પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મધુસૂદન પટેલ ‘મધુ’

મધુસૂદન પટેલ ‘મધુ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સુખનું શબ્દચિત્ર – મધુસૂદન પટેલ ‘મધુ’

આ શબ્દચિત્ર મારા સુખનું છે, લો જુઓ જી,
બે પાંદડે થયો છું, છું જન્મજાત મોજી.

નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ,
લાંબી રદીફ લીધી, લાંબી બહર પ્રયોજી.

લય-છંદ જાળવીને પણ તીવ્રતા વધારી,
મિસરાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી

પામું છું નિત નવું કૈં, છોડું છું કૈંક જૂનું,
બન્નેનું એક કારણ; કાયમ રહું છું ખોજી.

ત્યાં શબ્દ, અર્થચ્છાયાની વાતમાં શું પડવું ?
થઈ જાય જ્યાં ‘મધુડા’ ભાષા જ હે જી… હો જી !

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાદ્યંત સુંદર રચના… મુસ્કાનની ઇમોજીની મોજ લ્યો કે હે જી-હો જીની, એ આપના પર…

Comments (7)

ન શોધો ક્યાંય પણ એને – મધુસૂદન પટેલ ‘મધુ’

ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે,
હવાના ગર્ભમાં જળ છે, ને સાબિતી એ ઝાકળ છે.

ગદાઓ ભીમની હું એકસો ને એક લાવું, પણ,
થયો છું સહેજ નાસીપાસ કે અગણિત સાથળ છે.

કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે,
કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે.

કદી માટી મહીં ભળતું, કદી સંતાતું આકાશે,
એ પાણી એ જ પાણી છે, બસ એનું નામ વાદળ છે.

‘મધુ’ એ રૂપ છે, ને એય તે તારા જ મનનું છે,
તને લાગે છે, તારા મનની ફરતે કોઈ સાંકળ છે.

– મધુસૂદન પટેલ ‘મધુ’

લયસ્તરો પર કવિના નૂતન સંગ્રહ ‘રજવાડું’નું સહૃદય સ્વાગત…

રોજબરોજની નાનીનાની ઘટનાઓ, જેના તરફ આપણે જોવાનુંય છોડી દીધું હોય, એ જ નાનીનાની ઘટનાને નવતર કલેવર બક્ષીને રજૂ કરી શકે એ જાદુનું જ બીજું નામ કવિતા… પ્રાતઃકાળે ભેજવાળી હવા ઠરે અને શૂન્યમાંથી ઝાકળબુંદ પ્રકટ થાય એ વૈજ્ઞાનિક તથ્ય પણ કવિતાનું રૂપ ધારણ કરે તો કેવું મનહર બની શકે છે, નહીં! ગમે એટલી કોશિશ કરો તોય હવાના ગર્ભમાં છૂપાયેલું આ જળ જોઈ શકાતું નથી. ઝાકળના મિષે કવિ કદાચ ઈશ્વરના અસ્તિત્ત્વનો રહસ્યસ્ફોટ પણ કરવા ચહે છે. હૃદયમાં શ્રદ્ધા ઘનીભૂત થઈ ઠરે તો જ ઈશ્વર નજરે ચડે, ખરું ને? કવિતા બીજું કશું નહીં, ઈશ્વરે લખેલો કાગળ છે. મોટાભાગની કવિતાઓમાં આજે કળાકારી ઓછી અને કારીગરી વધારે જોવા મળે છે. કવિહૃદય સુધી પહોંચતી કવિતા જો સાચી હશે તો ઈશ્વરનો આ કાગળ હોડી બનીને ભવસાગર તારશે એ નક્કી.

