અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.
વિવેક મનહર ટેલર

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

12 Comments »

  1. Pravin Shah said,

    December 12, 2021 @ 6:30 AM

    વાહ ! વાહ ! ખૂબ સુન્દર !

  2. pragnajuvyas said,

    December 12, 2021 @ 9:34 AM

    ખૂબ સુંદર શેર સંકલન
    સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસના ફરી અભિનંદન

  3. જયેન્દ્ર ઠાકર said,

    December 12, 2021 @ 7:00 PM

    તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
    એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
    – નીતિન વડગામા
    સરસ!!
    ભગવાનથી બધે ન પહોંચ, એટલે જ તો મા મળી.

  4. Indu Shah said,

    December 12, 2021 @ 8:33 PM

    ખૂબ સુંદર શેર સંકલન ,
    બહુ જુની અને જાણીતી કહેવત
    “મા તે મા બીજા બધા વગડાના વા”
    દિલથી ૧૭ વર્ષ પૂરા કર્યાના અભિનંદન.

  5. narendrasinh said,

    December 13, 2021 @ 12:09 AM

    સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસના ફરી ખુબ ખુબ અબિનન્દન

  6. સુનીલ શાહ said,

    December 13, 2021 @ 2:13 AM

    ખૂબ સુંદર સંકલન.
    17 વર્ષ, 5000મી પોસ્ટના પડાવ પર દિલથી અભિનંદન, સ્નેહકામનાઓ

  7. Turab Mandapwala said,

    December 13, 2021 @ 2:47 AM

    ખૂબ સુંદર શેર સંકલન,
    17 વર્ષ, 5000મી પોસ્ટના પડાવ પર દિલથી અભિનંદન, સ્નેહકામનાઓ

  8. Dr.Bipin.N.Thacker said,

    December 13, 2021 @ 3:11 AM

    ખૂબ ગમ્યું
    Keep it up

  9. Charulata Anajwala said,

    December 13, 2021 @ 8:42 AM

    એક એકથી ચઢિયાતા શેરનું ખૂબ સુંદર સંકલન…👌👌👌
    5000 મી પોસ્ટ નિમિત્તે અઢળક અભિનંદન અને શુભેચ્છાઓ..💐

  10. Poonam said,

    December 13, 2021 @ 10:58 PM

    સોયમાં દોરાને બદલે બા હતી;
    ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
    – ગૌરાંગ ઠાકર Waah

    શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
    રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
    – અશોક ચાવડા ‘બેદિલ’ uff…

    ‘મ’ને જ્યારે કાનો લાગે,
    દરિયો સુદ્ધાં નાનો લાગે.
    – જગદીપ – Aahaa

  11. Rajesh Hingu said,

    December 15, 2021 @ 12:32 PM

    વાહ…સુંદર સંકલન..

  12. Kajal kanjiya said,

    December 15, 2021 @ 9:56 PM

    બધા શેર ખૂબ સરસ સહુ કવિઓને અભિનંદન

    અને માતૃમહિમાની રચનાઓનો સરાહનીય તૃપ્તિ દાયક આસ્વાદ પીરસવા બદલ આસ્વાદને પણ ખૂબ ખૂબ અભિનંદન
    💐😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment