ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષવી પટેલ

હર્ષવી પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સાંકળ તો સાંકળ છે – હર્ષવી પટેલ

સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.

ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.

ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.

મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.

રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.

– હર્ષવી પટેલ

કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..

Comments (20)

કળી શકો નહીં – હર્ષવી પટેલ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

કેસરી, સફેદ અને લીલો – એમ ત્રણ રંગ ભેગા કરીને બનાવ્યું ન હોય એવા ‘કેસલી’ ગામની વતની હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે. એની ગઝલો આજના ફેક્ટરી પ્રોડક્શનની ગઝલો નથી, સાચું સોનું છે. મત્લાનો શેર હાથમાં લઈએ… સંસારનો સાર્વત્રિક નિયમ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે એટલે “બંને” વ્યક્તિમાં ઇચ્છો કે ન ઇચ્છો, નજીવો તો નજીવો પણ ફરક તો આવવાનો, આવવાનો ને આવવાનો જ. આ સત્ય હર્ષવી કેવી કારીગરીથી ઉજાગર કરી શકે છે એ જુઓ… તમે ગમે એટલા હોંશિયાર કેમ ન હોવ પણ તમારી પાસે એ આંખ તો નથી જ, જે બે વ્યક્તિની મુલાકાતથી વ્યક્તિત્વમાં વ્યક્તિની ખુદની પણ જાણ બહાર નિપજતા આ subtle પરિવર્તનને કળી શકે.

Comments (15)

ગઝલ – હર્ષવી પટેલ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

તદ્દન અલગ જ મિજાજની ગઝલ પણ વાંચતાવેંત મનમાં ઘર કરી જાય એવી. એક-એક શેર ખરા સોના જેવા. ‘કાન્ત’ અને ‘ભ્રાન્ત’ જેવા કાફિયાવાળો મત્લાનો શેર અને વાનરોને ચાક્ષુષ કરી આપતો ‘ઉત્ક્રાંત’ કાફિયાવાળો શેર તો ચિરસ્મરણીય થયા છે.

Comments (16)

ગઝલ – હર્ષવી પટેલ

Harshavi Patel_shabd ni farte akal ghero ghalayo chhe bhala

(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)

*

શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.

આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.

આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.

આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?

– હર્ષવી પટેલ

કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.

ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે.  ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.

મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…

Comments (26)

આંગળી અડાડી છે – હર્ષવી પટેલ

Harshavi Patel_chotarf maatra bekarari chhe
(લયસ્તરો માટે હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ હસ્તાક્ષરોમાં…)

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

– હર્ષવી પટેલ

A genuine poetry is one which is communicated even before it is understood. કવિતાની આ પરિભાષામાં હર્ષવીની આ ગઝલ જડબેસલાક બંધ બેસી જાય છે. એક પણ શેર એવો નથી જે હર્ષવી બોલે અને વાહ…વાહના ઉદગાર શ્રોતાજનોના મોઢેથી ન સરે… પણ પ્રથમ શ્રવણ કે પ્રથમ પઠન પછી પણ આ સંઘેડાઉતાર ગઝલમાં એવું ઘણું બધું છે જે ફરી ફરીને વાહ…વાહ કહેવા આપણને મજબૂર કરે…

Comments (29)

ગઝલ – હર્ષવી પટેલ

આ ઉદાસીને જરા સમજાવ તું
દોસ્ત! જો આવી શકે તો આવ તું.

થાય મારી શૂન્યતાના ફુરચા
એક-બે ટહુકા હૃદયમાં વાવ તું.

ઊંઘની જાહેર નાદારી કરી…
બસ,ઉછીના બે’ક સપના લાવ તું.

તું જ જેનો રામબાણી છે મલમ
તે જનમજૂનો વકરતો ઘાવ તું.

આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.

-હર્ષવી પટેલ

હર્ષવી પટેલ મૂળ ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે અને વ્યવસાયે શિક્ષિકા છે. ઝાઝું બોલ્યા વિના ખૂણામાં બેસી ગઝલની આરાધના કર્યા કરતા નિઃસ્પૃહી સર્જકોમાંના એક છે. એમની ગઝલ ભાષાની સરળતા અને દિલમાંથી સીધા ઊતરી આવેલા ભાવના ઊંડાણના કારણે ભીડથી અલગ તરી આવે છે.

Comments (25)