મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
નિનાદ અધ્યારુ

અગ્નિદાહ – પ્રતિષ્ઠા પંડ્યા

મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!

– પ્રતિષ્ઠા પંડ્યા

ભારતીય પરંપરા મુજબ સ્ત્રીથી સ્મશાને ન જવાય એ વાત હવે ગઈકાલની થવા માંડી છે. પ્રસ્તુત રચનામાં કાવ્યનાયિકા પોતાના મૃત પિતાને વળાવવા સ્મશાન સુધી ગઈ છે એ વાત નાયિકા આધુનિકા હોવાની પ્રતીતિ કરાવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂકાયેલ પિતાજીના દેહને દેહનો ઝડપથી નિકાલ થાય એ હેતુસર બુકાનીધારી કર્મચારી કઢાઈમાં ધાણીને અવારનવાર હલાવવામાં આવે એમ અવારનવાર હલાવી રહ્યો હોવાનું વર્ણન આપણા શરીર આખામાં ઝણઝણાટી ફેલાવી દે એવું છે. લાવા જેવી જ્વાળાઓની વચ્ચે પણ પિતાજીની ખોપડી અને કરોડરજ્જુ છેલ્લે સુધી બળ્યા ન હોવાની વાત કવિતાના બંને ભાગને ન સાંધો, ન રેણની રીતે જોડે છે. પિતાજીના બળતા મૃતદેહની વાસ નાયિકાને અંગાંગમાં સજ્જડ વીંટળાઈ વળે છે. ઘરે આવીને નાયિકા હિંદુ પરંપરા મુજબ નહાઈ લે છે. એક તરફ પરંપરાથી આગળ વધી સ્મશાનમાં જવાની વાત અને બીજી તરફ સ્મશાને થી પરત ફરી નહાવાની અને એમ પરંપરાને જાળવી રાખવાની વાત પરથી ખ્યાલ આવે છે કે નાયિકા પારંપારિક સ્ત્રી અને આધુનિકાના સંધિસ્થાને ઊભી છે. કવિતાના ઉત્તરાર્ધમાં સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ નાયિકા પોતાને લાકડાના ખાટલા પર સુવાડીને દાહ દેવાતો હોવાની વાત કરી આપણને ચોંકાવે છે. સીધીસટ વહી જતી કવિતામાં આવતો ઓચિંતો વણકલ્પ્યો વળાંક જ પ્રતિષ્ઠા પંડ્યાના અછાંદસને આજે કવિતાના નામે આજે ઠલવાઈ રહેલ કચરાથી અલગ તારવી આપે છે. જીવંત નાયિકા પોતાને લાકડા પર અગ્નિદાહ દેવાઈ રહ્યાનું અનુભવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાકડામાં પલટાઈ છે. દાહ દેનાર અહીં પણ બુકાનીધારી જ છે, પણ આ વખતે કવયિત્રી એના માટે જલ્લાદ વિશેષણ પ્રયોજે છે, જે અગ્નિદાહ દેનાર બે વ્યક્તિ વચ્ચેના તફાવતને જમીન-આસમાન જેવો તોતિંગ કરી આપે છે. ફરી એકવાર આપણા શરીરમાં ઘૃણાનું લખલખું ફરી વળે છે. પોતાના બાપને સ્મશાનમાં વળાવી આવેલ પત્નીને એનો પતિ એક દિવસ પૂરતુંય શોકગ્રસ્ત રહેવાની આઝાદી આપવા તૈયાર નથી. આપણી નજર સમક્ષ થઈ રહેલો આ વૈવાહિક બળાત્કાર (marital rape) આપણને હચમચાવી દે એવો છે. જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, પણ નાયિકાનું અસ્તિત્ત્વ પણ એના પિતાજીની જેમ જ પ્રતિકાર કરે છે. શરીર તો ભોગવાઈ રહ્યું છે, પણ સ્ત્રી અજેય, અપ્રાપ્ય બની રહે છે. આ ટકી રહેવું એ જ આ સ્ત્રીની ખરી પિછાન છે, ખરું ને?

