ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ
ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!
નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.
નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?
મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.
– રમેશ પારેખ
આજે ર.પા.ની જન્મજયંતી નિમિત્તે એક મસ્ત મજાની રચના… છ દોહાઓની સિક્સર પણ કહી શકો એને.
pragnajuvyas said,
November 27, 2021 @ 10:46 AM
જન્મજયંતી નિમિત્તે સહૃદય શ્રધાંજલિ.
રપાના ખૂબ સુંદર દુહા,
જયેન્દ્ર ઠાકર said,
November 28, 2021 @ 11:52 AM
એક મસ્ત મજાની રચના..ખરે ખર!! વાંચતા જ મુખ પર સ્મિત આવી જાય.
Dr Heena Yogesh Mehta said,
November 28, 2021 @ 9:56 PM
અતિ સુંદર, ભાવવિભોર શબ્દોમાં, સહજતાથી લખેલી કવિતા!!
Anila Patel said,
November 29, 2021 @ 1:43 AM
અતિ સુંદર રચના.