અબોલા – ઉષા ઉપાધ્યાય
તમે કહ્યું ‘રે ચૂપ!’ સજન લો
. બંધ હોઠથી ઝરશે ના કોઈ ગીત…
હોઠ બંધ આ નૈન બંધ પણ
. અરવ કંઠથી હવા મહીં જે સરતું,
તાતા શબ્દતીરને જે ના ગણતું
. રે સાજન! કેમ કરીને રોકીશ મારું ગીત!
રોષ રકત તુજ નૈન રિકત પણ
. અરવ કંઠથી હૃદય થકી જે ઝરતું,
રોમ-રોમ મુજ ચંદન થૈ જે ઠરતું
. રે સાજન! કેમ કરીને રોકીશ તારું ગીત!
– ઉષા ઉપાધ્યાય
લયસ્તરો પર સર્જકના નૂતન સંગ્રહ ‘તેજનો તરાપો લઈને’નું સહૃદય સ્વાગત છે…
બે વાસણ સાથે ને સાથે જ હોય તો ક્યારેક તો ખખડે જ… કોઈક કારણોસર બે જણ વચ્ચે કંઈક રકઝક થઈ હશે ને પરિણામ સ્વરૂપે પુરુષે સ્ત્રીને ચૂપ થઈ જવાનો આદેશ આપ્યો છે. અને સ્ત્રીએ બદલામાં પોતાના હોઠેથી હવે કોઈ ગીત સરશે નહીંની ખાતરી પણ આપી દીધી છે. જો કે આ ‘ચૂપ’ આદેશાત્મક ઓછો અને પ્રતીકાત્મક વધારે છે, કેમ કે આગળ ‘રે’ ઉમેરાયો છે. સારા સર્જક શબ્દો પાસે કેવી કરામતથી ધાર્યું કામ કઢાવી લે છે એનું આ સબળ દૃષ્ટાંત કહી શકાય. ગીતમાંથી પસાર થતાં ટાગોરનું ભાવવિશ્વ સાદૃશ થતું પણ અનુભવાય છે. એકના એક શબ્દો અને શબ્દસમૂહની પુનરુક્તિ સાથે કેવળ કથનકેન્દ્રમાં પરિવર્તન કરી કવિએ સરસ ગીત નિપજાવ્યું છે. ચૂપ થઈ જવાના ફરમાનને વશ થયાની પ્રતીતિ કરાવવા નાયિકાએ હોઠ સાથે આંખો પણ બીડી દીધી છે. પણ નાયકના તાતા શબ્દતીરને જે ગણનામાં જ લેનાર નથી એ મૌન કંઠના ગાનને સાજન કોઈ કાળે રોકી શકનાર નથીનો વિશ્વાસ પ્રથમ બંધમાં પ્રકટ થાય છે. ખોટુકડો ગુસ્સો દેખાડતા નાયકના હૃદયથી સરીને નાયિકાના રોમેરોમને ચંદનલેપની શીતળતા બક્ષતા ગાનને નાયક કેમેય અટકાવી શકનાર નહીં હોવાનો આત્મશ્રદ્ધાનો રણકો રચનાને વધુ રૂડી બનાવે છે.



SANJAY NATWARLAL MISTRY said,
January 29, 2026 @ 12:45 PM
IT IS BETTER TO BE
KING OF YOUR SILENCE
THAN A SLAVE OF YOUR WORDS !
~ William Shakespeare
Jigna vohra said,
January 29, 2026 @ 1:45 PM
જેટલો સરસ ભાવ એટલો જ ભવ્ય ભાષા વૈભવ.
રક્ત અને રિક્ત વાપરીને રચેલી ઇન્ટર્નલ rhyme પણ ગમી. ગીત અને વિવેચન બેવ સમૃદ્ધ 🌹🌹
Jigisha Desai said,
January 29, 2026 @ 2:11 PM
વાહ….ખૂબસરસ ગીત
જ્યોતિ રામાણી said,
January 29, 2026 @ 7:34 PM
સંવેદન નિતરતું ગીત.. ખુબ સરસ 👌
કિશોર બારોટ said,
January 29, 2026 @ 10:52 PM
સુંદર ગીત. 👌
અભિનંદન 🌹
દત્તાત્રય ભટ્ટ said,
January 30, 2026 @ 7:26 AM
મૌનનું કાર્યાન્વિત સ્વરૂપ એટલે શબ્દ! સ-રસ!!
Kishor Ahya said,
February 5, 2026 @ 11:52 PM
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને ખરા અર્થમાં સમર્પિત થાય છે ત્યારે બે શરીર તો અલગ હોય છે પણ બંનેના આત્મા એક થઈ જાય છે. મનુષ્યમાં રહેલ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવત ગીતામાં વર્ણવેલી આઠ જડ પ્રકૃતિમાની એક પ્રકૃતિ અહંકાર સમર્પિત અવસ્થામાં નામશેષ થાય છે.
અબોલા –સુ શ્રી ઉષા ઉપાધ્યાયનું આ ગીત ખુબજ મીઠું ગીત છે.જે વાચતા મન પ્રફુલિત બને છે. નાયકા નો નાયક પ્રત્યેનો અહમ ભાવ નીકળી ગયો છે. દરેક પંક્તિ ભાવવિભોર કરી દે તેવી સુંદર છે. નાયકા નાયક ને સંપૂર્ણ સમર્પિત છે અને સમર્પિત થવા પણ સક્ષમતા જોઈએ, એ નાયકા પાસે છે. નાયકના હૃદયમાં કોઈ અહમભાવ નથી.
જ્યાં પ્રેમ હોય ત્યાં અહમ ને કોઈ સ્થાન હોતું નથી. સમયાંતરે આવો પ્રેમ મનુષ્યને ઇશ્વર પ્રત્યે સમર્પિત કરી દે છે.
ખૂબ મજાનું ગીત, તેમજ તેમનો કાવ્ય સંગ્રહ ‘તેજ નો તરાપો લઈને’ ને ખૂબ ખૂબ આવકાર. . .. શ્રી વિવેકભાઈએ ગીતની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે. ધન્યવાદ.
🌹🌹🌹🌹