અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીતેવ

ગીતેવ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(આહ ! આલિંગાઈ કવિતા) – ચંદ્રકાંત શાહ

કાગળ કિત્તા
સ્ટેમ્પસભર કવિતા

આંખોથી આળોટ
ફોડ વિરહ પરપોટ
વાંચ મને વંચિતા.

કાગળ કિત્તા
રહી કંકોત્રાઈ કવિતા.

જા શબ્દોની પીઠી ચોડ
કાગળ બની રહ્યો બાજોઠ
ધાર તને પરિણીતા.

કાગળ કિત્તા
આહ ! આલિંગાઈ કવિતા.

લે સ્ખલન, લે કર અનુભવ
યાદોથી તું તને પ્રસવ
જણ મને, ઓ રૂપગર્વિતા.

કાગળ કિત્તા
ગઈ ગર્ભાઈ કવિતા.

કાગળ કિત્તા
ફરી બિડાઈ કવિતા

– ચંદ્રકાંત શાહ

આ ગીતના લયનું એટલું જબરજસ્ત ખેંચાણ છે કે પહેલી વાર વાંચતી વખતે તો એને સમજવા માટે ઊભા રહેવાની ય ઈચ્છા થતી નથી !

ચંદ્રકાંત શાહનું ગીત એટલે અલગ જાતનું જ હોવાનું. આ ગીતમાં કવિતા લખવાની પ્રક્રિયાને કવિતા સાથે લગ્ન કરવા સમાન વર્ણવી છે. કાગળ કલમ લઈને કવિતા લખવા બેસેલા કવિ કવિતાને ફોડ વિરહ પરપોટ એમ કહીને બોલાવે છે. રીસાયેલી કવિતાને એ કહે છે, વાંચ મને – મારી અંદરના ભાવને વાંચ અને એ મને સમજાવ ! કવિતા લખવાની પ્રક્રિયા આગળ વધે એમાં કંકોત્રી તૈયાર થવાની, પીઠી ચોળવાની અને બાજઠ પર બેસવાની વાત આવે છે. કવિતા મળવાની ક્ષણને કવિ આહ !આલિંગાઈ કવિતા એમ વર્ણવે છે. કવિતા પ્રસવ પામે તો શેનાથી ? – યાદોથી જ સ્તો ! અને કવિતા કોને જન્મ આપે ? – કવિને. અત્યાર સુધી એ સામાન્ય માણસ હતો, પણ કવિતાએ જ્યારે એને જ્ણ્યો ત્યારે એ કવિ થયો. આ આખી પ્રક્રિયા પૂરી થઈ, કવિતા લખાઈ અને પરબીડિયામાં મોકલી આપી. જોકે આ કવિતા કોને મોકલી એ કવિ કહેતા નથી 🙂

આ ગીત સાથે જ ચંદ્રકાંત શાહ પર આગળ કરેલો પોસ્ટ પણ જુઓ. એમના બંને સંગ્રહો અને થોડા સપનાં અને બ્લૂ જીન્સ એમની વેબસાઈટ પર વાંચી શકો છો. અહીં શીર્ષક કૌંસમાં મૂક્યું છે કારણ કે કવિ એ આ ગીતને કોઈ નામ નથી આપ્યું. આ શીર્ષક પસંદ કરવાની ગુસ્તાખી મારી છે.

Comments (2)