પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માતૃમહિમા

માતૃમહિમા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

માતૃમહિમા : ૦૭ : મમ્મી પ્યારી – એમી આર. એડિંગ્ટન (અનુ.: વિવેક મનહર ટેલર)

તે મારી મા છે,
એક દુર્દાન્ત, અપ્રાપ્ય ધ્યેય.
લોખંડી અને મખમલી અને અક્ષમ્ય વખાણથી બનેલી સ્ત્રી.
એ એ તમામનું માપ છે,
જે હું કદી બની શકનાર નથી.
એ મને જુએ છે અને મારી આરપાર જુએ છે.
એ મને ચાહે છે પણ એના કાંટાળી વાડવાળા દિલથી,
મને અનુમોદનની
અવિરત તડપની સાંકળમાં જકડી રાખીને.
હું મારું માથું ઈંટોની દીવાલ સાથે
અવિરતપણે અફાળ્યા કરીશ,
જો તું મને માત્ર એટલું કહી દે કે તું મને પ્રેમ કરે છે,
તને મારા પર ગર્વ છે,
બસ, કહી દે કે હું સારી છું.
સ્વ-મૂલ્યનના તમામ માપદંડ એક જ સ્ત્રીમાં ભર્યા પડ્યા છે
જે મને એટલો પ્રેમ કરે છે
કે મને ચીરી નાંખી શકે છે.

– એમી આર. એડિંગ્ટન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પુષ્કળ શોધખોળ કરવા છતાં માતા અને સંતાનોના સંબંધમાં ઉદભવતી તકલીફો વિશે બહુ ઓછી કવિતાઓ જ હાથ લાગી. આ વિષય પર દિલીપ ઝવેરીની એક અદભુત રચના થોડા દિવસ પહેલાં આપણે માણી. એક રચના મારી પણ આપ અહીં માણી શકો છો. આજે જે રચના અહીં પૉસ્ટ કરી છે, એના કવયિત્રીનું નામ બિલકુલ જાણીતું નથી. એમણે લખેલી અન્ય કોઈ રચનાઓ પણ હાથ આવતી નથી.

દીકરી માને પુષ્કળ પ્રેમ કરે છે અને મા પણ દીકરીને પ્રેમ કરે છે પણ જિંદગી માટે પોતે ‘સેટ’ કરેલ સિદ્ધાંતોના ભોગે નહીં. સંતાનો માટે મા-બાપ જીવનના પ્રથમ આદર્શ હોય છે અને દરેક સંતાન કમસેકમ જીવનની શરૂઆતમાં તો મા-બાપ જેવા જ બનવાનું નિર્ધારતાં હોય છે. પણ અહીં દીકરી મા માટે મા એક અદમ્ય અને અપ્રાપ્ય ધ્યેય છે. એનું વ્યક્તિત્વ લોખંડી પણ છે અને મખમલી પણ. કઠોરતા અને ઋજુતાના સંમિશ્રણથી બનેલી મા દીકરીની આરપાર તાગી શકે એવી તીક્ષ્ણ નજર પણ રાખે છે. એ દીકરીને પ્રેમ તો કરે છે પણ એના હૃદયની ફરતે કાંટાળી વાડ છે અને દીકરીએ માનો સ્નેહ મેળવવા માટે અવિરતપણે તડપતા રહેવું પડે છે, કેમકે માએ નિર્ધારિત કરેલ પદચિહ્નો પર ચાલી ન શકે ત્યાં સુધી મા એને પ્રેમામૃતનો સ્વાદ ચખાડનાર નથી. દીકરી માને એટલો પ્રેમ કરે છે કે ખાલી એકવાર પણ જો મા એમ કહી દે કે એ એને ચાહે છે, એને એના પર ગર્વ છે અને એ સારી દીકરી છે, તો બદલામાં આખી જિંદગી દીવાલમાં માથું અફાળ્યા કરવાની સજા ભોગવવા પણ એ તૈયાર છે. પણ મા પોતે નક્કી કરેલ સ્વમૂલ્યનના માપદંડ પરથી તસુભર પણ નીચે ઉતરવા માંગતી નથી, ભલે દીકરી એના પ્રેમની તરસમાં ચિરાઈ કેમ ન જાય!

આપણામાંથી ઘણાને વધતે-ઓછે અંશે આ અનુભવ થયા જ હશે. દરેક માતા પોતાના સંતાનોને સુપર-કિડ જોવા માંગે છે. અભ્યાસ, રમત-ગમત, કળા –તમામ ક્ષેત્રમાં અગ્રેસર આવવા માટે માતાઓ સંતાનોને સતત પ્રેસરાઇઝ્ડ કરતી જ રહે છે. દર થોડા દિવસે અખબારમાં સમાચાર આવતાં રહે છે કે નવમા-દસમા-બારમા ધોરણમાં કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. ખલિલ જિબ્રાનની આ વાત આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવી છે:

Your children are not your children.
They are the sons and daughters of Life’s longing for itself.
They come through you but not from you,
And though they are with you yet they belong not to you.
You may give them your love but not your thoughts,
For they have their own thoughts.
You may house their bodies but not their souls,
You may strive to be like them, but seek not to make them like you.

*
mommy dearest

She is my mother,
that indomitable, unattainable goal.
A woman of iron and silk and unforgiving praise.
She is the measure of all that
I will never be.
She sees me and looks right through me.
She loves me with a barbed wire heart,
chaining me to a relentless yearning
of approval.
I will beat my head
endlessly against a brick wall
if you simply say you love me,
say you’re proud of me,
say I’m good.
All measure of self-worth is wrapped
in the one woman who loves me enough
to tear me apart.

– Amy R. Addington

Comments (8)

માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

Comments (10)

માતૃમહિમા : ૦૫ : મા – જયન્ત પાઠક

ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.

રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.

– જયન્ત પાઠક

મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?!  મા તે મા, બીજા બધા વગડાનાં વા !    જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!

હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.

Comments (5)

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (6)

માતૃમહિમા : ૦૩ : सिपाही का मर्सिया – फैज़ अहमद फैज़

उट्ठो अब माटी से उट्ठो
जागो मेरे लाल
अब जागो मेरे लाल

तुमरी सेज सजावन कारन
देखो आई रैन अँधियारन
नीले शाल-दोशाले ले कर [ ઘેરા રંગની શાલ ]
जिन में इन दुखियन अँखियन ने
ढेर किए हैं इतने मोती
इतने मोती जिन की ज्योती
दान से तुम्हरा, जगमग लागा
नाम चमकने

उट्ठो अब माटी से उट्ठो
जागो मेरे लाल
अब जागो मेरे लाल

घर घर बिखरा भोर का कुंदन [ સવારનો સોનેરી તડકો }
घोर अँधेरा अपना आँगन
जाने कब से राह तके हैं
बाली दुल्हनिया, बाँके वीरन
सूना तुमरा राज पड़ा है
देखो कितना काज पड़ा है
बैरी बिराजे राज-सिंहासन
तुम माटी में लाल

उट्ठो अब माटी से उट्ठो,
जागो मेरे लाल
हठ न करो माटी से उट्ठो,
जागो मेरे लाल
अब जागो मेरे लाल

– फैज़ अहमद फैज़

મા નો આર્તનાદ છે – વીર પુત્ર અન્યાય સામે લડતા શહીદી પામે છે ત્યારે મા વિશ્વાસ નથી કરી શકતી કે તે હવે કદી નહીં ઉઠે….દીકરાને અદમ્ય વ્હાલથી ઉઠાડે છે….

આ નઝ્મ વાંચીને આંખ ભીની ન થાય તો નવાઈ….

માભોમ માટે વીરગતિ પામતા પુત્રોની માતાઓની પરિસ્થિતિ વિચારતા રુંવાડા ઊભા થઈ જાય !! પોતાના હાથે વીરતિલક કરીને વહાલસોયાને રણભૂમિએ વિદાય કરતી મા પુત્ર કરતાં ઓછી વીર નથી હોતી…..

 

નૈયારા નૂરના અદ્ભૂત કંઠે આ રચના ગવાયેલી છે 👇🏻

 

Comments (2)

માતૃમહિમા : ૦૨ : મા – દિલીપ ઝવેરી

એક વા૨ જનમ દઈને
મા વસૂલી કરતી જ રહે છે
જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂત૨ના રેલા તપાસે
તેમ પાટી પરના એકડા
શબ્દોની જોડણી
અક્ષરના માર્ક
લખોટીની ડબલી
નોટબુકનાં પૂંઠાં
ચોપડીમાં સંતાડેલાં ચિત્ર
દોસ્તારોનાં સ૨નામાં
બહેનપણીઓનાં નામ નામ વગ૨ના નંબર
બસની લોકલની સિનેમાની બચેલી ટિકિટો
સિગારેટનું ન ફેંકેલું ખોખું
બુટનાં તળિયાં ખમીસના કૉલ૨
ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી
ચાવી ફે૨વતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે

