અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

ડૂબવું – પ્રતિષ્ઠા પંડ્યા

હું જાણું છું
કે હું ડૂબી રહી છું
હું તરવું પણ જાણું છું
ને છતાંય ડૂબી રહી છું
ગાત્રો કેટલાં શિથિલ છે
ખબર નથી
પણ જાણું છું
કે મારા ડૂબવામાં એમનો હાથ નથી
હા, મારા શ્વાસને મેં બાંધીને રાખ્યા છે
ક્યાંક ડહોળાય પાણી ને ફેલાય લહેરો
તો હું અનાયાસ વહેવા ના માંડું
એટલે કરીને
એક નિસાસો સુધ્ધાં નથી નાખ્યો.
પણ એમ કહેવું કે
હું ડુબાડી રહી છું જાતને
એ પણ ખરું નથી.
ડુબાડવું અને ડૂબવા દેવું
એ બેની વચ્ચેની ખાલી જગ્યામાં થઈને
જો હું સરકી જાઉં
કોઈ છીપના પાણીપોચા અંધારમાં
તો કદાચ ખીલું થઈ મોતી કાલે
કોઈ મરજીવાની બરછટ હથેળીમાં
એવા કોઈ સપનાંના ભાર તળે
હું ડૂબી રહી છું.

– પ્રતિષ્ઠા પંડ્યા

કાવ્યાંતે થોડી ચોટ આપે એવી ચાટુક્તિઓને અછાંદસમાં ખપાવી દેવાનો વેપલો આપણી ભાષામાં થોકબંધ ફાલી નીકળ્યો છે, એવામાં આવું વિશુદ્ધ કાવ્ય હાથ આવે ત્યારે એમાં ઠે…ઠ અંદર ડૂબી જવાનું મન થાય. કવિતા પણ ડૂબવા વિશેની જ છે. પરંતુ કવયિત્રી બહુ સ્પષ્ટ છે, ડુબાડવું અને ડૂબવા દેવા વચ્ચેના તફાવત બાબતમાં. જાત કે જમાના સાથે વાંધો પડે અને આત્મહત્યા કરવા પાણીમાં ઝંપલાવવું અલગ બાબત છે અને અકારણ જાતને ડૂબવા દેવું આ બે વચ્ચેની ખાલી જગ્યામાં થઈને એ પાણીમાં ઊંડે ગરકાવ થવા ચહે છે. વળી, એવું નથી કે તરતાં નથી આવડતું અને એવુંય નથી કે ગાત્રો ઢીલાં પડી ગયાં હોવાથી તરવાની શક્તિ જ બચી નથી. કોઈ પણ પ્રકારનો થાક કે મજબૂરીનો આ ડૂબવાની ઘટના પાછળ કોઈ હાથ નથી. ભીષ્મનું ઇચ્છામૃત્યુ પણ આ તબક્કે સાંભરે. ડૂબવાનો નિર્ણય એટલો તો અફર છે કે કવયિત્રીએ પોતાના શ્વાસોને પણ મક્કમ ઇરાદાઓથી બાંધી રાખ્યા છે, ક્યાંક એકાદો શ્વાસ કે નિસાસો નંખાઈ જાય અને પાણી ડહોળાતાં લહેરો ઊઠે અને ડૂબતું શરીર તરવા ન માંડે! અને આ ડૂબવા પાછળનો હેતુ? તો કે, છીપના અંધારામાં મોતી થઈ ખીલી ઊઠવાનો! પણ આ મોતી માત્ર કોઈ મહેનતકશ મરજીવા માટે જ છે! મહેનત કરીને હથેળી બરછટ થઈ હોય અને સાગરના પેટાળ સુધી ઊતરવાની તૈયારી હોય એના હાથમાં જ આ અંધારું મોતી થઈને પ્રકાશનાર છે.

અને અહીં સુધી પહોંચ્યા બાદ સમજાય છે કે પોતાના ભીતરમાં ઊંડે સુધી ડૂબકી મારવાની જહેમત ઊઠાવવા તૈયાર હોય એવા કોઈ મનના માણીગરના હાથમાં જ પોતાની જાતનું મોતી ભેટ ધરવાનું નાયિકાનું જે સપનું છે, આ ડૂબવાની ઘટના એ સપનાનાં ભાર તળે ઘટી રહી છે!

16 Comments »

  1. Shabnam khoja said,

    November 13, 2020 @ 1:22 AM

    અહાઆ…ખૂબ જ સુંદર કાવ્ય છે.. 👌👌👌👌👌

  2. snehal vaidya said,

    November 13, 2020 @ 1:29 AM

    For me, Aswad is more important. Because without it i could not get the poetry from the lines. Thanks dr and poet Vivekji.

  3. Anjana bhavsar said,

    November 13, 2020 @ 1:31 AM

    સરસ અછાંદસ, સરસ આસ્વાદ

  4. Chetna Bhatt said,

    November 13, 2020 @ 1:45 AM

    અદભુત..!!

  5. Kajal kanjiya said,

    November 13, 2020 @ 2:17 AM

    સરસ છે

  6. Pragna Vashi said,

    November 13, 2020 @ 2:24 AM

    Khub saras marmik Kavita
    Vicharta Kari muke Evi saras rachna
    Wah , abhinandan

  7. Shah Raxa said,

    November 13, 2020 @ 2:35 AM

    નિસાસો સુધ્ધાં નથી નાખ્યો….વાહ..વાહ..વાહ..અનુભૂતિની પરાકાષ્ઠા. આસ્વાદ માટે 🙏🙏

  8. રક્ષિત અરવિંદરાય દવે "મૌન" said,

    November 13, 2020 @ 2:58 AM

    ખૂબ જ સુંદર અને ભાવાત્મક રજુઆત….

  9. Chetan Framewala said,

    November 13, 2020 @ 3:32 AM

    અદભુત…

  10. Poonam said,

    November 13, 2020 @ 3:36 AM

    જો હું સરકી જાઉં… ( તો…) આઅહા…

    ઘટના સપના ભાર તળે ઘટી રહી છે હુમ્મ્મ્..

  11. Lata Hirani said,

    November 13, 2020 @ 6:00 AM

    છીપમાં મોતી જેવુ કાવ્ય.
    પ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા વધારે એવું કાવ્ય.

  12. હર્ષદ દવે said,

    November 13, 2020 @ 6:54 AM

    Excellent

  13. pragnajuvyas said,

    November 13, 2020 @ 11:26 AM

    કદાચ ખીલું થઈ મોતી કાલે
    કોઈ મરજીવાની બરછટ હથેળીમાં
    એવા કોઈ સપનાંના ભાર તળે
    હું ડૂબી રહી છું.
    સુંદર અને ભાવાત્મક રજુઆત
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  14. preetam lakhlani said,

    November 13, 2020 @ 1:14 PM

    કેટલા વરસો પછી કવિતા વાંચી, હવે દિપાવલીની ખુશીમાં શુ જોઈએ!

  15. preetam lakhlani said,

    November 13, 2020 @ 1:22 PM

    બેન કવયિત્રી પ્રતિષ્ઠા પંડયા અને ડૉ.વિવેક સાહેબને ખુબ ખુબ શુભેચ્છા સાથે સુંદર કવિતા અને સુંદર આસ્વાદ, આજે સમજાણું શબ્દ પણ કુંમકુંમના પગલાં કરે છે!

  16. Maheshchandra Naik said,

    November 14, 2020 @ 12:17 AM

    સરસ કવિતા અને સ- રસ આસ્વાદ……..ડૉ.વિવેક્ભાઈને અભિનદન
    કવિયત્રિને પણ અબિનદન….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment