(જિંદગી જાય છે) – હર્ષવી પટેલ
જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.
પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.
એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.
જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.
એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.
– હર્ષવી પટેલ
નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણનેમજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.