ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?
વિવેક મનહર ટેલર

ગાંધીની ગુજરાત – હરિકૃષ્ણ પાઠક

આમ જુઓ તો ગરવી ગુણિયલ
આમ જુઓ તો ઘેલી,
ગાંધીની ગુજરાત મૂળમાં મીઠી અમરતવેલી.

અણહકનું ના ખપે કોઈ દી
હકનુંયે ના માગે;
અવર કાજ એ ઓળઘોળ
ને સ્વારથ નિજના ત્યાગે.
કોઈ કહે સાગરપેટી, કો કહેતું ગાલાવેલી.
.                                  – ગાંધીની.

વનનાં વન પાંખાં થઈ ચાલ્યાં
ઝાંખા જળના દીવા;
મરુભોમના મૃગજળમાં
મોતી શોધે મરજીવા.
જળની રેખ સપનમાં તબકે તોયે કરતી કેલિ.
.                                       – ગાંધીની.

દેશ અને દેશાવર ખેડે
વહે વણજ-વેપાર,
ઝીણું કાંતે પંડજોગ
ને વેરે અપરંપાર.
ભીડ પડ્યે ભડ થઈને રહેતી, લેતી આપદ ઝેલી.
.                                          – ગાંધીની.

રંગ-રાગમાં રમતી
તોયે રૂડો સંયમ દાખે,
મીઠું બોલે મરમભર્યું
ને ભેદ કાળના ભાખે.
જૂનું થોડું જાળવતી, ને થોડી નવી-નવેલી.
.                                      – ગાંધીની.

રાસ રચ્યા જે કૃષ્ણે
એની ઘેર હજીયે ગુંજે,
અલખધણીની અહાલેક
કંઈ હાડ મૂળમાં ઊંજે.
કોણે ચાંપી હૈયા સરસી, કોણે દૂર ધકેલી?
.                                    – ગાંધીની.

– હરિકૃષ્ણ પાઠક

આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિવસ.

તાજેતરમાં જ અનંતની યાત્રાએ નીકળી ગયેલ કવિશ્રીની એક ગીતરચના આજે માણીએ… પ્રવાહી લય અને સહજસાધ્ય બાનીના કારણે ગીત વિશે વિશેષ ટિપ્પણી કરવાની આવશ્યક્તા નથી. પણ આજની ગુજરાતી પેઢી માટે આ ગીતમાં પ્રયોજાયેલ અનેક શબ્દ આગંતુક હશે એમ મને લાગે છે, એટલે થોડા શબ્દાર્થ મૂકવા આવશ્યક જણાય છે.

(અવર=બીજું, અન્ય; ગાલાવેલું= દાધારંગું, મૂર્ખ, ગાંડાઘેલું; મરુભોમ= રણભૂમિ; તબકવું= અંધારામાં આછો પ્રકાશ કરવું, ઝગારા મારવું; કેલિ=ક્રીડા, રમત; પંડજોગ= પોતાની જાત પૂરતું; આપદ= આપત્તિ;ઝેલી= ઝેલવું, સહન કરવું; ઘેર= ઘેરાવો, ઘેરૈયાનું ટોળું; ઊંજવું=તેલ પૂરવું)

4 Comments »

  1. Jigisha Desai said,

    May 1, 2025 @ 2:39 PM

    Mast

  2. Parbatkumar nayi said,

    May 1, 2025 @ 11:24 PM

    વંદન
    હરિકૃષ્ણ પાઠક સાહેબને

  3. Kishor Ahya said,

    May 2, 2025 @ 2:09 PM

    માં.કવિ હરિકૃષ્ણ પાઠકની રચના ‘ગાંધીની ગુજરાત ‘
    ગુજરાત કેવું છે ગુજરાતના લોકો કેવા છે તે દર્શાવતું સુંદર ગીત છે.

    કવિએ સમગ્ર કવિતામાં ગુજરાતના લોકોના ખૂબ વખાણ કર્યા છે કવિ કહે છે, કોઈનું ખોટી રીતે લે નહિ એ તો ઠીક ,હક્કનું હોય તે પણ જતું કરે એવી ઉદાર પ્રજા ગુજરાતની છે.વેપાર માટે દેશ વિદેશ ખેડે,પોતાના માટે બહુ સાવચેતી રાખે પણ વેરે વેરે અપરંપાર (દાન દેવું) આપદા આવે તો ઝીલી લેવાની શકિત પ્રજામાં છે. બધા શેર સરસ અને સમજાય જાય તેવા છે.

    કવિ કહે છે રંગ રાગમાં રમતી પણ સંયમ ના ચૂકતી પ્રજા છે. થોડું જૂનું જાળવતી ને થોડું નવું આવકારતી પ્રજા છે.મીઠા બોલી છે જ્યાં અલખધણી ની અહાલેક (ગેબી અવાજ ) કેટલાયના હદયના મૂળમાં પહોંચી ગયો છે, (ગેબી અવાજ ઉંજણ ની જેમ ફેલાય ગયો છે) કવિ કહે છે એવી આ ગુજરાતને કોણે પોતાના હદયમાં સ્થાન આપ્યું? અને કોણ એનાથી દૂર રહ્યું,? પ્રશ્ન નો ઉત્તર કવિ ભાવક પર છોડે છે.

    સરસ કવિતા છે એક જગ્યાએ ગુજરાતની પ્રજા માટે કવિ કહે છે

    આમ જુઓ તો ગરવી ગુણિયલ,
    આમ જુઓ તો ઘેલી.
    ઘેલી શબ્દ ઘેલછા પરથી છે, ઘેલછા એટલેકે જે કરવા ધાર્યું હોય તે ગમે તેમ કરીને પૂર્ણ કરવું , અહી કવિ ગુજરાતની પ્રજા ખુંબ ઉત્સવ પ્રિય છે એમ કહેવા ઈચ્છે છે.

    ખુબ સરસ કવિતા અને ખૂબ સરસ આસ્વાદ.
    ગઈકાલ ૧લી મે ના રાજ ગુજરાતે તેનો સ્થાપના દિવસ ઉજવ્યો, ગુજરાત ૬૬ માં વર્ષમાં પ્રવેશ્યું. ગુજરાતી કવિઓના ગુજરાત પર બે ચાર શેર પ્રાસંગિક હોય અહી રજુ કર્યા છે.

    ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત,
    જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
    — ખબરદાર

    શૂન્ય મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
    મૃત્યુ ટાણે પણ મળે, જો ગોદ મા ગુજરાતની.
    — ‘શૂન્ય’ પાલનપુરી.

    પહેલું મારું ભારત ને બીજું મારું ગુજરાત,
    એક સીધાસાદા ગુજરાતીની આ છે સાદી વાત !
    જેટલાં મોટાં હૈયા એટલી પામ્યાં છીએ સોગાત ,
    અહીં ધંધાપાણી વિકસે છે ભરપૂર દિવસ ને રાત !
    — મુકુલ ચોક્સી

    હું એવો ગુજરાતી, જેની,
    ‘હું ગુજરાતી’ એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
    અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર,
    હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા ગુજરાતી.
    — વિનોદ જોષી.

  4. લીના said,

    May 3, 2025 @ 8:07 AM

    શીરાની જેમ ગળે ઊતરી જાય એવી રચના. બે-ચાર શબ્દો નહોતા સમજાયા પણ નીચે આપેલા શબ્દાર્થે મદદ કરી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment