ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
– હર્ષા દવે

માતૃમહિમા : ૦૨ : મા – દિલીપ ઝવેરી

એક વા૨ જનમ દઈને
મા વસૂલી કરતી જ રહે છે
જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂત૨ના રેલા તપાસે
તેમ પાટી પરના એકડા
શબ્દોની જોડણી
અક્ષરના માર્ક
લખોટીની ડબલી
નોટબુકનાં પૂંઠાં
ચોપડીમાં સંતાડેલાં ચિત્ર
દોસ્તારોનાં સ૨નામાં
બહેનપણીઓનાં નામ નામ વગ૨ના નંબર
બસની લોકલની સિનેમાની બચેલી ટિકિટો
સિગારેટનું ન ફેંકેલું ખોખું
બુટનાં તળિયાં ખમીસના કૉલ૨
ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી
ચાવી ફે૨વતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે

જાસૂસી વાર્તાનો ભેદ ખૂલવાનો હોય
તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે
રેડિયો પર ગમતું ગીત આવતું હોય ત્યારે
ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે
પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં
‘દીકરા દાક્તર થવાનું છે’ એવા આશીર્વાદ દે
નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળતાં
ટપાલઘરથી ટિકિટ લઈ આવવા કહે
ઘ૨વાળીને સિનેમામાં લઈ જતાં
કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે
નાહીને બ૨ડો લૂછો તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ
ઝિપ ખૂલા પાટલૂનનો પટ્ટો બાંધતે ટાણે કહે
‘ભાત ખાવામાં ભાન રાખતો નથી.’
અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી ખરેલા વાળની ગૂંચ બોલે
‘અત્યારથી જ તારાં ઓડિયાં ધોળાં થવા માંડ્યાં છે’

મારા દીકરાને નિશાળે જતાં પહેલાં ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે.
‘તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નો’તાં’
ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે
‘રસોઈમાં ભલેવાર નથી’

બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે
‘પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’
‘બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે
ખી ખી કરતાં લાજ નહીં
ને ધણીના મોંમાં મગ ભર્યા છે’
‘પિયરિયાંને ચામાં ખાંડ ઝાઝી મફતની આવે છે’
‘ઘાઘરાને કાંજી ચડાવે પણ વ૨ના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યાં છે’
‘ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામડે બચેલામાં વાંદા ફરશે’
સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાંનાં
મરણની નોંધ વાંચી રામ રામ રટતી
પોતાની આવતી કાલને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરે
ભાગવત પાઠ કરતાં ચશ્માંમાંથી આંખ ઊંચી કરી
ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય
હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા

એક વા૨ જનમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે.

– દિલીપ ઝવેરી

ભાવકોની ક્ષમાયાચના – હું માર્તુત્વના glorificationમાં નથી માનતો. માતા આખરે માનવી છે અને માનવસહજ નબળાઈઓ અને સામર્થ્ય – બંને ધરાવે છે. ખૂબ નાનપણથી જ મને કદીપણ એ વાત સમજાઈ જ નથી કે બાળકને જન્મ આપીને શું માતા-પિતા તેના પર કોઈ ઉપકાર કરે છે ?? શું એ પ્રકૃતિના નિયમને આધીન નથી ? બાળકનો ઉછેર અને તે માટે આપવામાં આવતું બલિદાન એ જરૂર માતા-પિતાનું ઉત્તમ ચારિત્ર્ય દર્શાવે છે, પરંતુ તે શું માતા-પિતાની personal choice પણ નથી ?? બાળક તો તે વખતે કંઈપણ માગણી મૂકવા સક્ષમ હોતું જ નથી. વળી એ તો ઋણાનુબંધ છે – બાળક પોતાનો સમય આવ્યે પોતાનું કર્તવ્ય નિભાવે જ છે !!. ” છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય ” – આ કહેવત બાળકો સાથે અન્યાય કરતી મને હંમેશા લાગી છે. સમાજમાં કમાવતરના કિસ્સા ઓછા નથી. દીકરીની ભ્રુણહત્યાથી વિશેષ કમાવતરપણાના ઉદાહરણની જરૂર ખરી વળી ??? ભૃણહત્યા કરાવનાર માતા હમેશા ‘લાચાર અને અસહાય’ નથી હોતી !!

જેવા અન્ય સંબંધો છે તેવા જ મા-બાળકના સંબંધ- એમ માનું છું. કોઈપણ માનવીય સંબધનું ઊંડાણ માનવી-માનવીની મૂળભૂત સારાઈ, પ્રજ્ઞાના સ્તર અને જે-તે વ્યક્તિની કરુણાની વ્યાપકતા ઉપર આધાર રાખે છે. જે માણસ મૂળભૂત રીતે જેટલું સારું,તેટલા તેના સંબંધો સુંદર, તેટલું તેનું કોઈપણ સંબંધમાં commitment સંપૂણ…..ઘણીબધી મહિલાઓ “માતા-બાળક” ના લેબલ વગરના સંબંધો પણ ઉત્કૃષ્ટ રીતે ઉજાળે છે. માતાને glorify કરવામાં અજાણતા અન્ય સંબંધોને અન્યાય થઇ જતો હોય છે.

વળી મને માતૃસવરૂપની પોતાના સંતાન માટેની મમતા તો દેખાય છે, અનુભવાય છે, સમજાય છે…..પરંતુ તે સંતાનના જીવનસાથી માટેનો-ખાસ કરીને પુત્રવધુ માટેનો -માતાનો અભાવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજી તો શકાય છે, પણ સ્વીકારી નથી શકાતો,માફ નથી થઈ શકતો,નજરઅંદાઝ નથી કરી શકાતો….. આવી કેવી મમતા ??? પોતાની દીકરી એ દીકરી અને પોતાની પુત્રવધુ એ ડાકણ ?????

માતાની મમતા સૌએ અનુભવી છે, સાથે જ પિતાની મમતા પણ અનુભવી છે….અન્ય આપ્તજનોની પણ અનુભવી છે….

પ્રસ્તુત કાવ્ય મીઠું-કડવું કાવ્ય છે. ક્યાંક કવિ માતાની લાક્ષણિકતાઓને હસી કાઢે છે, તો ક્યાંક માતાની માનવસહજ ત્રુટિઓને બક્ષતા નથી. છેલ્લી પંક્તિ કવિનો મૂડ સ્પષ્ટ કરી દે છે.

માતા માનવી છે – વધુ પણ કંઈ નહીં, ઓછું પણ કંઈ નહીં……

17 Comments »

  1. preetam lakhlani said,

    December 6, 2021 @ 1:50 AM

    મા પરની એક સુંદર કવિતા. કવિ/ડોકટરને શુભેચ્છા

  2. preetam lakhlani said,

    December 6, 2021 @ 1:51 AM

    ડોકટર/કવિનો આસ્વાદ પણ કાવ્ય જેટલો જ અદ્ભૂત

  3. વિવેક said,

    December 6, 2021 @ 2:29 AM

    સટ્ટાક !!!

    જોરદાર કવિતા… અને એવો જ સચ્ચાઈભર્યો આસ્વાદ…

    આનંદ…

  4. ડૉ. મનોજ જોશી 'મન' (જામનગર) said,

    December 6, 2021 @ 6:56 AM

    એક અનોખો એંગલ…. 🙏🏻🙏🏻

  5. Vaishali Tailor said,

    December 6, 2021 @ 7:00 AM

    વાહ….!!!
    એકદમ સચોટ કવિતા અને ઉત્તમ આસ્વાદ 💐

  6. Rachna Shah said,

    December 6, 2021 @ 7:08 AM

    Tirthesh …original…wah..

  7. હરીશ દાસાણી. said,

    December 6, 2021 @ 7:18 AM

    દિલીપ ઝવેરીની આ કવિતા યાદ કરાવે છે કે આ ઝવેરીનો માપકાંટો છે. તેમાં ભાવનાઓના ઉભરાનું,એ ભીની હવાનું મિલિગ્રામ જેટલું વધારે વજન પણ નહીં સ્વીકારે. માતૃત્વને અપાયેલ રંગદર્શી પુટ કાઢીને અહીં કવિ માતાને પણ તેના સહજ સ્વભાવ પ્રમાણે પ્રસ્તુત કરે છે. માનવસહજ શકિત અને નબળાઈ માતામાં ન હોય અને મા તો દેવી સ્વરૂપ જ એવા જડ વલણને આ કવિતા પડકારે છે.

  8. Pravin Shah said,

    December 6, 2021 @ 8:04 AM

    મા તે મા, મા આવી જ હોય !
    બંને કસબીઓને અભિનંદન !

  9. Parbatkumar said,

    December 6, 2021 @ 8:39 AM

    આહ

  10. Susham pol said,

    December 6, 2021 @ 8:44 AM

    વાહ, ખૂબ સુંદર કવિતા અને આસ્વાદ પણ

  11. M said,

    December 6, 2021 @ 8:50 AM

    કવિ ની કલ્પના ને દાદ!
    દરેક સંબંધ નું નામ આપણે જ પાડયું છે. તો એમાંથી એક નામ મા-દીકરા / મા-દિકરી.
    જ્યારે બાપ ના હોય અને સંતાન ઉછેર ની જવાબદારી મા સિવાય કોઈ પૂરી કરે એવા જુજ દાખલા જોવા મળે. તો કોઈક કિસ્સા માં વળતર ની અપેક્ષા ય જોવા મળે.
    જે આનંદ છે તે આ ખાટાં મધુરા સ્મરણો નો છે એને નફા ખોટ ના ત્રાજવે તોલી વ્યાપારી ના થવાય.
    આ રંગમંચ પર, બધાં ય સંબંધો મૂળે તો એક ફાઇલ છે, જેનો સમભાવે નિકાલ કરવાનો લ્હાવો લઈએ.

