કોઈ – નીતિન વડગામા
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.
કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.
કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.
કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.
– નીતિન વડગામા
‘કોઈ અહીં આવે છે મળવા’થી ગીતનો ઉપાડ થાય છે. અહીં ‘અહીં’ એટલે આખી દુનિયા. દુનિયામાં કે આપણા જીવનમાં આવતા દરેક લોકોના આગમનના હેતુ અલગઅલગ જ હોવાના. કોઈ કેવળ મળવા આવે છે, તો કોઈ કશું સાંભળવા. કોઈ ઉપલક મુલાકાતે આવી ચડ્યું છે, તો કોઈ આપણા અસ્તિત્ત્વમાં આખેઆખા ઓગળવા આવે છે. કવિએ અલગઅલગ મહેમાનોના આગમન પાછળના અલગઅલગ પ્રયોજનોની યાદી બનાવીને સરળ ભાષામાં વિચારવંત કરી દે એવું બળકટ ગીત રચ્યું છે. કોઈ આરતીની ઝાલર સાંભળી રહે છે, તો કોઈને અમથો-અમથો નશો ચડે છે. ઈશ્વરનો અમથો-અમસ્તો નશો જેને ચડે છે, એને વળી કવિ બડભાગી કહેવાના બદલે અભાગી વિશેષણથી નવાજે છે એ વળી ધ્યાનમાં લેવા જેવું છે. અવળવાણી સારી કવિતાનું મહત્ત્વનું અંગ છે, એ વાત અહીં સમજાય છે. કોઈ પદ-પ્રતિષ્ઠા-સમૃદ્ધિના આકાશમાં ઊંચે ઊગવાના હેતુથી આવે છે, તો કોઈ કળીની જેમ પોતે ઊઘડવા આવે છે. ગીતમાંથી પસાર થઈ ત્યારે ર.પા.ની અમર ગઝલ ‘મનપાંચમના મેળામાં’ તો યાદ આવે જ, પણ સુન્દરમનું ‘કોણ?’ પણ અવશ્ય યાદ આવશે.