અંગત અંગત : ૧૫ : વાચકોની કલમે – ૧૧
લયસ્તરો.કોમની છઠ્ઠી વર્ષગાંઠ અને બે હજારથી વધુ કવિતાઓની ઉજવણી લગભગ બે અઠવાડિયાથી આપણે કરી રહ્યાં છીએ… જીવનમાં અગત્યનો ભાગ ભજવી ગયેલી કવિતાઓ વિશે અમારી સાથોસાથ આપે ઘણા બધા વાચકોની કેફિયત પણ માણી અને સાઇટ-મીટર અને પ્રતિભાવોની સંખ્યા અમને કહી રહ્યાં છે કે આ ઉજવણીને અમારી ધારણા કરતાં પણ ખૂબ વધારે સારો અને હૂંફાળો પ્રતિભાવ સાંપડ્યો છે… આ યાત્રામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાનાર સહુ દોસ્તોનો અંતઃકરણપૂર્વકનો આભાર… કેટલાક મિત્રોની કેફિયત અમે સહિયારા નિર્ણયથી સમાવી શક્યા નથી એ બદલ દિલગીર છીએ…
છેલ્લે છેલ્લે, બે-એક મિત્રોની વાત માણી લઈએ…
*
જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ પડતી અનુભવાય ત્યારે ત્યારે પ્રકૃતિના ખોળે બેસી બાલાશંકર કંથારિયાની “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે” હૈયે આવીને બેસી જાય અને મન શાંત થઇ જાય. તો વળી જીવનમાં ખુશી સાંપડે તો સુંદરમનું પેલું અદભુત કાવ્ય “વિરાટની પગલી”અને “મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે” હોઠ ગણગણવા લાગે. મને યાદ છે દીકરાના જન્મ વખતે, પૌત્ર-પૌત્રીના આગમન ટાણે, પ્રથમ પૂસ્તકના સર્જન સમયે કે આનંદના દરેક અવસરે એ કાવ્ય મનને માંડવડે અચૂક આવીને શોભી ઉઠે.
– દેવિકા ધ્રુવ
*
… દસેક વર્ષ પૂર્વે કાવ્ય લખવાની મારી શરૂઆત હતી. કાવ્ય સ્વરૂપોનો ખાસ ખ્યાલ નહોતો. એવામાં મુંબઈના સાન્તાક્રુઝ પરામાં નિયમિત ભરાતી સાહિત્ય સંસદમાં જવાનું થયું. એ દિવસના વક્તા આવ્યા નહોતા, એ દરમ્યાન નીતાબેન રામૈયાએ મને મારી કોઈ રચના સંભળાવવાનું કહ્યું. મેં એક રચના સંભળાવી. તરત જ શ્રોતાઓમાં બેઠેલા નીતિનભાઈ મહેતાએ કહ્યું, અરે ! આ તો કટાવ છે. અનાયાસે આવેલા કટાવ છંદ વિષે પછી તો મેં સંશોધન આદર્યું. આખરે શ્રી રા. વિ. પાઠક સાહેબના બૃહત પિંગળમાંથી મને માહિતી મળી. શબ્દ સાથેનો નાતો વધુ ઘેરો થયો. પિંગળના વધુ અભ્યાસે મને અનેક દેશી છંદોનો પરિચય કરાવ્યો.
– જ્યોતિ હિરાણી
*
સંજોગોએ મને એવો ઘેરી લીધો કે અંતે પદ્ય રચનાઓ લખ્યા વિના રહેવાયું નહી… પહેલો સંજોગ, જુનાગઢમાં જન્મ. કવિ પ્રફુલ્લ નાણાવટી સાથે કાકા હોવાને નાતે સંયુક્ત કુટુંબમાં રહેવું એ બીજો સંજોગ. કાકાને ત્યાં દર મંગળવારે કવિગોષ્ઠી થતી ત્યારે ખૂણામાં બેસી પ્રતિષ્ઠિત કવિઓ જેવા કે મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ, પ્રફલ્લ નાણાવટી,
બરબાદ જુનાગઢી, દરબાર સાહેબ (રૂસવા મઝલૂમિ), ગોવિંદ ગઢવી વગેરેને ખૂબ સાંભળ્યા, ખૂબ માણ્યા અને કદાચ અજાણતાજ ઉરમાં ઉતાર્યા, એ સંજોગ ત્રીજો ! મારા ખાસ મિત્ર અને રાહબર કવિ ડો, ઉર્વીશ વસાવડાના પ્રથમ સંગ્રહ ‘પીંછાનું ઘર’ ના વિમોચન પ્રસંગે મુશાયરાના માહોલ વખતે કદાચ નાનપણની સંઘરાયેલી ઊર્મિઓ સળવળી અને અંતે મારે પણ કંઈક લખવું એ નિર્ધાર સાથે લખવું શરૂ કર્યુ, એ સંજોગ ચોથો!
– ડૉ. જગદીપ નાણાવટી
*
કેફિયત મોકલનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…