  12. pragnajuvyas said,

    December 6, 2021 @ 9:46 AM

    મા પરની એક અલગ અંદાજની કવિતા

  13. જાનકી said,

    December 6, 2021 @ 11:03 AM

    Just superb….
    એકદમ નોખી કવિતા અને રસપ્રદ આસ્વાદ…
    શુભકામનાઓ..

  14. જયેન્દ્ર ઠાકર said,

    December 6, 2021 @ 12:48 PM

    પસંદ અપની અપની, ખયાલ અપના અપના! આ કવિતા જો ડૉ. દિલીપ ઝવેરી જે એક સમયે મુંમ્બઈની અનંતવાડીમા રહેતા અને G.T. High Schoolમા ભણેલા…ની ક્રતિ હોય તો જરા નવાઈ લાગે!!

  15. Kajal kanjiya said,

    December 7, 2021 @ 1:07 AM

    ખૂબ સરસ કવિતા
    ખૂબ ખૂબ અભિનંદન 💐

    આસ્વાદ પણ કાળજુ કંપાવી દે એવો

  16. તીર્થેશ said,

    December 7, 2021 @ 2:32 AM

    જી જયેન્દ્રભાઈ, આ એ જ ડૉ દિલીપભાઈ ઝવેરીની રચના છે. તેઓ હાલ થાણે-મુંબઈના નિવાસી છે.

  17. Kavita shah said,

    December 7, 2021 @ 8:11 AM

    કહેવાય છે ને કે ગુરૂ પોતાના એક બે દાવ છુપાવીને રાખે છે.
    પોતાની બધી જ કળા શિષ્યમાં નથી રેડી દેતાં, કેમ..? શું ડર હશે ગુરૂને પોતાનું મૂલ્ય પોતાનું મહત્વ ઓછું થઈ જવાનો ?

    ઈશ્વરને ય શું ડર હશે “મા”નું મૂલ્ય વધી જવાનો ?

    કવિનું કાવ્ય બાળ ફરિયાદથી શરૂ થઈ ખુદ પિતા બને ત્યાં સુધીનું છે. એમાં બાળ ફરિયાદો વાંચતા વાંચતા સુધી તો મને વિરોધી રીત કવિએ અપનાવી હશે એમ સમજી નીતરતો પ્રેમ જ દેખાયો પણ કાવ્ય આગળ વધતું ગયું તેમ “મા” પણ માનવસહજ નિર્બળતાથી પરે નથી એ સમજાયું.

    અલગ એંગલનું કાવ્ય અને આસ્વાદ.

    સ્વીકારું છું હું હચમચાવી મૂકી કાવ્ય એ મને !
    કાવ્યનું અંતિમ ચરણ .. આવું તો કદી સ્વપ્નમાંય મા માટે વિચાર્યું જ નથી !
    જો કે એય સ્વીકારું છું ઘણી મા સાસુ બની સમૂળી બદલાઈ જતી હોય છે. અને એ જ આ ભગવાને કરામત કરી છે પોતાનું આસન બચાવવા ..
    છતાં મા ઈશ્વરથી ઉપર નથી તો ય ઈશ્વરની લગોલગ તો છે જ છે.
    બાળસહજ ફરિયાદો મનમાં ઉઠી હશે કે અણગમો ઘણી વાર અનુભવ્યો હશે દરેકે મારા સહિત, પણ એ અણગમો અને ફરિયાદો અધકચરી પુખ્તતા લાગવા લાગી જ્યારે હું મા બની ત્યારે સમજાયું એ દરેક પાછળ માનો બાળક માટે સદભાવ નકરો પ્રેમ જ હોય છે.

    હા સાસુ બનતી મા માટે સાંભળેલો જોયેલો અનુભવેલો વ્યવહાર હૃદયમાં ખૂંચે એવો છે
    દીકરી અને વહુ માટે અધધધ અંતર, દાદી અને નાની સ્વરૂપે એક જ વ્યક્તિ કેટલી ભિન્ન !
    ઘણો સામાજિક બદલાવ આવી રહ્યો છે છતાં ચિત્ર એનું એ જ છે.
    હું સભાનપણે કે અભાનતાથી એવી ના બનું એવી પ્રાર્થના દરેક મા કરતી તો હોય જ છે.

    સાચું જ કહ્યું છે આસ્વાદક તમે, કઠણ કાળજું હોય એ જ પચાવી શકે આ કાવ્ય.

    મા નો પ્રેમ સમજવા અને મા નાં ઉપકાર ઉતારવા જન્મો લેવા પડે.. પણ, એ ભોળી ઉપકારનું ઋણ ચડવા જ નથી દેતી.

    પ્રેમ પ્રેમ પ્રેમ પૃથ્વી પરની દરેક માતાઓને💟

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment