હળવેથી પગલું મેલ – નિરંજન ભગત
પદમણી, હળવેથી પગલું મેલ,
આજ તારું હૈયું છલકે કે હેલ?
કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી
. પહેલા પરોઢને પ્હોર,
ગમતીલા ગરવા નરવા તે સૂરથી
. સુણ્યો મધુરવો મોર?
આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!
તારી તે પાનીને જોઈ જોઈને
. પોયણી શી શરમાય,
દિલની દાઝેલીની રોઈ રોઈને
. કાયા તે શી કરમાય!
આજ તારી રખે રોળાય રંગરેલ!
સૂના સરવરિયે પાણીડે જાતાં
. પ્રગટ્યા શું ભવના ભોર?
આછેરા વાયરા અંગ અંગ વાતાં
. સપનોના સરક્યા દેાર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
– નિરંજન ભગત
શાળામાં ભણતો હતો ત્યારે આ ગીત ક્યાંક વાંચવામાં આવ્યું હતું. વાંચવામાં તો શું આવ્યું હોય, કારણ વાંચી શકાય એવું તો આ ગીત છે જ નહીં. ફરજિયાત ગણગણવું જ પડે એવું લયાત્મક છે આ ગીત. પણ એ દિવસથી ગીત તો અડધું પડધું યાદ રહી ગયું, કવિનું નામ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. કંઈ કેટકેટલા વરસોથી આ ગીત લયસ્તરો પર મૂકવાની નેમ હતી, પણ કવિનું નામ જડે ત્યારે ને! શક્ય બને એટલા પ્રયાસો કરી હાથ હેઠા મૂકી દીધા હોવાની કોઈક પળે અચાનક બૃહદ છંદોલયમાંથી આ રચના ‘હાઉક’ કરતીક સામે આવી ચડી… આ આનંદને આપ સહુ સાથે સહિયારું નહીં એ તો કેમ બને? લ્યો તારે, વાંચો, સોરી, ગણગણો, સોરી, ગાવ આ ગીત…
ચાર અક્ષરના એક જ શબ્દમાં નાયિકાના રૂપનું સાંગોપાંગ વર્ણન કરી કવિએ ગીતને ઉપાડ આપ્યો છે… પદમણી કહી દો પછી બીજું શું કહેવાનું બાકી રહે? કામશાસ્ત્રમાં સ્ત્રીઓના ચાર પ્રકાર વર્ણવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણવતી તે પદમણી-પદ્મિની. આગળનું ગીત જાતે જ માણીએ?


Yogesh Pandya said,
April 22, 2026 @ 11:53 AM
વાહ! અદ્ભુત ગીત!
યોગેશ પંડ્યા said,
April 22, 2026 @ 5:45 PM
વાહ..અદ્ભુત ગીત!
Varij Luhar said,
April 22, 2026 @ 7:06 PM
વાહ.. ખૂબ સરસ
Uma Doshi said,
April 22, 2026 @ 9:19 PM
અર્થ સાથે શબ્દાનુપ્રાસ અન્ત્યાનુપ્રાસ નો સુંદર સમન્વય
Poonam said,
April 24, 2026 @ 8:43 PM
પદમણી, હળવેથી પગલું મેલ,
આજ તારું હૈયું છલકે કે હેલ? Sundar !
– નિરંજન ભગત –
Aaswad 👌🏻
Nitin Parekh said,
April 25, 2026 @ 12:06 PM
ખૂબ જ સરસ લયમય રચના. પહેલીવાર જ વાંચી.
Kishor Ahya said,
April 26, 2026 @ 5:36 PM
સૂના સરવરિયે પાણીડે જાતાં. પ્રગટ્યા શું ભવના ભોર?આછેરા વાયરા અંગ અંગ વાતાં. સપનોના સરક્યા દેાર?આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
હળવેથી પગલું મેલ – નિરંજન ભગત કૃત આ રચનામાં પ્રિયતમાના સૌંદર્યની પ્રસંશા કવિએ અતિ સુંદર શબ્દોમાં વર્ણવી છે. દરેક પંક્તિમાં સૌદર્ય અને ભાવોનું અનેરું નિરૂપણ છે. છેલ્લી પંક્તિની છેલ્લી લીટી…
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ? જરા વિચારણીય છે. નાવલિયાની વ્હેલ? એટલે ?
દરિયાય નાવિકની એક ઇચ્છા નિરખીને વ્હેલ માછલીને જોવાની હોય છે, આ સંદર્ભે અહીં આ ઉપમા લઈને નાયક તેની પ્રિયતમાને કહે છે
“આછેરા વાયરા અંગ અંગ વાતાં
સપનોના સરક્યા દેાર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?”
મીઠા મીઠા વાયરા વાય રહ્યા છે, કલ્પનાના દોર વહી રહ્યા છે એમાં નાવિક વ્હેલ નિરખીને જુએ છે તેમ આજે તું પણ મને કલ્પનામાં નિરખે છે ?
શ્રી વિવેકભાઈએ ગીતની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
વિવેક said,
April 27, 2026 @ 10:54 AM
સમય ફાળવીને ટિપ્પણી કરનાર સહૃદય ભાવકોનો દિલથી આભાર
વિવેક said,
April 27, 2026 @ 11:05 AM
@કિશોર પાહ્યા:
હંમેશની જેમ સમય કાઢીને વિસ્તારપૂર્વક આપનો અભિપ્રાય તથા રચનાનો આસ્વાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર… એક તર્કદોષ તરફ આપનું ધ્યાન દોરવા ઇચ્છીશ…
ગામડાના નાયકની અભિવ્યક્તિનુંં આ ગીત છે… આમાં વ્હેલ માછલી ન આવે.. વ્હેલ એટલે વેલ= વરકન્યાની જાનનું ગાડું કે માફાવાળો રથ.નાવલિયો એટલે પતિ.
નાયક નાયિકાને સવાલ કરે છે –
સૂના સરવરિયે પાણીડે જાતાં
. પ્રગટ્યા શું ભવના ભોર?
આછેરા વાયરા અંગ અંગ વાતાં
. સપનોના સરક્યા દેાર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
સૂના સરોવરે પાણી ભરવા જતાં આજે ભોર-અજવાસ જેવું કેમ તને અનુભવાય છે? આછો વાયુ શરીરને અડતાં સ્વપ્નોની દુનિયામાં કેમ સરકી ગઈ છે? તને મારું (તારા ધણીનું) ગાડું તને લેવા આવતું નજરે ચડે છે કે શું? એટલે તારું હેલ અને હૈયું બંને છલકી રહ્યાં છે કે શું? જરા હળવેથી પગલું મેલ…
Kishor Ahya said,
April 27, 2026 @ 1:42 PM
શ્રી વિવેકભાઈ, આપે તર્કદોષ અંગે મારું ધ્યાન દોર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.પ્રથમ દ્રષ્ટિએ આ શબ્દોના અર્થ ન સમજાતા હોવાથી મીડિયા મારફત સમજવા પ્રયત્ન કરેલ ત્યાં મેં દર્શાવેલ છે એવો અર્થ મળેલ પરંતુ વ્હેલ અને વેલ બને શબ્દો જાનના ગાડા માટે વપરાય છે એ અંગે આપે જે અર્થ બતાવ્યો છે તે ગીતના ભાવ સાથે એકદમ બરાબર છે. આપની લાગણી બદલ ખૂબ ખૂબ આભાર.
🌹🌹🌹🌹
Manoj Shukla said,
May 4, 2026 @ 9:14 AM
વાહ, સરસ ગીત – ગાવા- ગણગણવા મળ્યાનો આનંદ 👌