6 Comments »

  1. pragnajuvyas said,

    September 30, 2022 @ 9:19 AM

    કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાનુ સ રસ અછાંદસ.
    તેમની અભિવ્યક્તિ એક બહાદુર સ્ત્રીનું સાંપ્રત જગતનું, તેની બદીઓનું, ખાલી-ખોટા ‘બેટી બચાઓ – બેટી પઢાઓ’ના ચૂંટણીયા કોલાહલ-નારાઓના શબ્દજાળને સળગાવી એક પોતાની ‘આંતરિક બદીઓ પ્રત્યે અંધ’ સમાજની ખોખલી વ્યવસ્થાઓ પરની ‘spotlight’ છે. પ્રશ્નો છે. સમાજે વિચારવું જ રહ્યું, જો સુધરવું હોય તો.
    ડૉ.વિવેકજીનો ખૂબ સ રસ આસ્વાદ તેમા-‘ જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, ‘વાતે આંખ નમ થઇ.
    તો બીજી તરફ સમાચાર ચાલતા હતા-CNN
    Landmark Indian court ruling says rape includes marital rape and extends abortion rights to 24 weeks
    તે વાતની સ્પષ્ટતા માટે ભારતના સમાચારમા જોયું તો-‘Though the protection given to marital rape under penal prov .. In a first, Supreme Court recognizes concept of marital rapehttps://timesofindia.indiatimes.com › India › article show
    — India News: For the first time, the Supreme Court on Thursday acknowledged the concept of ‘marital rape’, and held ‘rape’ under the MTP Act પત્ની સાથે સાધારણ ઝગડો થતા વકીલ મારફત ફરીઆદ કરતા…
    ત્યાર બાદ કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાની બીજી અછાંદસ રચનાઓ માણી તો દરેક રચનામા સ્ત્રીનુ પુરુષો દ્વારા ઉતપીડનની પીડા વર્ણવાય છે !
    જેમકે કુર્માવતાર
    ‘અજાણ્યા દેવ, દાનવોથી
    હું ડરું છું.
    વાસુકીની ફેણોથી ડરું છું.
    કવચની અંદર રહી ને ય હું ડરું છું.
    ડરું છું બહારથી આવતા
    ક્ષીરસાગરના ખળભળાટથી,
    મારા ખુદના હૃદયમાં ચાલતાં મંથનથી
    એમાંથી નીકળી આવ્યું જો હળાહલ –
    એ વિચાર માત્રથી ડરું છું.
    મારી અંદર ખદબદતા
    એકાંતથી હું ડરું છું.
    મારા જ કવચની ભીસી દેતી
    દીવાલોથી હું ડરું છું.
    કવચમાં રહી રહી ને
    કદાચ હું મરું છું,
    પણ એ લોકો મને છે
    હું કેવી નિશ્ચિંત ફરું છું.’
    આવી અનેક જરાસંઘ .ત્રિશંકુ ,ડોલ ,મંદોદરી,ગાંધારી ,એલિસબ્રિજ.સીદીસૈયદની જાળી,કોઈ થાંભલો,મત્સ્યાવતાર,સાવિત્રી ,બે ચાર જણ પોતાનાં, રાજા , પરોઢિયું, Dawning, શકુંતલાઓ, Dreams–
    I try to stop the dark night
    from barging in
    a deep breath
    the agony of a long wait
    the night refuses to let go
    darkness torches my roof
    wants to turn me to ashes
    engulfed in dark flames
    I burn
    like Narsinh’s* hand
    I burn in the dark flames
    and yet I dream
    of some faint light
    wherein I can see
    the corals growing
    in the eyes
    of my little ones.

  2. કિશોર બારોટ said,

    September 30, 2022 @ 11:29 AM

    ઉત્કૃષ્ટ રચના.

  3. હર્ષદ દવે said,

    September 30, 2022 @ 1:47 PM

    આ તે કેવી આગ ! એક શરીરને બાળી શકે છે તો બીજા શરીરને બાળીને ભસ્મ બનાવી શકતી નથી. એ જ આગ વાસનાને પ્રજ્વલિત કરી શકે છે. આગના આ ત્રિવિધ વિરોધાભાસને હ્રદયવેધી સંવેદન દ્વારા શુદ્ધ કવિતાનું રૂપ આપવામાં કવિયત્રી પૂર્ણપણે સફળ થયા છે. અછાંદસ કવિતાની સંરચનામાં લાઘવ એક મહત્વનું પાસું છે જેથી કવિતા ચુસ્ત બને છે, વાચાળ કે બોલકી બનતી નથી પરંતુ ઉત્કૃષ્ટ ભાષાકર્મથી લયબદ્ધ પ્રવાહમાં વહેતી કોમ્પેક્ટ બને છે એ આ કવિતામાં પૂરવાર થયું છે. બાકી, કવિતાનું વિષયવસ્તુ અને કાવ્યનાયિકાની અભિવ્યક્તિ વિશે આપના દ્વારા થયેલા સરસ આસ્વાદ માટે આપ અધિકારી છો જ. કવિને પણ આ રચના માટે અભિનંદન.

  4. Bharati gada said,

    September 30, 2022 @ 2:32 PM

    અંદર દિલમાં અરેરાટી મચી જાય … ખૂબ સુંદર અર્થ સભર આસ્વાદ 👌

  5. યોગેશ પંડ્યા said,

    September 30, 2022 @ 6:04 PM

    Speechless..

  6. Poonam said,

    September 30, 2022 @ 6:20 PM

    …( આ )શરીર ભસ્મ થતું જ નથી!
    – પ્રતિષ્ઠા પંડ્યા – Sachoot Ne Satya !

    Aaswad Uttam !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment