કિરણ જોગીદાસ ‘રોશન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!
મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.
એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.
એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.
તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.
અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.
Permalink
April 13, 2024 at 11:00 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.
તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.
ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.
જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.
વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.
– કિરણ જોગીદાસ ‘રોશન’
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘ક્યાં ખબર હતી!’નું સહૃદય સ્વાગત.
આમ તો બધા શેર સરસ છે, પણ મત્લા સવિશેષ ધ્યાન ખેંચે છે. પહેલી નજરે મત્લાના બે મિસરા વચ્ચે વાબસ્તગી ન હોવાનું પ્રતીત થાય, પણ પછી ખ્યાલ આવે સર્જક શું કહેવા માંગતા હશે. ઇચ્છાઓ આપણને કેદી બનાવી અટકાવી રાખે છે. ઇચ્છાઓથી આઝાદ થઈ જવાય તો સ્થિરતા ગતિમાં પરિણમે. ‘આમ થાય તો મજા’ કહેતી ગઝલ આખેઆખી મજેદાર થઈ છે…
Permalink
February 28, 2020 at 12:30 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.
કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.
ભાગ્યા કરે છે રાત દિ’ અંદર ને બહાર, બસ
તો પણ હજી ક્યાં થાક છે આ મારા શ્વાસમાં?
સાથે મશાલ લઈ અને ચાલે છે કોઈ તો
અંધાર છે છતાં ભરું છું ડગ ઉજાસમાં.
મંઝિલ મળે કે ના મળે એની ત્યજી ફિકર,
રાખો કચાશ ના કદી ‘રોશન’ પ્રયાસમાં.
– કિરણ જોગીદાસ ‘રોશન’
સરળ સહજ ભાષામાં સુંદર ગઝલ. કોઈ અઘરી-અઘરી કે મોટી-મોટી વાત ન કરી હોવા છતાં દરેક શેર સંતર્પક થયા છે. ગીતાના कर्मण्ये वाधिकारस्तेની યાદ અપાવી, મંઝિલ મળે કે ન મળે એની ફિકર પડતી મૂકીને પ્રયાસમાં કચાશ ન રાખી જીવન ‘રોશન’ કરતાં શીખવતી આ રચના થોડી ભાષાગત કચાશ દૂર કરવાનો પ્રયાસ કરાયો હોત તો હજી વધુ રોશન થઈ શકી હોત.
Permalink
April 13, 2018 at 12:30 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.
ઝાડ પર આવી અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે.
આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.
હોય સુખ કે દુઃખ સદા હાજર હશે એ,
અશ્રુ થઈ અવસર બધે કેવાં ભળે છે!
જોઈને બિન્દાસ ‘રોશન’ને અહીંયા
દર્દ નાકેથી તરત પાછુ વળે છે
– કિરણ જોગીદાસ ‘રોશન’
સાવ સામાન્ય લાગતા દૃશ્ય પર પણ કવિની કલમ ફરે તો એ અભૂતપૂર્વ બની રહે છે. કવિતાની ખરી કમાલ જ એ છે કે એ રોજબરોજની વાતને, હજારો વાર કહેવાઈ ગયેલી વાતોને પણ સાવ નવા જ અંદાજમાં રજૂ કરી શકે છે. આ ગઝલ જુઓ… છે એવી કોઈ વાત જે આપણા માટે નવી હોય? પણ ખરી મજા જ અભિવ્યક્તિની છે. કવિ કઈ રીતે રુઢને અરુઢ બનાવી રજૂ કરે છે એની જ મજા છે. ભરબપોરે સૂરજ વાદળાંમાં ઢંકાઈ જાય અને તડકો ગાયબ થઈ જાય એ કેવી સામાન્ય બીના! પણ કવયિત્રીએ એને અહીં કેવી નવી જ રીતે પેશ કરી છે એ જુઓ…
Permalink