પરિવાર પરિચય – મધુસૂદન પટેલ ‘મધુ’
જો ભૈ
લગન એટલે જલસાનો સેલ્લો દાડો નહીં
જલસાની શરૂઆત
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)
આ તો તુ મારો હગ્ગો ભૈબંધ સ(અ) ન(અ)એટલે તન કહુ સુ.
માર લગનની પેલ્લી રાતે પેલ્લુ વાક્ય મુ આવુ બોલેલો:
ગ્લાસન(અ) ગોળી માર ન(અ) તુ ઑમ આય.
હનીમૂન પસ(અ) મનાઈશુ, અત્તારે મારી વાત હોંભળ
મુ હાવ દેશી મોંણહ
પ્યોર GJ 2
મારી મા એક નંબરની જૂઠ્ઠી
મારો બાપ ઈનો ગુરુ
અન(અ) મારી બુનની તો વાત જ જવા દે
એક દાડો અમે ભૈબુન લેસન કરતોં’તોં
મારી માએ મોટેથી ઓડકાર ખાધો
મારા બાપા મુસો ઉપર પોંણી વાળા હાથ ફેરવત(અ) ફેરવત(અ) બોલ્યા :
આજ તો તારી માએ કૉય ખવડાયુ(સ) કૉય ખવડાયુ સ(અ)!
પેટ ફાટુફાટુ થાય સ(અ)
આટલુ હોંભળતોં જ મારી બુન મારા પૅલા રહોડામ પૅઠી
અન(અ) બીજી જ સેકન્ડે રોવા બેઠી
રોત(અ) રોત(અ) મન(અ) કે ભૈ,
તુ ખઈ લે, મન(અ) પેટમાં દુઃખ સ(અ)
મારી બુનના પેટમાં દુખાવાની switch મારી માએ પાડી’તી
આટલું બોલીન(અ) મુ ઊભો થ્યો
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા.
– મધુસૂદન પટેલ ‘મધુ’
કવિતા કરવા ઉપરાંત કવિનું બીજું એક કામ તે ભાષાની જાળવણીનું. દુનિયાની કોઈપણ ભાષામાં સાહિત્યકાર ભાષાનો સર્વોચ્ચ પ્રહરી હોય છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિતા કરવા ઉપરાંત મહેસાણાની તળપદી ભાષાને જાળવવાનું કામ પણ બખૂબી કર્યું છે, એ નોંધવા જેવું છે.
બે ભાઈબંધ વાતો કરવા બેઠા છે. પહેલો બીજાને પોતાના તાજા લગ્ન વિશે વાત કરતાં કહે છે કે લગ્ન એ જીવનના જલસાનો અંત નહીં, પણ પ્રારંભ છે હકીકતે તો. સાથે શિખામણ પણ ચોપડી આપે છે કે બધી વાતે નસીબ પર આધાર ન રખાય, ક્યારેક એ બાબતે સ્વાશ્રયી પણ બનવું રહ્યું. સુહાગરાતે નાયક પત્ની સાથે વાતચીતની શરૂઆત પરિવાર પરિચય આપવાથી કરે છે. પત્નીને કહે છે કે, (કઢેલા દૂધના) ગ્લાસને અને હનીમૂનને ગોળી માર અને પાસે આવ. કહે છે કે પોતે સાવ દેશી માણસ છે. પ્યોર GJ 2 યાનિ કે મહેસાણિયા તરીકે પોતાને ઓળખાવવાની નાયકની રીત પણ GJ 2 ના લક્ષણોને સુપેરે હાઇલાઇટ કરી આપે છે.
પોતાનો પરિચય આપી દીધા બાદ નાયકનું સ્ટિઅરિંગ પરિવાર તરફ ફરે છે. કહે છે કે મારી મા એક નંબરની જૂઠ્ઠી છે અને બાપ તો એનોય બાપ છે. અને બહેન પણ કંઈ કમ નથી. એક દિવસ બે ભાઈ-બહેન હૉમવર્ક કરતાં હતાં ત્યારે મા ઓડકાર ખાઈને પોતાનું પેટ ભરાયું હોવાની જાહેરાત કરે છે, તો સામા પક્ષે બાપ પણ પાણીવાળા હાથે મૂંછ લૂંછતાં નાયકને કહે છે કે આજે તો તારી માએ હદબહારનું ખવડાવ્યું છે. સાંભળીને બહેન રસોડામાં પેઠી અને રસોડામાં એકાદ વ્યક્તિને થઈ રહે એટલું જમવાનું માંડ બચ્યું હોવાથી રડતાં-રડતાં પોતાને પેટમાં દુઃખતું હોવાથી ભાઈને જમી લેવા કહે છે. બહેનના પેટમાં દુઃખાવાની સ્વીચ પોતાની માએ પાડી હોવાનું કહી કવિ ઘરમાં પ્રવર્તતી દારૂણ ગરીબી પત્ની આગળ જાહેર કરે છે. માનો ઓડકારેય જૂઠ્ઠો અને બાપનું ફાટફાટ પેટ પણ જૂઠ્ઠું અને બહેનના પેટનો દુઃખાવોય ખોટો. હકીકતે ઘરમાં કોઈ જમ્યું જ નથી અને કુળદીપક નાયક માટે બધા બલિદાન આપી રહ્યા હતા. આ વાત કરી લીધા પછી નાયક પોતાને દૂધ ભાવતું ન હોવાથી પત્નીને દૂધનો ગ્લાસ પી જવા કહે છે. સુહાગરાત છે, પણ બેઉ જણને થઈ રહે એટલું દૂધ પણ ઘરમાં નથી. પત્ની પણ મૂર્ખ નથી. પતિને જાને હાળા જૂઠ્ઠા કહીને એ પતિની ગરીબાઈનો સ્વીકાર કરે છે.
રચનામાં ભાષાની મોજ તો છે જ પણ સાથે કવિતા પણ બળકટ થઈ હોવાથી મોજ બેવડાતી અનુભવાય છે. વાહ કવિ!
DILIPKUMAR LAKHABHAI CHAVDA said,
November 3, 2022 @ 12:46 PM
વાહ,
રસપ્રદ મોજ કરાવે એવી રચના
Barin said,
November 3, 2022 @ 1:16 PM
Unable to type Gujarati but very cool song.
GJ2 is homeland of madhubhai and he has brought it very well.
I have stayed in North Gujarat for 10 years so loved it.
Would wait for an event when we can hear the same from him, he is an excellent narrator of his own poems also.
Thanks for sharing
gaurang thaker said,
November 3, 2022 @ 1:49 PM
ખૂબ સરસ… વાહ વાહ..
રિયાઝ લાંગડા (મહુવા). said,
November 3, 2022 @ 4:40 PM
વાહ…👌👌
Shah Raxa said,
November 3, 2022 @ 5:15 PM
વાહ..વાહ..ખૂબ સરસ
ગુરુદેવ પ્રજાપતિ ' ફોરમ ' said,
November 3, 2022 @ 11:03 PM
મોજ
Bharati gada said,
November 4, 2022 @ 5:43 AM
વાહ ખૂબ સુંદર તળપદી શબ્દો સાથેની સુંદર રચના સુંદર આસ્વાદ સાથે
pragnajuvyas said,
November 4, 2022 @ 6:03 AM
મહેસાણાની તળપદી ભાષામા મધુસૂદન પટેલ ‘મધુ’નુ સરસ અછાંદસ,
ડૉ વિવેકનો ખૂબ સરસ આસ્વાદ ન હોત તો માણવાની આટલી મજા ન આવત
પરિવાર પરિચયે યાદ આવે હાસ્ય સમ્રાટ જ્યોતિંદ્ર દવેનો પરિચયની આ પંક્તિઓ…
સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો; કાતર ફેંકી દીધી !
દેહ દાતણના જેવો, મન મર્કટના સમું,
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો અને છેલ્લે
Reference to the movement of ‘kundalini’, the spiritual power coiled up in the base area of the body, that moves up the spine, sometimes like a serpent, when it is spiritually activated.જેમ
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા. માણતા અનુભવાયું-પ્રેમ મહાન છે, પ્રેમ પવિત્ર છે, પ્રેમ અલૌકિક છે, એ બધું સાચું, પણ પ્રેમ જો એ બંને તરફે હોય તો.તું હસતો હોય છે ત્યારે મારો ચહેરો પણ થોડોક ખીલે છે, તું રડે ત્યારે મારી આંખોમાં પણ ભીનાશ વર્તાય છે. તને ધ્રાસ્કો પડે ત્યારે મારી ધડકન પણ તેજ થઈ જાય છે. પ્રેમને ભરપૂર જીવો, પણ જો એ બંને તરફ તરબતર હોય તો,
Harihar Shukla said,
November 4, 2022 @ 7:45 AM
વાહ વાહ કવિ, વાહ વાહ વાહ આસ્વાદકાર👌
કાવ્યપ્રશંસક said,
November 4, 2022 @ 11:19 AM
કવિ ને કોટી કોટી અભિનંદન!
શું આપણે બધા જ આવુ જુઠ્ઠુ ક્યારેક બોલી લેતા નથી?
Poonam said,
November 8, 2022 @ 11:34 PM
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)… Ji sahemat !
– મધુસૂદન પટેલ ‘મધુ’ –
Aaswaad વાહ કવિ! 👍🏻
Lata Hirani said,
November 18, 2022 @ 12:32 PM
ગમ્યું