ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
.                                       …આપણી!

.          એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
.          આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
.                            એકલી ઝૂરે છે અભાગણી.

.          હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
.          સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
.                        રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

શબ્દ બે ધારી તલવાર છે. યોગ્ય રીતે વાપરવામાં આવે તો જંગ જીતી શકાય અને અયોગ્ય રીતે વાપરો તો જીતેલી બાજી પણ હારી જવાય. પોતાના જ શબ્દોનો માર ખાધેલ બે પ્રિયજનની સમ-વેદનાનું આ સહિયારું ગાન છે. વાતને ઝરૂખે એક લાગણી ઝૂરી રહી છે. કોની? તો કે આપણી. મુખડાની બીજી પંક્તિમાં પરંપરા મુજબ આખું વાક્ય વાપરવાના બદલે કવિએ માત્ર એક જ શબ્દ –આપણી- વાપરીને સહિયારાભાવને કેવો અધોરેખિત કરી બતાવ્યો છે! આપણે એકબીજાને જે કહ્યું છે એ વાતો જ આપણને અલગ કરતી વાડ બની ગઈ છે. સંગાથમાં પાણીની જેમ વહેતો સમય હવે થીજી ગયો છે. એક એક પળ પણ પહાડ જેવી વિરાટ ભાસે છે. રાતરાણીની સુગંધને પીઠ પર સવારી કરાવી ગામ આખાને તરબતર કરતો વાયરો સાથમાં હોવા છતાં અભાગણી રાતરાણી એકલી ઝૂરી રહી છે. એના પમરાટનો પાગલ એની સાથે નથી ને! પડછાયા એટલે અંધારું. હોઠેથી આયખું અજવાળે એવા શબ્દોના સ્થાને પડછાયાઓ પથરાઈ રહ્યા છે. આંખોની મરણપથારી પર કદી સાથે જોયાં હશે એ સ્વપ્નો આખરી શ્વાસ લઈ રહ્યાં છે. આગિયાની પાંખ પર બેઠેલો સૂરજ મારગની માંગણી કરે એ પ્રતીક મને પૂરું સમજાતું નથી. કવિ વાતનું વતેસર થયાની વાત કરે છે કે કંઈ બીજું એ બાબતે કોઈ કવિમિત્ર કે વાચકમિત્ર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે.

13 Comments »

  1. ડૉ માર્ગી દોશી said,

    April 12, 2024 @ 11:16 AM

    ખૂબ સરસ ગીત છે 👌👌👌

  2. Devendra Shah said,

    April 12, 2024 @ 11:57 AM

    💐💐પ્રભુ, સરસ, પ્રસાદ, આભાર, પ્રણામ.💐💐

  3. Bharati gada said,

    April 12, 2024 @ 12:07 PM

    ખૂબ સરસ ગીત સરસ આસ્વાદ સાથે 💐

  4. સંજુ વાળા said,

    April 12, 2024 @ 12:27 PM

    સરસ ગીત છે

    આગિયાંની પાંખે બેઠેલા સૂરજનું સરસ કલ્પન અને પ્રતીક પણ.
    વાત કરવા ઉત્સુક લાગણી (આપણી… એટલે એ બે પાત્રોની)કેવી છે ? કવિએ પ્રયોજ્યું આગિયા પર બેઠેલા સૂરજ જેવી. પોતે પ્રબળ તો છે પણ એનું વાહન આગિયો છે. જે માત્ર અંધારુ હોય ત્યાં અસ્તિત્વનો ઉત્સવ હોય પણ દિવસે તો એક સામાન્ય જંતુ. આ વાત કરી દેવી એ પણ એવું. જ્યાં સુધી અકબંધ રહે ત્યાં સુધી એ અનંત પણ પ્રગટ્યા પછી એ કેવી મર્યાદિત થઈ જાય !
    બસ એનું શું કરવું ? એનો રસ્તો શું ?
    કવિતાનું કામ જ ગોપનવિદ્યાનું સ્થાપન. જો ઉઘાડી રીતે આ વાત હોત તો એ કેવું સામાન્ય થઈ જાય. જગદીશ આપણા આવા એકાદ પંક્તિમાં આખી કવિતાને સમેટી લેવાની વિદ્યાના માહિર છે. જય હો.

  5. શ્વેતા તલાટી said,

    April 12, 2024 @ 1:57 PM

    ખૂબ સરસ ગીત 👌👌

  6. Himadri Acharya Dave said,

    April 12, 2024 @ 2:32 PM

    ખૂબ સરસ રચના. સરસ આસ્વાદ

  7. મીના વ્યાસ said,

    April 12, 2024 @ 2:53 PM

    સુંદર ગીત

  8. લતા હિરાણી said,

    April 12, 2024 @ 3:48 PM

    આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
    વાહ

  9. લલિત ત્રિવેદી said,

    April 12, 2024 @ 4:50 PM

    વાહ વાહ

  10. ભારતી વોરા said,

    April 12, 2024 @ 6:19 PM

    વાહ સુંદર ગીત અને સુંદર આસ્વાદ

  11. ભારતી વોરા said,

    April 12, 2024 @ 6:21 PM

    વાહ સુંદર ગીત અને સુંદર આસ્વાદ…સર્જક અને આસ્વાદક બંનેને અભિનંદન

  12. Poonam said,

    April 12, 2024 @ 7:13 PM

    આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
    રગરગમાં મારગની માગણી… 👌🏻
    – જગદીશ જોષી –

    Sundar aaswad !

  13. Tanu patel said,

    April 14, 2024 @ 6:30 AM

    આગિયાની પાંખ પરે સૂરજ,, અદ્ભુત કલ્પના
    બહુ જ સરસ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment