આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

(અન હાય,તમારી…….) – રાહુલ તુરી ‘ઝીલ’

અન હાય, તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ, અમોને આમ અચાનક અધવચ મૂકી, સઘળું લૂંટી, નેહ અમારો તરછોડીને ચાલ્યા ક્યાં પરબારા?
અન હાય, અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો, આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું? આપો અર્થહીણ હુંકારા..

અન હાય, અમારા અડવા હાથોની રેખામાં ‘તમે હતાં’ની કેટકેટલી જણસ ભૂંસાણી, અભાગણી હું! કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
અન હાય, અમારી છાતી છૂંદ્યા કોડ અમારા, કૈંક અભરખા, કૈંક અબળખા, બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?

અન હાય, તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી, નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય, અમારી અઢળક આખી જાત ઉપર આ ‘તમે હતા’નું સુખ હતું ને ‘તમે હતા’ની હતી દીવાલો, મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..

અન હાય,તમારી…….

– રાહુલ તુરી ‘ઝીલ’

સારો કવિ એ જે કવિતાને ઉપકારક નીવડે એ રીતે કાવ્યસ્વરૂપને ખપમાં લઈ જાણે. અન્ય કાવ્યોથી વિપરિત કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને અસીમ આઝાદી આપે છે. પ્રસ્તુત ગીતમાં કવિએ ગીતસ્વરૂપ તરફથી સાંપડતી સ્વતંત્રતા અને શક્યતાઓને કેવી સ-રસ રીતે નાણી છે એ જોવા જેવું છે. ઘરનો, જીવનનો મોભી ભરયુવાનીમાં સ્ત્રીને ભવાટવિમાં એકલી છોડીને મોટા ગામતરે જવા નીકળી જાય એ પછી અંતરમાંથી ઊઠતી ચીસનું આ ગીત છે. અકાળે વૈધવ્ય જેના માથે આવી પડ્યું છે, એનો આર્તનાદ, એનો વિલાપ કંઈ નાનોસૂનો હોય! ગીતકાવ્યમાં સામાન્યરીતે જોવા મળતી પંક્તિલંબાઈથી દોઢ-પોણા બે ગણી વધુ લંબાઈની પંક્તિ નાયિકાની પીડાને વાચા આપવામાંવધુ સહાયક થઈ હોય એવું નથી અનુભવાતું? ગીતના શબ્દોની સાથોસાથ પંક્તિલંબાઈ પણ નાયિકાના મનોભાવનેઉજાગરા કરવામાં મદદરૂપ થઈ છે…

14 Comments »

  1. પૂજ્ય બાપુ said,

    May 10, 2025 @ 10:37 AM

    ખૂબ સશક્ત ગીત છે… મજા આવી ગઈ.

  2. RB RATHOD said,

    May 10, 2025 @ 10:40 AM

    વાહ
    ખૂબ સરસ ગીત

  3. Neha said,

    May 10, 2025 @ 10:49 AM

    સમયોચિત પોસ્ટ.
    રાહુલભાઈને સુંદર કૃતિ માટે અભિનંદન..

  4. Dipak Peshwani said,

    May 10, 2025 @ 10:51 AM

    વિરહની વેદના બખૂબી વણી છે. કવિને અભિનંદન.

  5. વ્રજેશ મિસ્ત્રી said,

    May 10, 2025 @ 10:57 AM

    મજા આવી

  6. Hiren Dobariya said,

    May 10, 2025 @ 11:03 AM

    વાહ…👌

  7. કમલ પાલનપુરી said,

    May 10, 2025 @ 12:05 PM

    Waaah
    ગમતા કવિ…❤️
    ગમતી રચના…

  8. Rakesh Thaker said,

    May 10, 2025 @ 12:07 PM

    આવરદા ને કેમ કરીને વાઢું એકદમ… હૃદય દ્રાવક…. સહસ્ત્ર સલામ એ વીરોની મા ને વહુવારુ ને

  9. uday maru said,

    May 10, 2025 @ 12:09 PM

    વાહ

  10. Anjana bhavsar said,

    May 10, 2025 @ 12:13 PM

    Heart touching..

  11. tanu patel said,

    May 10, 2025 @ 3:30 PM

    ‘તમે હતા’ની હતી દિવાલો,,વિધવાની મનોવેદના

  12. રિયાઝ લાંગડા ( મહુવા) said,

    May 10, 2025 @ 5:32 PM

    વાહ…ખૂબ સરસ રચના

  13. Ramesh Maru said,

    May 10, 2025 @ 10:20 PM

    વાહ…

  14. Kishor Ahya said,

    May 11, 2025 @ 3:32 PM

    (અન હાય,તમારી…….) – રાહુલ તુરી ‘ઝીલ’
    અન હાય!તમારી જાણનારીની ગાંઠે બાંધ્યા ગરથ. સ્ત્રીઓ સામાન્ય રીતે તેમના પૈસા તેમણે પહેરેલા સાડલાના છેડે મૂકી,તે પર ગાંઠ બાંધી સાચવે છે , જેને ગરથ( મૂડીં ) કહેવાય છે .અહીં એક સ્ત્રીના જીવનસાથીના દેહ વિલય થતા તેમની સ્ત્રીને થતી વેદનાની વાત છે, જેમાં સ્ત્રી તેના મૃત્યુ પામેલા પતિને સંબોધન કરીને કહે છે, અન હાય! તમારી જણનારીની ગાંઠે બાંધેલ ગરથ, તમે એમને અચાનક અધવચ મૂકી પરબારા ક્યાં ચાલ્યા? ખુબજ કરુણ કાવ્ય છે,મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ . નજર અમારી ફળીયુ ફેંદી રહી ક્યાંક ખોડાઈ. આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈ હું ખાળું?
    અભાગણી હું કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
    એક એક પંક્તિ આંખ ભીની કરી દે તેવુ દર્દથી ભરેલું કાવ્ય છે.

    પહેલાના સમયમાં ફરી વિવાહ કરવાની પ્રથા ન હતી તેથી નાની વયમાં વિધવા થયેલ સ્ત્રીને લાંબી ઝીંદગી એકલપણામાં
    ગુજારવી પડતી, પૂરી ઝીંદગી દુઃખ દર્દથી ભરેલી, સમાજમાં તેમનું સ્થાન નીચું ગણવામાં આવતું ,સારા વસ્ત્રો પહેરવાની છૂટ ન હતી તેમજ સારા પ્રસંગોમાં તેની ઉપસ્થિતિને પણ નગણ્ય ગણવામાં આવતી. સમય જતા વધતા શિક્ષણના વ્યાપને લીધે પરિસ્થિતિ બદલાઇ પણ જીવન સાથીની વિદાઇ પછી દિલમાં થતા દર્દ થોડા બદલાય શકે? અને કેટલાક વર્ગમાં આટલું શિક્ષણ હોવા છતાં રિવાજો તો આજે પણ એમજ છે, આથી કાવ્ય આજના સમયમાં પણ એટલુજ પ્રસ્તુત છે. કાવ્યના અર્થ સરળ છે, વિવેકભાઈએ કહ્યું તેમ થોડી લાંબી પંક્તિઓ નાયિકાના શબ્દોને વાચા આપવા જરૂર મદદગાર થાય છે.

    કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ અને લયબદ્ધ કાવ્ય છે, વિવેકભાઈ એ કાવ્યનો સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment