કદીક મન થશે અણનમ સરોને ઝૂકવાનું
આ પથ્થરો અને ઈશ્વર કશું નકામું નથી.
-રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાહુલ તુરી

રાહુલ તુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી

બાજત શબદ મૃદંગા,
સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.

હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,
અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર.
અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા…

રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા…

– રાહુલ તુરી

મિશ્ર બોલીમાં રચાયેલ આ ગીત એના શ્રુતિસૌંદર્યને કારણે વાંચતા, સોરી, ગણગણતાવેંત આકર્ષી લે છે. પ્રવાહી લયોપરાંત પંક્તિએ-પંક્તિએ આંતર્પ્રાસાવલિ અને વર્ણસગાઈના રણકારના કારણે એક વાચ્યચિત્ર આંખો સમક્ષ ખડું થાય છે.

હું આધ્યાત્મમાર્ગનો અભ્યાસી નથી એટલે કાવ્યમાં રજૂ થયેલ આધ્યાત્મ-ફિલસફીની ગુણવત્તા વિશે કશું કહી શકવાને સમર્થ નથી, પણ જે વાચ્યાર્થ મને સમજાયો છે તે આ મુજબ છે: શબ્દને આપણે ત્યાં બ્રહ્મ ગણવામાં આવ્યો છે. એથી જ શબ્દનું મૃદંગ વાગતાવેંત સુરતાલ અને લય બધાનો વિલય થઈ જાય છે. માણસનાં હાલચાલ અને કાયા ઉપર અજબ તેજનો અંબાર છવાઈ જાય છે. ત્રિલોકને તાગી શકે એવી અપાર દિવ્ય દૃષ્ટિ સાંપડે છે. અટલ, અવિચળ અનાહતનાદ ગૂંજતા અનહદ આનંદાનુભૂતિમાં માનવમન સરી પડે છે. અવાજ અને મૌન –બંને નાશ પામે, હૃદયના થડકારા પણ સ્થિર થઈ જાય એવી સમાધિની અવસ્થામાં અસ્તિત્વના રૂંવેરૂંવા આકાશ બની રહે અને ધરતી યજ્ઞ બની રહે છે. સંસાર શૂન્ય બની રહે છે. જે પરાપૂર્વથી અકળ અને અગોચર રહ્યો છે એવા અડીખમ અચરજ સમા ઈશ્વરના સાક્ષાત્કારની આ ક્ષણે શબ્દના મૃદંગ અને અનહદ આનંદ સિવાય કશું જ બચતું નથી.

(સરભંગા=સર્વાંગી; બધામાં મળી જાય તેવું; ખલક=દુનિયા; ફલક=આકાશ, સ્વર્ગ; અરુ=અને)

Comments (14)

(અન હાય,તમારી…….) – રાહુલ તુરી ‘ઝીલ’

અન હાય, તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ, અમોને આમ અચાનક અધવચ મૂકી, સઘળું લૂંટી, નેહ અમારો તરછોડીને ચાલ્યા ક્યાં પરબારા?
અન હાય, અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો, આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું? આપો અર્થહીણ હુંકારા..

અન હાય, અમારા અડવા હાથોની રેખામાં ‘તમે હતાં’ની કેટકેટલી જણસ ભૂંસાણી, અભાગણી હું! કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
અન હાય, અમારી છાતી છૂંદ્યા કોડ અમારા, કૈંક અભરખા, કૈંક અબળખા, બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?

અન હાય, તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી, નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય, અમારી અઢળક આખી જાત ઉપર આ ‘તમે હતા’નું સુખ હતું ને ‘તમે હતા’ની હતી દીવાલો, મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..

અન હાય,તમારી…….

– રાહુલ તુરી ‘ઝીલ’