Comments (12)

પરિવાર પરિચય – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ભૈ
લગન એટલે જલસાનો સેલ્લો દાડો નહીં
જલસાની શરૂઆત
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)
આ તો તુ મારો હગ્ગો ભૈબંધ સ(અ) ન(અ)એટલે તન કહુ સુ.
માર લગનની પેલ્લી રાતે પેલ્લુ વાક્ય મુ આવુ બોલેલો:
ગ્લાસન(અ) ગોળી માર ન(અ) તુ ઑમ આય.
હનીમૂન પસ(અ) મનાઈશુ, અત્તારે મારી વાત હોંભળ
મુ હાવ દેશી મોંણહ
પ્યોર GJ 2
મારી મા એક નંબરની જૂઠ્ઠી
મારો બાપ ઈનો ગુરુ
અન(અ) મારી બુનની તો વાત જ જવા દે
એક દાડો અમે ભૈબુન લેસન કરતોં’તોં
મારી માએ મોટેથી ઓડકાર ખાધો
મારા બાપા મુસો ઉપર પોંણી વાળા હાથ ફેરવત(અ) ફેરવત(અ) બોલ્યા :
આજ તો તારી માએ કૉય ખવડાયુ(સ) કૉય ખવડાયુ સ(અ)!
પેટ ફાટુફાટુ થાય સ(અ)
આટલુ હોંભળતોં જ મારી બુન મારા પૅલા રહોડામ પૅઠી
અન(અ) બીજી જ સેકન્ડે રોવા બેઠી
રોત(અ) રોત(અ) મન(અ) કે ભૈ,
તુ ખઈ લે, મન(અ) પેટમાં દુઃખ સ(અ)
મારી બુનના પેટમાં દુખાવાની switch મારી માએ પાડી’તી
આટલું બોલીન(અ) મુ ઊભો થ્યો
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા.

– મધુસૂદન પટેલ ‘મધુ’

કવિતા કરવા ઉપરાંત કવિનું બીજું એક કામ તે ભાષાની જાળવણીનું. દુનિયાની કોઈપણ ભાષામાં સાહિત્યકાર ભાષાનો સર્વોચ્ચ પ્રહરી હોય છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિતા કરવા ઉપરાંત મહેસાણાની તળપદી ભાષાને જાળવવાનું કામ પણ બખૂબી કર્યું છે, એ નોંધવા જેવું છે.

બે ભાઈબંધ વાતો કરવા બેઠા છે. પહેલો બીજાને પોતાના તાજા લગ્ન વિશે વાત કરતાં કહે છે કે લગ્ન એ જીવનના જલસાનો અંત નહીં, પણ પ્રારંભ છે હકીકતે તો. સાથે શિખામણ પણ ચોપડી આપે છે કે બધી વાતે નસીબ પર આધાર ન રખાય, ક્યારેક એ બાબતે સ્વાશ્રયી પણ બનવું રહ્યું. સુહાગરાતે નાયક પત્ની સાથે વાતચીતની શરૂઆત પરિવાર પરિચય આપવાથી કરે છે. પત્નીને કહે છે કે, (કઢેલા દૂધના) ગ્લાસને અને હનીમૂનને ગોળી માર અને પાસે આવ. કહે છે કે પોતે સાવ દેશી માણસ છે. પ્યોર GJ 2 યાનિ કે મહેસાણિયા તરીકે પોતાને ઓળખાવવાની નાયકની રીત પણ GJ 2 ના લક્ષણોને સુપેરે હાઇલાઇટ કરી આપે છે.

પોતાનો પરિચય આપી દીધા બાદ નાયકનું સ્ટિઅરિંગ પરિવાર તરફ ફરે છે. કહે છે કે મારી મા એક નંબરની જૂઠ્ઠી છે અને બાપ તો એનોય બાપ છે. અને બહેન પણ કંઈ કમ નથી. એક દિવસ બે ભાઈ-બહેન હૉમવર્ક કરતાં હતાં ત્યારે મા ઓડકાર ખાઈને પોતાનું પેટ ભરાયું હોવાની જાહેરાત કરે છે, તો સામા પક્ષે બાપ પણ પાણીવાળા હાથે મૂંછ લૂંછતાં નાયકને કહે છે કે આજે તો તારી માએ હદબહારનું ખવડાવ્યું છે. સાંભળીને બહેન રસોડામાં પેઠી અને રસોડામાં એકાદ વ્યક્તિને થઈ રહે એટલું જમવાનું માંડ બચ્યું હોવાથી રડતાં-રડતાં પોતાને પેટમાં દુઃખતું હોવાથી ભાઈને જમી લેવા કહે છે. બહેનના પેટમાં દુઃખાવાની સ્વીચ પોતાની માએ પાડી હોવાનું કહી કવિ ઘરમાં પ્રવર્તતી દારૂણ ગરીબી પત્ની આગળ જાહેર કરે છે. માનો ઓડકારેય જૂઠ્ઠો અને બાપનું ફાટફાટ પેટ પણ જૂઠ્ઠું અને બહેનના પેટનો દુઃખાવોય ખોટો. હકીકતે ઘરમાં કોઈ જમ્યું જ નથી અને કુળદીપક નાયક માટે બધા બલિદાન આપી રહ્યા હતા. આ વાત કરી લીધા પછી નાયક પોતાને દૂધ ભાવતું ન હોવાથી પત્નીને દૂધનો ગ્લાસ પી જવા કહે છે. સુહાગરાત છે, પણ બેઉ જણને થઈ રહે એટલું દૂધ પણ ઘરમાં નથી. પત્ની પણ મૂર્ખ નથી. પતિને જાને હાળા જૂઠ્ઠા કહીને એ પતિની ગરીબાઈનો સ્વીકાર કરે છે.

રચનામાં ભાષાની મોજ તો છે જ પણ સાથે કવિતા પણ બળકટ થઈ હોવાથી મોજ બેવડાતી અનુભવાય છે. વાહ કવિ!

Comments (12)

(લોબાનકણિકા અને અંગારો) – મધુસૂદન પટેલ ‘મધુ’

દુનિયાએ તો કેવળ જોયું, જોયો દૂર ધુમાડો,
કંઈ સળગ્યું કે પ્રગટ્યું એ તો જાણે ફક્ત સીમાડો.

ક્ષેત્રપાળની દેરી સાખે થયો હતો સથવારો,
એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો.
પવનદેવ પણ જોવા અટક્યા, ઊંચી થઈ ગઈ વાડો.

પીઠી થઈ ગ્યો ગરમાળો ને ગુલમહોર પાનેતર,
સીમપરીના ખોળે ચૉરી થઈ ગ્યું આખું ખેતર,
માદકતાનો માલિક મહુડો પી ગ્યો ઢળતો દા’ડો.

ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાવ અલગ જ વિષય પર લખાયેલું ગીત. આજકાલ ‘લવ-જેહાદ’ શબ્દ અખબારમાં છાશવારે ચમક્યા કરે છે પણ હિંદુ-મુસ્લિમ પ્રેમીયુગલની વાત અને તેય આવી કાવ્યાત્મક બાનીમાં – આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કવિએ આવું લખ્યું હશે!

બે જણ વચ્ચે કઈ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ તો ધર્મના સીમાડા વટાવી પ્રેમમાં પડનાર બે જણ જ જાણે, દુનિયા તો કેવળ દૂરથી ધુમાડો જ જોઈ શકે છે. પ્રથમ પંક્તિમાં જોયુંની પુનરોક્તિ અને બીજી પંક્તિમાં સળગ્યું-પ્રગટ્યુંની જોડી વાતને યથેચ્છ વળ ચડાવી મજબૂતીથી પેશ કરે છે, એ સ-રસ કવિકર્મની સાહેદી.

બે યુવાન હૈયાંની પ્રથમ મુલાકાતના સ્થળ તરીકે કવિએ ક્ષેત્રપાળની દેરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ પણ સૂચક છે. છોકરી મુસ્લિમ છે અને છોકરો હિંદુ એ વાત લોબાનકણિકા અને અંગારાના રૂપકથી કવિએ જાહેર કરી છે. ઉભયના મિલનને પોંખવા વાડ ઊંચી થઈ છે. ગામની સીમમાં બે હૈયાં એક થયાં. ઉનાળાની ઋતુ છે. પીળચટક ગરમાળો પીઠી અને લાલચટ્ટાક ગુલમહોર પાનેતર જેવાં શોભે છે. સીમનું ખેતર આખું લગ્નની ચોરી બની ગયું. આમ તો મહુડાનો દારૂ પીએ તેને નશો ચડે પણ બે આત્માના સાયુજ્ય ઉપર પ્રકૃતિ ખુદ ઓળઘોળ થઈ ગઈ છે એમ કહેવા કવિ મહુડો ઢળતા દિવસને પીને મત્ત થઈ ગયો હોવાનું પ્રતીક પ્રયોજે છે. માદકતાનો માલિક વિશેષણ પણ કેવું યથોચિત જણાય છે!

ઋતુ અને સમય બાબતની સુસંગતતા જાળવી શકાય તો ગીત સરસમાંથી ઉમદા બને એનું ઉદાહરણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. દિવસ ઢળી રહ્યો હોવાની વાત થઈ એટલે પરત ફરી રહેલ ગોધણની ઘંટડીઓ રણકી રહી છે. માળામાં ચાંચમાં ચણ લઈ પરત ફરી રહેલાં પંખીઓ અને એમનાં બચ્ચાંઓને લઈને હર એક માળા જાણે કે ચહેકી રહ્યા છે. કાવ્યાંતે કવિ અરણીને ફોરમતી દર્શાવે છે એ પણ સૂચક છે. અરણીનું વૃક્ષ પવિત્ર ગણાય છે. યજ્ઞ અને લગ્નમાં સમિધ તરીકે એનો ઉપયોગ થાય છે. અરણી યાને શીમડો કે ખીજડાના લાકડામાં અગ્નિ વસેલો હોવાનું ગણાય છે, કારણ કે એના બે ટુકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. આ કારણોસર આત્માને અરણીની ઉપમા પણ આપવામાં આવે છે. સીમવગડામાં હાજર સેંકડો વૃક્ષોમાંથી કવિએ અરણીનું જ ચયન કેમ કર્યું હશે તે સમજી શકાય છે. આખરી પંક્તિ મુખડા સાથે રચનાને બાંધી આપી એક વર્તુળ પૂર્ણ કરી આપે છે. બે વિધર્મીઓને એક થયેલાં જોઈ સમાજ સળગ્યું, દોડો, ઠારોની રાડો પાડતો હવનમાં હાડકાં નાંખવા આગળ આવે છે. વાસ્તવમાં તો પ્રેમ જ સર્વોપરી ધર્મ છે…

Comments (15)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

(ઘાયલ કરો) – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,
ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો.

પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,
જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો.

હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.

આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને,
કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો.

એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

ખુમારી! નકરી ખુમારી! અને એ પણ કેવી! વાહ, કવિ! એક પાગલવાળો શેર પ્રમાણમાં ઠીકઠાક લાગ્યો પણ એ સિવાયના ચારેય પર તો સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા સશક્ત!

Comments (4)

જલસા પડત – મધુસૂદન પટેલ ‘મધુ’

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સહેજ એમાં મહેંક જેવું હોત તો જલસા પડત.

તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે ‘તું ગોત’ તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાંની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

– મધુસૂદન પટેલ ‘મધુ’

જલસા પડત જેવી રમતિયાળ રદીફને કવિએ કેવી બખૂબી નિભાવી છે. આખી ગઝલમાંથી એક પણ શેર નબળો ગણીને બાજુએ મૂકી શકાય એવો નથી… વાહ કવિ! જલસા પડી ગયા…

Comments (14)