતિ કરાવતી આ રચના વાંચીને થોડી ચીતરી ચડી. આ રચના બોલ્ડ કહેવાતી હશે પરંતુ મને અંગત રૂપે એમ.એફ.હુસેન દ્વારા અશ્લીલતા સાથે હિન્દૂ દેવી-દેવતાઓને પેઇન્ટિંગમાં સાંકળી લેવામાં આવેલ તે તાજું થયું.
    માફી ચાહું છું મારી આવી ટિપ્પણી બદલ. કદાચ આ રચનાને તેના સાચા પરિપેક્ષમાં માણી શકવાની દ્રષ્ટિનો મારામાં અભાવ હોઈ શકે.

  10. Chetna Bhatt said,

    August 30, 2019 @ 10:39 PM

    My God ..what a poem…superb .

  11. વિવેક said,

    September 2, 2019 @ 8:27 AM

    @ નિકીતા:

    આપની વાત સો ટકા સાચી છે. પણ ઇતિહાસના પાત્રો અને પુરાકથાના પાત્રોના આલેખનમાં ફરક રહેવાનો જ. પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી જોવાની કોશિશ સર્જકો ઘણા સમયથી કરતા આવ્યા છે…

  12. વિવેક said,

    September 2, 2019 @ 8:35 AM

    @ જયેન્દ્ર ઠાકર:

    આપે કદાચ ફૂટનોટ ધ્યાનથી વાંચી નથી… વાત રતિક્રીડાની જ છે પણ દ્રૌપદી કદાચ અર્જુનનું મન વાંચી શકે છે અને પરિણામે અર્જુન દ્વારા એના વસ્ત્રો ઉતારવાની પ્રક્રિયા એને કુરુસભાના દુઃશાસનની યાદ અપાવે છે. એટલે એને કૃષ્ણનું સ્મરણ થાય છે… કૃષ્ણ પ્રત્યેના જાતિય આકર્ષણના કારણે નહીં. એ બેની મૈત્રી એવા આવેગોથી કદાચ પર હતી…

  13. વિવેક said,

    September 2, 2019 @ 8:37 AM

    @ ચન્દ્રશેખર પંડ્યા:

    દરેક પ્રકારના પ્રતિભાવોનું લયસ્તરો પર સહૃદય સ્વાગત છે. કવિતા એ બહુ અંગત બાબત છે. કોઈને ગમે તો કોઈને ન ગમે. એમાં કોઈ જોર-જબરદસ્તી ન જ હોઈ શકે… આપનો અભિપ્રાય શિરઆંખો પર.

    આભાર.

  14. અદિતિ said,

    October 15, 2019 @ 12:50 PM

    પ્રથમ તો મહાભારતને આપણે ઇતિહાસ કહીએ છીએ.

    આપની કવિતા જ દર્શાવે છે આપે ક્યારેય મહાભારતનું અધ્યયન નથી કર્યું. જે અર્જુન પ્રત્યે દ્રૌપદીને અત્યંત માન હતું તે પુરુષને આપ અર્વાચીન પુરુષોની દૃષ્ટિએ આલેખ્યો છે. અશ્વમેધિકા પર્વમાં વેદવ્યાસજી વર્ણવે છે કે દ્રૌપદી પોતાનું અપમાન સહી સકતી, પણ અર્જુન વિશે એક અપશબ્દ ન સહી શકે. ત્યાં તે કૃષ્ણ સામે પણ ઘરુકિયું કાઢે છે. તેમ જ આદિપર્વના અંતે હરણાહરણપર્વમાં યાજ્ઞસેનીનું અર્જુન પ્રત્યેનું સમર્પણ વિશેષ રૂપે જોઈ શકાય છે. તથા વનપર્વથી લઈને છેક આશ્રમવાસિકા પર્વ સુધી આપ જોઈ શકશો કે દ્રૌપદીના હૃદયમાં સર્વ ભાઈઓ કરતાં અર્જુન પ્રત્યે પ્રેમ વિશેષ હતો. અને અર્જુનની દરેક પત્ની માલિની (દ્રૌપદી), ઉલૂપી, ચિત્રાંગદા તેમ જ સુભદ્રાને પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ હતો. તેનાં અનેકો ઉદાહરણ મહાગ્રંથમાં મળે છે. તેમ જ અર્જુનનું ચરિત્ર મહાભારતમાં પુરુષોત્તમ તેમજ નિર્મળ રૂપે થયેલું છે. કલ્પનાશક્તિ વાપરવી સારી વાત છે. પરંતુ તે કલ્પના થકી સારાં જ પાત્રોને વિકૃત સ્વરૂપે રીતે પ્રસ્તુત કરવાની સ્વતંત્રતા જ કથાઓમાં વિકૃતિ સર્જે છે.

  15. વિવેક said,

    October 18, 2019 @ 2:47 AM

    @ અદિતિ:

    આપના પ્રતિભાવ બદલ આપનું સહૃદય સ્વાગત. મહાભારત એક ઉત્તમ મહાકાવ્ય છે, શ્રેષ્ઠતમ પુરાકથા છે; પણ એને ઇતિહાસ કહેવું એ તો આપનો અંગત અભિપ્રાય જ ગણી શકાય.

    ઇતિહાસ સાથે ચેડા અયોગ્ય બાબત છે પણ પુરાકથાઓનું તો વિશ્વભરમાં સમય-સમયે અલગ-અલગ રીતે પૃથક્કરણ કરાતું જ આવ્યું છે અને કરાતું જ રહેશે. કળાનું મૂલ્ય કળાના ધોરણે જ કરાવું જોઈએ પણ કોઈ પણ કળા માટે દરેક ભાવકનો અભિગમ અલગ હોવાનો એ વાત પણ સાથે સ્વીકારવી રહી. આપને જે વિકૃતિ લાગી, એ મને વિશેષ-કૃતિ લાગી…

    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment