અછાંદસોત્સવ: ૦૬: મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
– ઉદયન ઠક્કર
આ કાવ્ય કોઈને સમજાવવું પડે એવું નથી. કથા આ કાવ્યમાં સહજતાથી વહે છે. વચ્ચે કવિની ટિપ્પણી પણ એટલી જ સહજતાથી આવે છે. અને છેલ્લે ઉઘડે છે કવિતાનું હાર્દ. આધુનિક કથા-કાવ્યો આપણે ત્યાં ઓછા જ છે. ‘કથા-કાવ્ય’ને ખાલી ‘કથા’ થઇ જતા રોકાવું એ એક અઘરી કળા છે. અહીં એ કળા તમે બખૂબી નિહાળી શકો છો. ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો .. આ કવિતા માટે એનાથી ઓછું કાંઈ ચાલશે નહિ, ને એનાથી વધારે આ કવિતાને કાંઈ ખપશે નહિ.
pragnaju said,
December 14, 2018 @ 8:27 AM
મા ઉદયન ઠક્કરજીના શબ્દ યાદ -‘ કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે? ‘ અને
પોતાના પિતાશ્રીની ભાવભરી શ્રધ્ધાંજલી જેવું આ સુંદર કાવ્ય પ્રગટ્યું .
‘એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’ વાંચતા મા ધવલજીના રસદર્શન ‘ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો. ..’અનુભવાય!
સાથે ઉદયનજી ના શબ્દ પડઘાય -”હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો;
પણ મને પડે છે. મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’
pragnaju said,
December 14, 2018 @ 8:28 AM
મા ઉદયન ઠક્કરજીના શબ્દ યાદ -‘ કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે? ‘ અને
પોતાના પિતાશ્રીની ભાવભરી શ્રધ્ધાંજલી જેવું આ સુંદર કાવ્ય પ્રગટ્યું .
‘એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’ વાંચતા મા ધવલજી રસદર્શન ‘ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો ..’અનુભવાય!
સાથે ઉદયનજી ના શબ્દ પડઘાય -”હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો;
પણ મને પડે છે. મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’
રસિક ભાઈ said,
December 14, 2018 @ 8:56 AM
કવિતા ને અને ટ્વીટને સલામ્
vimala said,
December 14, 2018 @ 3:04 PM
ભીની આંખે કવિતાની સચ્ચાઈને તો સલામ થઈ જ જાય્ સાથે રસદર્શન કરાવનારને અદકેરી સલામ્.
Himanshu Jasvantray Trivedi said,
December 14, 2018 @ 4:05 PM
શ્રી વિવેકભાઈ ટેઈલેર, આભાર માનીએ એલતો ઓછો છે….આપનો અને કવિ શ્રી ઉદયનભાઈ ઠક્કર નો.. સરસ રચના. પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા પુત્ર આવુજ કશું કરી શકે. પ્રેરણાદાયક.
Nashaa said,
December 14, 2018 @ 8:32 PM
ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ
June 17, 2017
મને યાદ છે જ્યારે
મારા પિતા પશ્ચિમનો પર્વત ચડ્યા હતા.
દરરોજ એ વધુ કાપતા હતા
એનું શિખર જેથી અમે વધુ સૂર્યપ્રકાશ
મેળવી શકીએ અમારું અન્ન ઊગાડવા માટે, અને જ્યારે એણે
પૂરતું કાપી નાખ્યું કે જેથી ભરઉનાળે અમને મળી શકે
સૂર્ય વધારાની એક મિનિટ માટે, જે,
બિલકુલ, અતિશયોક્તિ જ છે, એમણે
જાણ્યું કે એમણે કંઈક નક્કર કરી લીધું છે, અને અમને જોવા બોલાવ્યા
સૂર્યને તિરાડમાં ઢળતો
અને અદૃશ્ય થતો.
બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ એમણે ખોદવો ચાલુ રાખ્યો
એ જ ખાડો, વરસમાં એક દિવસ મેળવવા માટે.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ મળશે
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.
શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવા તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો ખાડો હતો, એમનો પ્રકાશ હતો; તેઓ નસીબદાર હતા
કે એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.
– જ્યારે એમણે એક ઝરણું ખોદ્યું અને પાણી ધસી આવ્યું
ધોધ બનીને, ખીણ, શહેરને ભરી દેતું
એક સુંદર તળાવ બનાવતું, ઊંડું,
ઠંડું, અને કયાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓએ જેઓ પર્વત પર
જંગલી ફરતા હતા, હર્ષોલ્લાસ કર્યો, અને વધુ
જંગલી થયા, બધુ આવેશપૂર્ણ. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.
– માઇકલ હેટિચ
(અનુ. : વિવેક મનહર ટેલર)
I Remember When
My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.
Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.
People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.
-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.
– Michael Hettich