મજા છે દૂર રહેવામાં! – પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!
ઊગે આકાશે ભાનુ કમળનું મુખડુ મલકે,
રવિને સ્પર્શવા કરતાં મજા છે દૂર રહેવામાં!
બજે જયાં બિન મીઠું ત્યાં ન હરણી આવજે પાસે,
વિંધાવુ બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં!
ચકોરી દૂરથી નાચે, ન ઊડી ચંદ્રને ભેટે,
કલંકો વેઠવા કરતાં મજા છે દૂર રહેવામાં!
મધુરા વાયુ લહેરાતા, મધુકર મોહ ના કરજે;
કુસુમના કેદખાનાથી, મજા છે દૂર રહેવામાં,
પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું,
દીપકમાં દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં!
તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!
– પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
(જન્મ: ૨૪-૦૨-૧૯૦૨, નિધન: ૧૦-૧૦-૧૯૯૨) વિશેષ પરિચય: ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?



MAYANK SUMANTRAI TRIVEDI said,
April 11, 2026 @ 11:18 AM
મજા આવી ગઈ
DILIP DHOLAKIYA said,
April 11, 2026 @ 11:48 AM
સરસ રચના…
Vrajlal Savaliya said,
April 11, 2026 @ 11:52 AM
નજીક જવાના ભયસ્થાનોના સુંદર ઉદાહરણો સાથેના નિરૂપણની સરસ કવિતા
Kishor Ahya said,
April 11, 2026 @ 1:50 PM
તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!
રમુજી શૈલીમાં લખાયેલી આ ગઝલમાં સરસ બોધ પણ નથી?
કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!
કવિ શ્રી ‘ત્રાપજકર’ની રચના “મજા છે દૂર રહેવામાં!” કહેવત “દૂર થી ડુંગર રળિયામણા” ની યાદ અપાવે છે.
શ્રી વિવેકભાઈએ કવિ શ્રી ‘ત્રાપજકર’ જેવા કવિઓએ ગુજરાતી ગઝલને મશહૂર કરવામાં આપેલા પ્રદાન વિશે વાત કરી. એક સમય એવો હતો ગઝલમાં વધારે ઉર્દૂ શબ્દો તે ગઝલની વાહ વાહ! આજે પણ હિન્દી ગઝલોમાં ઉર્દૂ વધારે જોવા મળે છે ભાષા સામે કોઈ તકરાર નથી પણ ગઝલના શબ્દો સમજાય નહી તે સમયની વ્યર્થતા છે. ઉર્દૂ શબ્દોને બદલે આજે ગુજરાતી ભાષાના જાજે ભાગે વિલુપ્ત થયેલા શબ્દોનો ઉપયોગ જોવા મળે છે આવી ગઝલ ખૂબ સરાહના પામે છે ને પ્રચલિત પણ થાય છે. ગુજરાતી વિશ્વકોશ અને ભગવત ગો મંડળમાં આવો શબ્દ સંગ્રહ સચવાયેલો એ આપણું સદભાગ્ય છે.
https://www.gujaratilexicon.com web પર વિશાળ શબ્દ ભંડોળ ઉપલબ્ધ છે.
ગુજરાતી ગીત-ગઝલમાં આવા શબ્દો પુન: ચલિત થઈ રહ્યા છે એ આનંદની વાત છે. ગુજરાતી ગઝલને વિશ્વસ્તરે પ્રચલિત કરવામાં ‘લયસ્તરો’ જેવી સબળ વેબસાઇટનો અમૂલ્ય ફાળો રહ્યો છે એ કેમ ભૂલાય?
🌹🌹🌹🌹
Kishor Ahya said,
April 11, 2026 @ 2:40 PM
ક્ષમા..ખરો શબ્દ ‘ભગવદ્ગોમંડલ’ છે.
Arvind Bhatt said,
April 11, 2026 @ 6:38 PM
સરસ.. સ્મરણો તાજાં કરાવ્યાં. આભાર.
DILIPKUMAR CHAVDA said,
April 11, 2026 @ 7:21 PM
પ્રભુએ વાહ વાહ વાહ
ખુબ જ સુંદર ગઝલ
Shailesh Gadhavi said,
April 12, 2026 @ 8:37 AM
સુંદર રચના!
Rakesh Thaker said,
April 13, 2026 @ 11:51 AM
વાહ રે વાહ જીવો કવિ હર હૃદય માં…દિલ ઝૂમી જાય એવી રચના
Dr Sejal Bhvesh Desai said,
April 17, 2026 @ 6:36 AM
વાહ..મજા છે દૂર રહેવામાં