જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

કોઈ – નીતિન વડગામા

કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.

કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

– નીતિન વડગામા

‘કોઈ અહીં આવે છે મળવા’થી ગીતનો ઉપાડ થાય છે. અહીં ‘અહીં’ એટલે આખી દુનિયા. દુનિયામાં કે આપણા જીવનમાં આવતા દરેક લોકોના આગમનના હેતુ અલગઅલગ જ હોવાના. કોઈ કેવળ મળવા આવે છે, તો કોઈ કશું સાંભળવા. કોઈ ઉપલક મુલાકાતે આવી ચડ્યું છે, તો કોઈ આપણા અસ્તિત્ત્વમાં આખેઆખા ઓગળવા આવે છે. કવિએ અલગઅલગ મહેમાનોના આગમન પાછળના અલગઅલગ પ્રયોજનોની યાદી બનાવીને સરળ ભાષામાં વિચારવંત કરી દે એવું બળકટ ગીત રચ્યું છે. કોઈ આરતીની ઝાલર સાંભળી રહે છે, તો કોઈને અમથો-અમથો નશો ચડે છે. ઈશ્વરનો અમથો-અમસ્તો નશો જેને ચડે છે, એને વળી કવિ બડભાગી કહેવાના બદલે અભાગી વિશેષણથી નવાજે છે એ વળી ધ્યાનમાં લેવા જેવું છે. અવળવાણી સારી કવિતાનું મહત્ત્વનું અંગ છે, એ વાત અહીં સમજાય છે. કોઈ પદ-પ્રતિષ્ઠા-સમૃદ્ધિના આકાશમાં ઊંચે ઊગવાના હેતુથી આવે છે, તો કોઈ કળીની જેમ પોતે ઊઘડવા આવે છે. ગીતમાંથી પસાર થઈ ત્યારે ર.પા.ની અમર ગઝલ ‘મનપાંચમના મેળામાં’ તો યાદ આવે જ, પણ સુન્દરમનું ‘કોણ?’ પણ અવશ્ય યાદ આવશે.

12 Comments »

  1. pragnajuvyas said,

    March 11, 2023 @ 10:46 PM

    કવિશ્રી નીતિન વડગામાનુ મધુરું ગીત
    ડૉ વિવેકનો રસ આસ્વાદ
    ‘કોઈ અહીં આવે છે મળવા’ ગીતમા આપણા રોજ થતા અનુભવો–કોઈક મળવા આવનારાં કેટલાં સરસ હોય છે! તેમની સાથે વાત કરવી, તે જાણે એક લહાવા જેવું લાગે છે. તેમની બુદ્ધિ, તેમનો હાસ્યરસ, વાતના વિષયની વિવિધતા – બધું આપણને મુગ્ધ બનાવે છે. નાનાં સાથે નાનાં, ને મોટાં સાથે મોટાં, ગમે તેવી વાતો એ લોકો કેટલે સહજ ભાવે કરી શકે છે? વાતચીત એ એક કળા છે. બીજી કળાઓ માફક તે પણ એક કુદરતી બક્ષિસ હોય છે. દરેક મનુષ્યને તે સહજ નથી હોતી. લોકોને ઘેર મળવા જવું, તો શું બોલવું, કેટલું બોલવું, કેટલું બેસવું, ક્યારે ઊઠવું, કેટલું હસવું અને કેટલું ખાવું, આ બધા પણ કોઈ પાઠ્યપુસ્તક દ્વારા શીખવવા જેવા વિષયો છે.
    અમારા અનુભવમા જો સાડીની વાત નીકળી, તો સ્ત્રીના આરોગ્ય કે હક્ક ઇત્યાદિ ભૂલી – સાડીની વાતમાં તેઓ તલ્લીન બની જાય છે, એ તો સ્વાનુભવ છે. એટલે હું આ મૂજીબાઈને પૂછું છું, ‘બહેન, તમારી સાડી સરસ છે, હાથવણાટની લાગે છે!’ ‘હા’–ટૂંકો ટચ જવાબ. કદાચ તમને વધારે બુદ્ધિપ્રધાન વિષયની વાત ગમતી હશે. ચાલો ત્યારે, તે અજમાવી જોઉં. તમે હાલ કાંઈ વાંચો છો ખરાં? ‘ખાસ નહિ’ — ખસિયાણાં પડી જવાય તેવો જવાબ !
    માણો વીડીયો https://www.google.com/search?q=%E0%AA%95%E0%AB%8B%E0%AA%88+%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%82+%E0%AA%86%E0%AA%B5%E0%AB%87+%E0%AA%9B%E0%AB%87+%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%2C+%E0%AA%95%E0%AB%8B%E0%AA%88+%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82+%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE.++%E2%80%93+%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8+%E0%AA%B5%E0%AA%A1%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE&rlz=1C1CHBF_enUS847US847&sxsrf=AJOqlzVSB0SUL9F6siyy_A4EJ-S91E1wcQ%3A1678554327162&ei=17QMZNa9Cf7Z5NoPi5GNoAk&ved=0ahUKEwiWhaCTrtT9AhX-LFkFHYtIA5QQ4dUDCBA&uact=5&oq=%E0%AA%95%E0%AB%8B%E0%AA%88+%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%82+%E0%AA%86%E0%AA%B5%E0%AB%87+%E0%AA%9B%E0%AB%87+%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%2C+%E0%AA%95%E0%AB%8B%E0%AA%88+%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82+%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE.++%E2%80%93+%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8+%E0%AA%B5%E0%AA%A1%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE&gs_lcp=Cgxnd3Mtd2l6LXNlcnAQA0oECEEYAFAAWABg5ARoAHAAeACAAVyIAVySAQExmAEAoAECoAEBwAEB&sclient=gws-wiz-serp#fpstate=ive&vld=cid:b7ef8b74,vid:vHiqA55mIhc

  2. Varij Luhar said,

    March 12, 2023 @ 11:30 AM

    કોઈ અહીં આવે છે… ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  3. Ramesh Maru said,

    March 12, 2023 @ 11:49 AM

    ખૂબ જ સુંદર ગીત…ને આસ્વાદ…

  4. kishor Barot said,

    March 12, 2023 @ 12:06 PM

    ઉમદા ગીત. 👌

  5. હર્ષદ દવે said,

    March 12, 2023 @ 12:19 PM

    સરસ રચના અને આસ્વાદ.
    કવિ અને આપને અભિનંદન

  6. Premal Shah said,

    March 12, 2023 @ 12:31 PM

    ખૂબ જ સુંદર રચના અને એવો જ સુંદર આસ્વાદ 👌🏻👌🏻

  7. ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' said,

    March 12, 2023 @ 1:46 PM

    સુંદર રચના, મનભાવન અભિવ્યક્તિ 👌🏻👌🏻

  8. ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' said,

    March 12, 2023 @ 1:47 PM

    સુંદર રચના, મનોભાવ અભિવ્યક્તિ 👌🏻👌🏻
    રીતે પ્રસ્તુત કરી છે.

  9. Harin Vadodaria said,

    March 12, 2023 @ 5:38 PM

    સુંદર રચના અને ખૂબ ગમતો વિષય. અભિનંદન.

  10. Poonam said,

    March 13, 2023 @ 10:19 AM

    કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
    – નીતિન વડગામા – Satya!

    Aaswad swadisth sir ji.

  11. વિવેક said,

    March 13, 2023 @ 5:16 PM

    પ્રતિભાવ પાઠવનાર તમામ કાવ્યરસિક મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર

  12. લલિત ત્રિવેદી said,

    March 21, 2023 @ 12:21 PM

    વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment