તો મજા – કિરણ જોગીદાસ ‘રોશન’
આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.
તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.
ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.
જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.
વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.
– કિરણ જોગીદાસ ‘રોશન’
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘ક્યાં ખબર હતી!’નું સહૃદય સ્વાગત.
આમ તો બધા શેર સરસ છે, પણ મત્લા સવિશેષ ધ્યાન ખેંચે છે. પહેલી નજરે મત્લાના બે મિસરા વચ્ચે વાબસ્તગી ન હોવાનું પ્રતીત થાય, પણ પછી ખ્યાલ આવે સર્જક શું કહેવા માંગતા હશે. ઇચ્છાઓ આપણને કેદી બનાવી અટકાવી રાખે છે. ઇચ્છાઓથી આઝાદ થઈ જવાય તો સ્થિરતા ગતિમાં પરિણમે. ‘આમ થાય તો મજા’ કહેતી ગઝલ આખેઆખી મજેદાર થઈ છે…
ડૉ. માર્ગી દોશી said,
April 13, 2024 @ 11:33 AM
બહુ સરસ રદીફ છે. અને દરેક શેરમાં રદીફ ખૂબ સરસ રીતે નિભાવાયો પણ છે. બધા જ શેર ગમ્યા.. મજાની રચના 👌👌 કિરણબેનને સંગ્રહ માટે ખૂબ અભિનંદન 👏👏 આટલી સરસ રચનાનું રસપાન કરાવવા બદલ લયસ્તરોનો તથા ડૉ.વિવેકભાઈનો સવિશેષ આભાર 😊
Kiran jogidas said,
April 13, 2024 @ 12:20 PM
ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏 ગઝલ સંગ્રહના સ્વાગત બદલ આભાર. આ ગઝલના પ્રથમ શેર માટે આપે બરાબર તારણ કર્યું છે. ઈચ્છાઓ અત્યારે છે પણ જો એને આપણે અટકાવી દઈએ અથવા તો એના પ્રત્યે મમત ન રાખીએ તો કદાચ હતી એવું થઈ જાય અને ઈચ્છા હતી એ થઈ જાય પછી તો કોઈ દુઃખનો પ્રશ્ન જ નથી રહેતો
ફરીથી આભાર 🙏
કમલેશ શુક્લ said,
April 13, 2024 @ 12:35 PM
સાદ્યંત સુંદર ગઝલ અને એટલો જ સરસ આસ્વાદ.
કિરણબહેનને ગઝલસંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન ⚘️
મેહુલ ઓઝા said,
April 13, 2024 @ 1:51 PM
વાહ ખૂબ સરસ ગઝલ છે 👌👌👌
વિજય ત્રિવેદી said,
April 13, 2024 @ 1:59 PM
વાહ… ખૂબ સરસ ગઝલનો ખૂબ સરસ આસ્વાદ.
Aasifkhan Pathan said,
April 13, 2024 @ 2:28 PM
વાહ સરસ ગઝલ વાહ
Bhavin Dobariya said,
April 13, 2024 @ 3:56 PM
ખૂબ જ સુંદર ગઝલ સંગ્રહ
અતિશય પ્રેમ, intelligence, inspiration, નિખાલસતા and પ્રકૃતિ ના સમનવય થી સંગ્રહાયેલો આ સંગ્રહ … ધન્ય થયા.
અતિ સુંદર ની સાથે મજાનો ખજાનો.
DILIPKUMAR CHAVDA said,
April 13, 2024 @ 7:06 PM
બધા જ શેર મસ્ત થયા છે,
અભિનંદન કિરણબેન
Urmilkumar pandya said,
April 14, 2024 @ 10:30 AM
રસ-રુચિ સંવર્ધક અને પ્રેરણાદાયી .સરસ રચનાઓ છે….