માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.
– કુતુબ ‘આઝાદ’

આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક  ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…

સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી
આલ્બમ : હસ્તાક્ષર

[audio:http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3]

આજે ર.પા.ના ગીતની પોસ્ટ મૂકતી વખતે ચકાસ્યું તો ખ્યાલ આવ્યો કે ર.પા. બ્રાંડની આ ગઝલ લયસ્તરોનાં ખજાનામાં હજી સુધી ઉમેરાઈ જ નહોતી…  ત્રણ વર્ષ પહેલા ટહુકો.કૉમ પર  આ ગઝલની પોસ્ટ પર વિવેકે આનો આસ્વાદ કોમેંટમાં એક વાચકનાં પ્રત્યુતરરૂપે કરાવેલો… આજે કોમેંટમાં વાચકોની ચર્ચા અને વિવેકનો એ આસ્વાદ વાંચવાની ફરી મજા આવી અને એને અહીં મૂકવાની લાલચ હું રોકી ના શકી.

વિવેક દ્વારા આસ્વાદ:

મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)

નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?

કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…

બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?

ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…

આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !

12 Comments »

  1. pragnaju said,

    May 17, 2012 @ 11:19 PM

    વિભોર થઇ ફરી ફરી ગઝલ માણી…

    વિવેકના આસ્વાદથી નવી દ્રુષ્ટિ મળી

    અમારી વાત કરવી હોય તો
    ર્.પા.ને યાદ કરી કહીએ

    હરિ પર અમથુ અમથુ હેત
    હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત…

    મારી બબ્બે વેંતની વ્હાલપથી અંગૂઠા જેવડી હું ની શ્રધ્ધાંજલી

  2. Rina said,

    May 18, 2012 @ 12:41 AM

    read this ghazal so many times before…but as usual added something to my understanding from aaswad….thanks:):):)

  3. Jayshree said,

    May 18, 2012 @ 4:20 AM

    કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
    સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

    – રમેશ પારેખ

  4. મદહોશ said,

    May 18, 2012 @ 10:00 AM

    ખરી વાત છે, કવિની કુશળતા જ એવી છે કે બધા પોતાનું પ્રતીબિમ્બ આ કવિતા મા જોઇ શકે.

    અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે… વાહ.

    ખુબ ખુબ આભાર ઉર્મી અને વિવેક.

  5. ડેનિશ said,

    May 18, 2012 @ 11:25 AM

    અહીં રઈશસરનો શેર યાદ આવે છે-
    ગમની ગહેરાઈ ગઈ, ઊર્મિની ઊંચાઈ ગઈ,
    બસ, ગઝલમાંથી મનોજાઈ, રમેશાઈ ગઈ.
    ૨૦૦૬માં આ ઊર્મિથી છલકાતી રમેશાઈ ગઈ અને ગુજરાતી કાવ્યજગતમાં મોટો અવકાશ સર્જાયો.

    લયના આ કામાતુર રાજવીની પુણ્યતિથિએ એમની સુન્દર (અને કદાચ અ-મર) રચના દૃશ્ય-શ્રાવ્ય બંને રૂપે ફરીથી માણવાની મજા પડી.
    ને કહેવાની જરૂર ખરી કે વિવેકસરનો આસ્વાદ પણ એટલો જ હૃદ્ય થયો છે? આખી ગઝલનો આસ્વાદ કરાવતે ઑર મજા આવતે.

  6. Sudhir Patel said,

    May 18, 2012 @ 12:35 PM

    સ્વ. રમેશ પારેખને એમની જ સદાબહાર ગઝલ દ્વારા હાર્દિક શ્રધ્ધાંજલી!
    સુધીર પટેલ.

  7. Maheshchandra Naik said,

    May 18, 2012 @ 2:00 PM

    કવિશ્રી રમેશ પારેખને શ્રઢ્ઢાંજલી………………………

  8. HATIM THATHIA said,

    May 19, 2012 @ 1:14 AM

    રમેશ પારેખ ચ્હ અક્શર્નુ નામ ,ઊદય મઝુમ્દાર અને રેખાબેન્ નો સુરુલો અવાજ ગુજરાતિ ભાશામા
    રહેલિ શક્તિ પ્રગટ કરે ચ્હે ફક્ત એક નવાઇ લાગિ બિજિ કડિ કેમ સ્વર્ મા થિ ચ્હતકિ ગઇ ??એકન્દરે સુન્દર સ્વર સુન્દર રજુઆત્

  9. Darshana Bhatt said,

    May 20, 2012 @ 5:35 PM

    I am too small,too ignorant to write any thing about Ramesh Parekh.A very very meaning ful gazal.

  10. Nirlep said,

    June 23, 2013 @ 7:59 AM

    આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ, – ‘m speechless

  11. HATIM THATHIA said,

    June 25, 2013 @ 12:05 PM

    Even we think to give our best comments, compliments we surely could not reach the point to the BESTNESS of Ramesh Parekh and his poetries. .It was initially 6 letters in Gujarati but then how many BEFORE and AFTER his name have been added?? Manoj, Ramesh, Rawji, Adil, C.Modi, Rajendra Shukla -Kavi varya!!-Latha, . in short our Gurjarin would never be -SHUN SHA PAISA CHAR!!- till we have all Waras of Meera and Mehata -of couse Nasinh Mehta.
    Hatim Thathia Bagasrawala

  12. લયસ્તરો » કોઈ – નીતિન વડગામા said,

    March 11, 2023 @ 8:30 AM

    […] પસાર થઈ ત્યારે ર.પા.ની અમર ગઝલ ‘મનપાંચમના મેળામાં’ તો યાદ આવે જ, પણ સુન્દરમનું ‘કોણ?’ પણ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment