શબ્દ-શબ્દ ના કરો,
મૌન છે ખરી બચત.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’

પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મજા છે દૂર રહેવામાં! – પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’

કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!

ઊગે આકાશે ભાનુ કમળનું મુખડુ મલકે,
રવિને સ્પર્શવા કરતાં મજા છે દૂર રહેવામાં!

બજે જયાં બિન મીઠું ત્યાં ન હરણી આવજે પાસે,
વિંધાવુ બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં!

ચકોરી દૂરથી નાચે, ન ઊડી ચંદ્રને ભેટે,
કલંકો વેઠવા કરતાં મજા છે દૂર રહેવામાં!

મધુરા વાયુ લહેરાતા, મધુકર મોહ ના કરજે;
કુસુમના કેદખાનાથી, મજા છે દૂર રહેવામાં,

પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું,
દીપકમાં દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં!

તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!

– પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
(જન્મ: ૨૪-૦૨-૧૯૦૨, નિધન: ૧૦-૧૦-૧૯૯૨) વિશેષ પરિચય: ગુજરાતી વિશ્વકોશ

ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?

Comments (10)