જાસૂસી વાર્તાનો ભેદ ખૂલવાનો હોય
તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે
રેડિયો પર ગમતું ગીત આવતું હોય ત્યારે
ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે
પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં
‘દીકરા દાક્તર થવાનું છે’ એવા આશીર્વાદ દે
નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળતાં
ટપાલઘરથી ટિકિટ લઈ આવવા કહે
ઘ૨વાળીને સિનેમામાં લઈ જતાં
કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે
નાહીને બ૨ડો લૂછો તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ
ઝિપ ખૂલા પાટલૂનનો પટ્ટો બાંધતે ટાણે કહે
‘ભાત ખાવામાં ભાન રાખતો નથી.’
અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી ખરેલા વાળની ગૂંચ બોલે
‘અત્યારથી જ તારાં ઓડિયાં ધોળાં થવા માંડ્યાં છે’

મારા દીકરાને નિશાળે જતાં પહેલાં ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે.
‘તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નો’તાં’
ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે
‘રસોઈમાં ભલેવાર નથી’

બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે
‘પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’
‘બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે
ખી ખી કરતાં લાજ નહીં
ને ધણીના મોંમાં મગ ભર્યા છે’
‘પિયરિયાંને ચામાં ખાંડ ઝાઝી મફતની આવે છે’
‘ઘાઘરાને કાંજી ચડાવે પણ વ૨ના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યાં છે’
‘ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામડે બચેલામાં વાંદા ફરશે’
સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાંનાં
મરણની નોંધ વાંચી રામ રામ રટતી
પોતાની આવતી કાલને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરે
ભાગવત પાઠ કરતાં ચશ્માંમાંથી આંખ ઊંચી કરી
ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય
હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા

એક વા૨ જનમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે.

– દિલીપ ઝવેરી

ભાવકોની ક્ષમાયાચના – હું માર્તુત્વના glorificationમાં નથી માનતો. માતા આખરે માનવી છે અને માનવસહજ નબળાઈઓ અને સામર્થ્ય – બંને ધરાવે છે. ખૂબ નાનપણથી જ મને કદીપણ એ વાત સમજાઈ જ નથી કે બાળકને જન્મ આપીને શું માતા-પિતા તેના પર કોઈ ઉપકાર કરે છે ?? શું એ પ્રકૃતિના નિયમને આધીન નથી ? બાળકનો ઉછેર અને તે માટે આપવામાં આવતું બલિદાન એ જરૂર માતા-પિતાનું ઉત્તમ ચારિત્ર્ય દર્શાવે છે, પરંતુ તે શું માતા-પિતાની personal choice પણ નથી ?? બાળક તો તે વખતે કંઈપણ માગણી મૂકવા સક્ષમ હોતું જ નથી. વળી એ તો ઋણાનુબંધ છે – બાળક પોતાનો સમય આવ્યે પોતાનું કર્તવ્ય નિભાવે જ છે !!. ” છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય ” – આ કહેવત બાળકો સાથે અન્યાય કરતી મને હંમેશા લાગી છે. સમાજમાં કમાવતરના કિસ્સા ઓછા નથી. દીકરીની ભ્રુણહત્યાથી વિશેષ કમાવતરપણાના ઉદાહરણની જરૂર ખરી વળી ??? ભૃણહત્યા કરાવનાર માતા હમેશા ‘લાચાર અને અસહાય’ નથી હોતી !!

જેવા અન્ય સંબંધો છે તેવા જ મા-બાળકના સંબંધ- એમ માનું છું. કોઈપણ માનવીય સંબધનું ઊંડાણ માનવી-માનવીની મૂળભૂત સારાઈ, પ્રજ્ઞાના સ્તર અને જે-તે વ્યક્તિની કરુણાની વ્યાપકતા ઉપર આધાર રાખે છે. જે માણસ મૂળભૂત રીતે જેટલું સારું,તેટલા તેના સંબંધો સુંદર, તેટલું તેનું કોઈપણ સંબંધમાં commitment સંપૂણ…..ઘણીબધી મહિલાઓ “માતા-બાળક” ના લેબલ વગરના સંબંધો પણ ઉત્કૃષ્ટ રીતે ઉજાળે છે. માતાને glorify કરવામાં અજાણતા અન્ય સંબંધોને અન્યાય થઇ જતો હોય છે.

વળી મને માતૃસવરૂપની પોતાના સંતાન માટેની મમતા તો દેખાય છે, અનુભવાય છે, સમજાય છે…..પરંતુ તે સંતાનના જીવનસાથી માટેનો-ખાસ કરીને પુત્રવધુ માટેનો -માતાનો અભાવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજી તો શકાય છે, પણ સ્વીકારી નથી શકાતો,માફ નથી થઈ શકતો,નજરઅંદાઝ નથી કરી શકાતો….. આવી કેવી મમતા ??? પોતાની દીકરી એ દીકરી અને પોતાની પુત્રવધુ એ ડાકણ ?????

માતાની મમતા સૌએ અનુભવી છે, સાથે જ પિતાની મમતા પણ અનુભવી છે….અન્ય આપ્તજનોની પણ અનુભવી છે….

પ્રસ્તુત કાવ્ય મીઠું-કડવું કાવ્ય છે. ક્યાંક કવિ માતાની લાક્ષણિકતાઓને હસી કાઢે છે, તો ક્યાંક માતાની માનવસહજ ત્રુટિઓને બક્ષતા નથી. છેલ્લી પંક્તિ કવિનો મૂડ સ્પષ્ટ કરી દે છે.

માતા માનવી છે – વધુ પણ કંઈ નહીં, ઓછું પણ કંઈ નહીં……

Comments (17)

માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક

(મંદાક્રાન્તા)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;
એકાન્તોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા, પણ, સકલ ભન્ડાર મેં ખોલી જોયા!

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા.
તેમાં ન્હોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ!
જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ:
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!

– કરસનદાસ માણેક

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે માતૃમહિમાની શરૂઆત કરસનદાસ માણેકના આ સૉનેટથી કરીએ.

જીવનના ગૂઢતમ રહસ્યો ઉકેલવા માટે, જ્ઞાનનો પ્રકાશ પામવાને માટે મનુષ્ય જીવનભર મથતો રહે છે. ગ્રંથો ઉથલાવ્યે રાખે છે, તીર્થોના મેલા પાણીમાં સ્નાનાદિ કરે છે, મંદિરોના આંટાફેરા કરે છે, સંતોનું શરણું સેવે છે, એકાંતવાસમાં જાતને જોવા-પામવાની કોશિશ કરે છે, દુનિયામાં વખણાયેલ ભીતરના સઘળા ભંડાર પણ ખોલી જુએ છે, પણ ક્યાંય ઇચ્છિત તેજકણ કે જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.

દીકરાનો આ વૃથા વ્યાયામ, આ ગડમથલ માની આંખોથી છાનો રહેતો નથી. એ કેવળ પ્રેમામૃત વર્ષાવ્યા કરે છે અને એમાં નથી હોતો સંતાનને પોતાના તરફ ખેંચવાની સ્વાર્થવૃત્તિ કે નથી હોતી પોતાની થઈ રહેલી અવગણનાના કારણે અનુભવાતા દુઃખનો સહેજે ભાસ. એની તો દિલી ઇચ્છા એ જ રહે છે કે પોતાના બાળકને જ્યોતિ લાધે… પણ સંતાનને મોડે મોડે રહીરહીને ખબર પડે છે જે એની મા જ ખરું જ્યોતિધામ છે…

માતૃમહિમા કરતી કેટલીક રચનાઓ લયસ્તરો પર પહેલેથી જ છે, એટલે એનું પુનરાવર્તન ન કરવાનું નિર્ધાર્યું છે. ગુજરાતી સાહિત્યની એ અમર રચનાઓ આપ અહીં ફરીથી માણી શકો છો:

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ. – દામોદર ખુ. બોટાદકર
વળાવી બા આવી – ઉશનસ્
આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

આ સિવાય પણ કેટલીક ઉમદા રચનાઓ અહીં માણી શકાશે…

મા-અશોક ચાવડા ‘બેદિલ’
બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી
બા – મૂકેશ જોશી
ઠાકોરજી – મા – હસમુખ પાઠક
પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ
મા – સંદીપ ભાટિયા
ગઝલ – કિશોર બારોટ
મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

Comments (5)

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટની આજે સત્તરમી વર્ષગાંઠ…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકામાં ગુજરાત અને ગુજરાતી સાથે લુપ્ત થઈ ગયેલું અનુસંધાન સાધવા ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી… સત્તર વર્ષની અવિરત યાત્રા બાદ આજે અગિયારસોથી વધુ કવિઓની ૫૦૦૦થીય વધુ રચનાઓ ગુજરાતી કાવ્યસાહિત્યપ્રેમીઓની સેવામાં આજે ઉપલબ્ધ છે… લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની આંધી વચ્ચે ગઈકાલ બનતી જતી વેબસાઇટ્સ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ તો સમય જ કહેશે પણ હજી સુધી લયસ્તરોના ચાહકોનો સ્નેહ ઢાલ બનીને રક્ષણ કરી રહ્યો હોવાથી અમારો ઉત્સાહ હજી ટકી રહ્યો છે.. આ ઉત્સાહ આગળ જતાં પણ બરકરાર રહે એ માટે અમને આપ સહુના સ્નેહ-સાથની સતત જરૂર રહેશે… આપ અમારી સાથે ને સાથે જ રહેશો ને?

મહંમદ પયગંબરે કહ્યું હતું: ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ તો ચાલો, આ વરસે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે માતૃમહિમાના કાવ્યોના માધ્યમથી આ સ્વર્ગની થોડા વધુ નજીક સરીએ…

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

– ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (49)