આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

ચારણકન્યા – પ્રતિષ્ઠા પંડ્યા

કોઈ તમને તૈયા૨ ક૨તું નથી
મોં ફાડીને તમારી સામે
ઊભા રહી જતા
જંગલી વાઘનો સામનો કરવા
તમને નથી આપેલાં હોતાં
કોઈ મશાલ
કોઈ ભાલો
કોઈ બંદૂક
ધીમા ધીમા ને નિશ્ચિત
તમારી તરફ વધતાં એ પગલાંઓને
તમારા શ્વાસની જેમ અધ્ધર રોકતાં
કોઈ શીખવતું નથી
તમારી આંખની કીકીઓ
એના પંજા પર
લોખંડી ખીલાની જેમ જડી દઈ
એને આગળ વધતાં ડરાવતાંય
તમને કોઈ શીખવતું નથી.
એની ત્રાડને ભરી શ્વાસમાં
થથરતી હિંમત ભરીને હાડમાં
એને લલકારતા
તમને કોઈ શીખવતું નથી
અંધારામાં તમને તગતગતી
બે પીળી આંખોના અજવાળામાં
ખોળતા રહો છો ચારણકન્યાની
કોઈ બેબાકળી લાકડી
ને થઈ જાઓ છો લીરેલીરા
ત્યાં પેટ ભરાઈ જતાં
લોહી નીગળતા શિકારની જેમ
તમને રસ્તા વચ્ચે છોડીને
ચાલ્યા જાય છે એ પ્રશ્નો
ત્યારે એ અધમૂઆ શરીરને
ઉપાડી ફરી એક વાર
બાકીનું જંગલ કેમ પાર કરવું
તમને કોઈ શીખવતું નથી.

– પ્રતિષ્ઠા પંડ્યા

કહેવાય સભ્ય અને સુસંસ્કૃત પણ આપણી દુનિયા જંગલી પ્રાણીઓથી ભરી પડી છે અને વારે-તહેવારે આ જંગલી પ્રાણીઓ સ્ત્રીઓ પર પોતે અબાધિત ગણી લીધેલો અધિકાર જતાવતા હોય એમ અત્યાચાર કરતાં રહે છે. કવયિત્રી શોષિત સ્ત્રીઓની વેદના જ વ્યક્ત કરે છે પણ જરા અલગ રીતે. સ્ત્રી પાસે પુરુષનો સામનો કરવા માટે, એને અટકાવવા-ડારવા માટે બહુધા કોઈ હથિયાર નથી હોતું એટલે સતત એનો શિકાર થતો રહે છે. કવયિત્રીનો સવાલ એ છે કે સ્ત્રીને આ બધાનો સામનો કઈ રીતે કરવો, જાતને કઈ રીતે બચાવવી એ માટે એને કોઈ તૈયાર કરતું નથી. અને એથીય વધીને, જંગલી વાઘ પેટ ભરાઈ જતાં અધમૂઆ શિકારને લોહી નીંગળતી હાલતમાં છોડીને ચાલ્યો જાય એ રીતે અત્યાચારનો ભોગ બન્યા બાદ જન્મેલા પ્રશ્નો ઊંચકીને લોહીલુહાણ અધમૂઈ હાલતમાં બાકીનું જીવન કઈ રીતે પસાર કરવું એની તાલિમ પણ કોઈ આપતું નથી. કવિતામાં જેટલીવાર સ્ત્રીને આ કોઈ શીખવતું નથીનો ચિત્કાર ઊઠે છે, એ બધી વાર આવું ન કરવાનું પુરુષોને કોઈ શીખવતું નથીની વેદના પણ તારસ્વરે ઊઠતી સંભળાય છે. ‘બાકીનું જંગલ’ કહીને કવયિત્રી સમાજની યથાવત્ રહેતી તાસીર પર ચમચમતો ચાબખો મારે છે…

કવયિત્રીની કાવ્યશૈલીના પ્રમાણમાં પ્રસ્તુત રચના થોડી વધુ મુખર બની હોવા છતાં કવિતનો હેતુ કોઈ હરકત વિના બર આવ્યો છે.

10 Comments »

  1. Aasifkhan said,

    August 6, 2021 @ 2:55 AM

    Vaah saras rachna

  2. Chetna Bhatt said,

    August 6, 2021 @ 2:55 AM

    જોરદાર અને કટુ સત્ય..!!

  3. મયૂર કોલડિયા said,

    August 6, 2021 @ 3:16 AM

    વાહ… સરસ….

  4. Parbatkumar said,

    August 6, 2021 @ 7:28 AM

    વાહ…..

  5. Himanshu Trivedi said,

    August 6, 2021 @ 3:26 PM

    પ્રતિષ્ઠા પંડ્યાનો આભાર, એક સચોટ અને સાંપ્રત કવિતા માટે.

    ગુજરાતીમાં ખાસ કરીને આવા કાવ્યોનો અભાવ છે, જ્યાં આપણે આપણને, આપણા સમાજને, સમાજના અભાવોને પ્રશ્નો પૂછીએ.

    એક એવો મોટો વર્ગ છે કે જે એવું માને છે કે ‘સમાજને સવાલ ના પુછાય’…અથવા ‘એવું થતું હોય તો એ ખોટું છે એવું મોટેથી ના કહેવાય’.

    તેથી કરીને પ્રતિષ્ઠા પંડ્યાને અભિનંદન અને સાદર પ્રણામ.

    શ્રી ઝવેરચંદ મેઘાણી જી નું અદભુત કાવ્ય ‘ચારણકન્યા’ એક બહાદુર કન્યાનું સાક્ષાત વર્ણન છે, અને કહેવાય છે કે સત્ય-ઘટના પાર આધારિત છે જયારે કવિશ્રી ત્યાં ગીરના જંગલમાં નેસડામાં નજીકમાં જ હતા.

    પ્રતિષ્ઠા પંડ્યાની અભિવ્યક્તિ એક બહાદુર સ્ત્રીનું સાંપ્રત જગતનું, તેની બદીઓનું, ખાલી-ખોટા ‘બેટી બચાઓ – બેટી પઢાઓ’ના ચૂંટણીયા કોલાહલ-નારાઓના શબ્દજાળને સળગાવી એક પોતાની ‘આંતરિક બદીઓ પ્રત્યે અંધ’ સમાજની ખોખલી વ્યવસ્થાઓ પરની ‘spotlight’ છે. પ્રશ્નો છે. સમાજે વિચારવું જ રહ્યું, જો સુધરવું હોય તો.

  6. pragnajuvyas said,

    August 6, 2021 @ 5:41 PM

    સરસ

  7. Poonam said,

    August 7, 2021 @ 1:06 AM

    Ek aa pan chaheti, Vastavikta no…

  8. udayan thakker said,

    August 7, 2021 @ 1:15 AM

    (વિશેષત: પાશ્ચાત્ય કલામાં) કવિતા અને ચિત્રકલામાં પૂર્વસૂરીઓનો સંદર્ભ આપી તેમને આદર અપાય છે, અહીં મેઘાણીને યાદ કરાયા છે. વાઘ રૂપક છે અને ભાવક તેનાં વિવિધ અર્થઘટનો કરવા સ્વતંત્ર છે. અંતે વાઘને વાઘ જ રહેવા દેતે (‘એ પ્રશ્નો’ લખીને રૂપકનું સમીકરણ ન સ્થાપતે) તો વધુ સારું ન થતે?

  9. Lata Hirani said,

    August 7, 2021 @ 1:53 AM

    ચોટદાર કવિતા

  10. Kajal kanjiya said,

    August 7, 2021 @ 1:03 PM

    વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment