વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

જાવું છે દશ અજાણી – લલિત ત્રિવેદી

એ વાવડો પલાણી જાવું છે દશ અજાણી
હે પાંચે પાંચ પાણી, જાવું છે દશ અજાણી!

ના નેજું કે નિશાણી જાવું છે દશ અજાણી!
પ્રિછવી છે વણપિછાણી જાવું છે દશ અજાણી!

કહે છે નમકની ગુણી… જ્યોતિ વિનાની પૂણી
લલદેની પીવા વાણી, જાવું છે દશ અજાણી!

દવ છાંટ ઠાર ખૂણા, ભવ છાંટ ઠાર લૂણા
રહી જાય ના નિશાણી, જાવું છે દશ અજાણી!

કહી દો કે ભોગવી છે, કહી દો કે ચેતવી છે
દિલચશ્પ એક કહાણી, જાવું છે દશ અજાણી!

ચૂકવી દીધાં છે ખાણાં… નાણી લીધાં છે નાણાં
મા રોક દાના દાણી, જાવું છે દશ અજાણી!

વખડાંને ધોઈ લઈએ, મુખડાને રોઈ લઈએ
હે જુગજુગોની રાણી, જાવું છે દશ અજાણી!

– લલિત ત્રિવેદી

વસુંધરા હજારો જાતનાં પ્રાણીઓથી ભરી પડી છે, પણ એકેય પ્રાણીને આપણે જીવન ટકાવવા સિવાયની પ્રવૃત્તિઓ કરતાં જોતાં નથી. મનુષ્ય પણ પ્રાણી જ છે, પણ સામાજિક. કદાચ એટલે જ મોટાભાગના મનુષ્યો જન્મથી મૃત્યુ પર્યંત સમાજમાં રહીને જીવન નિર્વાહ કરવા આવશ્યક ક્રિયાઓ સિવાય ભાગ્યે જ કશું કરતા જોવા મળશે. પણ કેટલાક મનુષ્યો અવળે વહેણે તરનાર પણ જોવા મળે છે. પૂર્વનિર્ધારિત દિશાઓમાં જવાના બદલે તેઓ અજાણી દિશામાં જવાનું પસંદ કરે છે. આવા રોબર્ટ ફ્રોસ્ટના ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ કક્ષાના માનવીઓની આ ગઝલ છે.

વાવડો એટલે પવન યાને શ્વાસ અને પાંચ પાણી એટલે પંચેન્દ્રિય. શ્વાસને પલાણીને,શ્વાસ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા બાદ જ હોકાયંત્રમાં પણ જોવા ન મળે એવી બિલકુલ અજાણી દિશામાં પ્રયાણ કરવાનું છે એટલી સમજ સાથે આ ગઝલના શેર એક પછી એક ખોલવાના છે… પહેલા વાંચને કદાચ બધૂં ન પણ સમજાય… પણ અજાણી દિશા તરફની ગતિ તો એવી જ હોય ને!

9 Comments »

  1. Varij Luhar said,

    May 15, 2025 @ 11:10 AM

    વાહ.. ખૂબ સરસ ગઝલ.. દિશા અજાણી છે એટલી જાણ છે કવિને

  2. વ્રજેશ મિસ્ત્રી said,

    May 15, 2025 @ 11:32 AM

    અદભુત.. સ્વ-આવિષ્કારની ગઝલ..

  3. Lalit Trivedi said,

    May 15, 2025 @ 2:57 PM

    ખૂબ ખૂબ આભાર

  4. Ramesh Maru said,

    May 15, 2025 @ 6:34 PM

    વાહ…

  5. હર્ષદ દવે said,

    May 15, 2025 @ 9:34 PM

    કવિતા માણવાની પણ એક મજા છે. આપની વાત સાચી છે. નિરાંતે પ્રત્યેક શેરનો આસ્વાદ તો આપના જેવા મર્મજ્ઞ જ કરાવી શકે. કવિને અને આપને અભિનંદન.

  6. Kishor Ahya said,

    May 16, 2025 @ 1:34 AM

    કવિ શ્રી લલિત ત્રિવેદીની કવિતા ‘જાવું છે દેશ અજાણી ‘ એક આધ્યાત્મિક કાવ્ય છે, જેમાં કવિ અજાણી દિશામાં જવું છે તેમ કહે છે. આ અજાણી દિશા કંઇ છે તેની વાત કવિ સીધી કરતા નથી, પણ કેટલાક ઇશારા છે ,જે પરથી લાગે છે કવિ કંઈ અજાણી દિશામાં જવા ઈચ્છે છે આ દિશા એટલેકે મનુષ્યને પોતાને ઓળખવાની, પોતાની ચેતનાને પામવાની, સ્વ.ને મળવાની દિશામાં જવાની વાત કવિ કરે છે. કવિ એને અજાણી દિશા કહે છે કેમકે આ માર્ગે સૌ એ પોત પોતાનો રીતે જવાનું હોય છે.ક્યારેય ચાલ્યા ન હોય એવો આ માર્ગ છે . કવિ કહે છે .વાવડો પલાણી(શ્વાસ ની સાધના) અને હે પાંચે પાંચ પાણી( પાંચે ઇન્દ્રિય) જાવું છે દસ અજાણી.

    ના નેજું કે નિશાણી જાવું છે દશ અજાણી!
    પ્રિછવી છે વણપિછાણી જાવું છે દશ અજાણી!
    કવિ કહે છે કોઈ દિશા દેખાય તેવો કોઈ વાવટો (નેજા) કે નિશાની ત્યાં નથી,અજાણી જગ્યાને જાણવી છે.(પ્રિછવી છે વણપિછાણી)
    પછીની પંક્તિઓ પણ આજ દિશામાં છે.
    કહે છે નમકની ગુણી… જ્યોતિ વિનાની પૂણી
    લલદેની પીવા વાણી, જાવું છે દશ અજાણી!

    નમકની ગુણી પાણીનો તાગ લેવા જાય! તેવું કામ છે.(કવિ કહે છે હવે નમકની જેમ ઓગળી જવાનું છે) વાટ છે પણ જ્યોતિ નથી. (અંધકાર છે !) પણ કવિ કહે છે પ્રબુદ્ધની વાણી સાંભળવા અજાણી દિશામાં જવું છે.

    દવ છાંટ ઠાર ખૂણા, ભવ છાંટ ઠાર લૂણા
    રહી જાય ના નિશાણી, જાવું છે દશ અજાણી!

    કવિ કહે છે જોજો કોઈ નિશાની રહી ન જાય( હું હતો એવી) દવ અને ભવ માટે છાટ ઠાર ખૂણો અને લૂણો એટલે સંસારનો તાપ મોહ માયા વગેરે ઠારવા (કાઢવા) એને લૂણો કહે છે. અને ઠાર ખૂણા એટલે કે મનના બધા ખૂણે ખૂણા જોઈ લો, અને ઠારી નાખો.(ઇચ્છા પર પૂર્ણ વિરામ મૂકવું)

    કહી દો કે ભોગવી છે, કહી દો કે ચેતવી છે
    દિલચશ્પ એક કહાણી, જાવું છે દશ અજાણી!
    કવિ કહે છે જીવન ભોગવી લીધું છે અને ભવિષ્ય ચેતવી દીધું છે .

    ચૂકવી દીધાં છે ખાણાં… નાણી લીધાં છે નાણાં
    મા રોક દાના દાણી, જાવું છે દશ અજાણી!
    છેલ્લે ‘ચૂકવી દીધા છે ખાણા ‘ અહીં અર્થ ઋણાનુબંધ પૂરા કરી દીધા છે એવો અર્થ નિકળી શકે. છેલ્લી પંક્તિ
    વખડાંને ધોઈ લઈએ, મુખડાને રોઈ લઈએ
    હે જુગજુગોની રાણી, જાવું છે દશ અજાણી!

    કવિ કહે છે વખડા ને ધોઈ લઈએ એટલેકે સંસારના સુખ દુઃખ વેર ઝેર બધા કાઢી નાખીએ અને રોઈ લઈએ (જેથી મન શાંત થાય) અથવા (મોહ માયા છોડતા થતા આવેગ ને કારણે રોઈ લઈએ એવો શબ્દ મૂક્યો હોય શકે )હે જુગજુગોની રાણી, જાવું છે દસ અજાણી. અહીં જુગજુગોની રાણી શબ્દ અંતરાત્મા માટે હોય શકે.

    ખૂબજ ગૂઢ અર્થ ધરાવતું સુંદર કાવ્ય છે શબ્દ રચના બહુ સરસ છે જોકે કેટલાક શબ્દો અજાણ્યા પડે છે એટલે અર્થઘટન આથી અલગ પણ હોય શકે છે. જગ્યા પણ અજાણી છે ને !

    વિવેકભાઈ એ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹

  7. Harihar Shukla said,

    May 16, 2025 @ 10:01 AM

    ઓહો, મોજ, ગઝલની અને બબ્બે આસ્વાદની👌💐

  8. Dr Nirajkumar D Mehta said,

    May 16, 2025 @ 1:37 PM

    khoob saras ghazal

  9. લતા હિરાણી said,

    May 17, 2025 @ 1:17 PM

    વાહ લલિતભાઈ…… અજાણી દશ જવાની કેડી પર પગલાં માંડવાનું અઘરું જ …. તમારી કવિતા સમજવાની કેડી જેવી….
    લતા હિરાણી
    http://www.kavyavishva.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment