અછાંદસોત્સવ: ૦૮: સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર
સર્જનપ્રક્રિયાનું વર્ણન અહીં કવિ સમુદ્રના રૂપકથી કરે છે.
ભાષાને સમુદ્ર કહી છે. દેવો અને દાનવોએ – એટલે કે જગતના સારા અને નસરા પરિબળોએ- વલોવીને સરળ કરી નાખી એ પહેલાની ભાષા સુધી કવિ પહોંચ્યા છે. ભાષા પહેલા શબ્દ હતો ને શબ્દ પહેલા સ્વર હતો. ને એનાથી ય પહેલા આદિ રવ હતો – એને પુરાણોમાં નાદ-બ્રહ્મ કહ્યો છે. આપણે ત્યાં વેદના સમયથી નાદ-બ્રહ્મ નો મહિમા છે. સાહિત્ય અને સંગીત બધું એમાંથી ઉતારી આવ્યું છે. ખરા કવિ થવું હોય તો એ નાદ-બ્રહ્મ સુધી પહોંચવું પડે.
વડવાનલ એ સર્જનપ્રક્રિયા સાથે વણાયેલી વેદનાનું પ્રતીક છે. ભીંજાવું (એટલે કે સર્જન કરવું) અને દાઝવું (એટલે કે વેદનામાંથી પસાર થવું) બન્ને અભિન્ન છે.
કવિ ભાષા-સાગરમાં ડૂબકી મારીને આવે તો શું લઈને આવે? એ ભૌતિક કિંમત ધરાવતું કાંઈ ના લાવે. એ તો માત્ર લાવે – આંખમાં નવી ચમક, નવા વિચારો, નવી રચનાઓ!
આ કવિતા મારા દિલની બહુ નજીક છે. વારંવાર હું આ કવિતા વાંચતો રહું છું. કવિએ જે વાત સર્જનપ્રક્રિયા મારે કરી છે એ જ વાત બીજા કોઈ પણ કામને લાગુ પડે છે. કોઈ પણ ચીજનો ખરો અભ્યાસ કરવો હોય તો એના મૂળ સુધી ઉતારવું જોઇએ. અને વેદનામાંથી- જેને આજની ભાષામાં લર્નિગ કર્વ કહે છે- પસાર થવાની તૈયારી રાખવી જ પડે. સાચો અભ્યાસ કર્યા પછી જે જ્ઞાન મળે છે તેને ઉંચકીને ફરવું પડતું નથી. એ તો આંખમાં સ્વતઃ ચમકતું રહે છે.