સારો કવિ એ જે કવિતાને ઉપકારક નીવડે એ રીતે કાવ્યસ્વરૂપને ખપમાં લઈ જાણે. અન્ય કાવ્યોથી વિપરિત કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને અસીમ આઝાદી આપે છે. પ્રસ્તુત ગીતમાં કવિએ ગીતસ્વરૂપ તરફથી સાંપડતી સ્વતંત્રતા અને શક્યતાઓને કેવી સ-રસ રીતે નાણી છે એ જોવા જેવું છે. ઘરનો, જીવનનો મોભી ભરયુવાનીમાં સ્ત્રીને ભવાટવિમાં એકલી છોડીને મોટા ગામતરે જવા નીકળી જાય એ પછી અંતરમાંથી ઊઠતી ચીસનું આ ગીત છે. અકાળે વૈધવ્ય જેના માથે આવી પડ્યું છે, એનો આર્તનાદ, એનો વિલાપ કંઈ નાનોસૂનો હોય! ગીતકાવ્યમાં સામાન્યરીતે જોવા મળતી પંક્તિલંબાઈથી દોઢ-પોણા બે ગણી વધુ લંબાઈની પંક્તિ નાયિકાની પીડાને વાચા આપવામાંવધુ સહાયક થઈ હોય એવું નથી અનુભવાતું? ગીતના શબ્દોની સાથોસાથ પંક્તિલંબાઈ પણ નાયિકાના મનોભાવનેઉજાગરા કરવામાં મદદરૂપ થઈ છે…

Comments (14)

(ઉન્નત ધવલ પયોનિધિ છલકત) – રાહુલ તુરી

ઉન્નત ધવલ પયોનિધિ છલકત, મલકત બાળ નિહાર.
માતવદન મૃદુ હેત કરીને પીરસત પયરસ ધાર.

ઉત્સંગ મહી પોઢયું પેટ સ્વયંનું
નીરખીને હરખાય.
રમત કરત બહુ બાલમુકુંદમ્
હસત હસત વલખાય.
મમતભરી આંગળીયો હેતે ઘટ્ટ અલક પસવાર.

કાળજયી કાલાતીત દૃશ્યમ્
નૈન ભરત ઉર માહી.
ભાવ અલૌકિક અદ્દભુત
આહ્લાદક અવર કશે આ નાહી.
એકમેવમાં સકલ સચરાચર પામત સુક્ષમ સાર.

– રાહુલ તુરી

આજની ગુજરાતી કવિતા દકિયાનૂસી રહી નથી અને આજના કવિઓની કલમ ચાર-પાંચ રેઢિયાળ વિષયોના કુંડાળામાં ફયા કરવાના બદલે સર્વગ્રાહી બની છે અને ગુજરાતી કવિતામાં જવલ્લે જ જોવા મળ્યા હોય એવા વિષયોમાં પણ ધનમૂલક ખેડાણ કરે છે એની પ્રતીતિ આ રચના કરાવે છે. બાળકને સ્તનપાન કરાવતી માતાનું આવું દૃશ્યચિત્ર આપણી કવિતામાં કદાચ જ જોવા મળે. એમાંય કવિએ તુલસીદાસના ‘ठुमक चलत रामचंद्र, बाजत पैंजनियां’ની યાદ અપાવે એવી અવધી ભાષાને ગુજરાતી સાથે સંમિલિત કરીને અલગ જ ‘ફ્લેવર’ સર્જી છે. શુભ્ર સ્તનયુગ્મમાંથી સાગર છલકાતો જોઈ બાળક મલકી રહ્યું છે. માતા પ્રેમપૂર્વક એને દૂધપાન કરાવી રહી છે. ખોળામાં પોતાના જ પેટને હસતું-રમતું-વલખાતું જોઈને એની સંગ માતા પણ હરખી રહી છે. બાળકની ઘટ્ટ લટોને એ મમતાભરી આંગળીઓથી પસવારે છે. સમગ્ર સંસારમાં વાત્સલ્યને વ્યાખ્યાયિત કરતાં આ દૃશ્યને કવિ યથાર્થ રીતે જ કાળજયી અને કાલાતીત લેખાવે છે. આવો અલૌકિક, અદભુત અને આહ્લાદક ભાવ સંસારમાં બીજે ક્યાંય જડી શકે નહીં. સ્નેહસરવાણીની આ એક માત્ર પરિભાષા સકળ સચરાચર માટે પ્રેમનો સૂક્ષ્મ સંદેશ પૂરી પાડે છે.

Comments (19)

હંઅ ન્ ઓવ્અ – રાહુલ તુરી

હંઅ ન્ ઓવ્અ, મારી દશમન મારી હોશ તમોંન્ ફુટે કાળો કોડ, તમોંન્ જુઅ મારો રોમ,
તમારું જાય મૂળથી…

હંઅ ન્ ઓવ્અ,મારી બૈ જલમની પેટ બળેલી,કરમ ફૂટેલી,
અભાગણી આ કંકુવરણી કાયા ઇમાં હુંય કરું શું?
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ એટલે મેલાઘેલા લુગડે
ઈંન્ જેમતેમ હું ઢોકી રાખી જગ આખાથી બહુ બીવું સુ

હંઅ ન્ ઓવ્અ, મારા રંડાપા પર કરી ઓંગળી ચીયા ભવોનું વેર વાળવા કરો તમે રે ઓમ,
તમારું જાય મૂળથી…

હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી હાહરવેલે એક રહ્યુ ના પોન લીલુંડુ,
મર્યા માવતર પિયરવાટે ધૂળ ઉડે રે
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી લીલુંડી કાયાની માથે
જાત જાતની વાત ભરેલું કાળમીંઢ આકાશ તુટે રે

હંઅ ન્ ઓવઅ,મારી ખૂટી ગયેલી ધરપત ઉપર પીઠ પસવાડે ખડખડ ખડખડ દાંત કાઢતા ગોમ,
તમારુ જાય મૂળથી…

– રાહુલ તુરી

ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં એક અત્યંત ભાવવાહી ગીત. સ્ત્રીની સંવેદના, પુરુષની જબાને. સ્ત્રીનો એકમાત્ર સાથી એનો પતિ. સ્ત્રીની ગોદ ભરાય એ પહેલાં જ એ અકાળે ગુજરી ગયો. મા બનવાના સુખથી વંચિત રહી ગયેલી આ વિધવા વળી સુંદર પણ છે ને આ સૌંદર્ય જ એનું દુશ્મન છે. ગીતની દરેક કડી ‘હંઅ ન્ ઓવઅ’થી પ્રારંભાય છે. સીધી ભાષામાં આનો મતલબ ‘હા અને હોવ્વે’ કરી શકાય પણ આ લટકણિયું દરેક પંક્તિની આગળ લગાડીને કવિ ન માત્ર વાતચીતનો કાકુ સિદ્ધ કરે છે, પુનરોક્તિના શસ્ત્ર વડે સ્ત્રી-સંવેદનાની ધાર પણ યથેચ્છ કાઢે છે. વળી, ‘તમારું જાય મૂળથી’ પછી ‘નખ્ખોદ’ શબ્દ ન લખીને કવિ એ ન કીધેલા શબ્દને વધુ અસરદાર બનાવી શક્યા છે.

એક તરફ પોતાની દુશ્મન સ્ત્રીઓને કાળો કોઢ ફૂટે એવો શ્રાપ પણ એ આપે છે તો બીજી બાજુ મારો રામ તમને જોઈ લેશે એવી ચીમકી પણ આપે છે. મારી બૈ યાને મારી બાઈ. વિધવા પોતાની સખી કે સાથી સ્ત્રી આગળ આજે પેટછૂતી વાત કરવા બેઠી છે એટલે એને સંબોધીને વાત કરે છે. એ પોતાને જનમથી પેટ બળેલી, કરમ ફૂટેલી કહે છે. અભાગણીને ખબર છે કે એની કાયા કંકુવરણી છે, ને એટલે જ લોકોની મેલી દૃષ્ટિ ન પડે એ ખાતર પોતે મેલા લૂગડે એને ઢાંકી રાખે છે. તોય વેરી દુનિયા એના તરફ આંગળી કરી ભગવાન જાણે કયા જનમનું વેર વાળે છે એ એને સમજાતું નથી. સાસરામાં એકેય જુવાનિયા નથી, જે એને હિંમત-સાથ આપે અને માવતર પણ પરણાવી દીધા પછી જાણે કે મરી પરવાર્યા છે. એટલે પિયરની વાટ પણ લઈ શકાય એમ નથી. લોકો જાતજાતની વાત કરે છે, જાણે લીલા ઝાડ ઉપર કાળમીંઢ આભ ન તૂટી પડતું હોય! એકલવાયી બાઈની ધરપત ખૂટી ગઈ છે પણ ગામ પીઠ પાછળ દાંતિયા કરવાનું ચૂકતું નથી.

કહે છે કે જમાનો બદલાઈ ગયો છે. લોકો વધુ સમજદાર થયા છે પણ અંતરિયાળ ગામોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ઝાઝી બદલાઈ નથી. એમની દુર્દશામાં ભાગ્યે જ સુધારો આવ્યો છે. વૈધવ્યને હજી આજેય સ્ત્રીનો ગુનો માણીને એને ચૂંથવા સુધરેલા ગીધડાંઓ ટાંપીને જ બેઠાં છે… રાહુલ તૂરીનું ગીત વિધવા સ્ત્રીની કરુણતાને હૃદયવિદારક રીતે રજૂ કરે છે…

Comments (6)