પ્રેરણાપુંજ : ૦૧ : અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ટાગોર
અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.
જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.
ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
– રવીન્દ્રનાથ ટાગોર
(મૂળ બંગાળી પાઠ અહીં ગુજરાતી લિપિમાં મુક્યો છે. મોટા ભાગના શબ્દો સરખા છે એટલે ગુજરાતી જાણતો માણસ તરત સમજી શકે એમ છે. નિરલસ=આળસ વિનાનું, સબાર=સૌના, બંધ=બંધન, છંદ=લય, નિઃસ્પંદિત=સ્થિર, અવિચળ)
*
હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને
વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો.
જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો.
મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો.
સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો.
મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો.
તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા
વગર લીન થાય એમ કરો,
એને આનંદિત આનંદિત કરી મૂકો.
– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ ઉમાશંકર જોશી)
ગુજરાતીમાં એટલી બધી પ્રેરણા આપતી કવિતાઓ છે જે તમને જિંદગી જીવવાનો અને જીતવાનો રસ્તો બતાવે. આ બધી કવિતાઓમાંથી કઈ પસંદ કરવી એ મૂંઝવણનું કામ છે. એટલે કવિતાની પસંદગીમાં મેં દુષ્યંતકુમારની સલાહને અનુસરવાનું નક્કી કર્યું છે: मैं जिसे ओढ़ता-बिछाता हूँ / वो ग़ज़ल आपको सुनाता हूँ. જે કવિતા મારી જિંદગીમાં ખરેખર કામ લાગી છે એ જ હું અહીં મુકું છું.
આજની કવિતા ખરું કહું તો મને વારસામાં મળેલી કવિતા છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલી આ કવિતા મારા પપ્પાની અતિ પ્રિય કવિતા. અને એમના થકી આ કવિતાનો પ્રેમ મને વારસામાં મળેલો. રવિબાબુ તો કવિઓના ય કવિ અને આ વળી એમની ય શ્રેષ્ઠ રચનાઓમાં એક.
આ કવિતામાં પોતાની જાતને ઉન્નતિના ઊંચા સોપાન પર કેવી રીતે લઇ જવી એના બધા પગલાં સમાવી લીધા છે. કવિ પોતાની જાતને નિર્મળ, ઉજ્જવળ, સુંદર, જાગૃત, ઉદ્યમી, નિર્ભય, મંગળ, આળસથી ઉપર અને સંશયથી રહિત કરવા માગે છે. પોતાની જાતને (સ્વાર્થના) બંધનમાંથી છોડીને સકળ વિશ્વ સાથે જોડવા ચાહે છે. પોતાના બધા કર્મમાં ‘અંતરતર’ના શાંત લયનો છાંયો ઈચ્છે છે અને એના જ પગે ચિત્તની સ્થિરતાને પામવા માંગે છે. આ સ્થિતિ છે છલોછલ આનંદની સ્થિતિ !
સરળ ભાષામાં આ ગીત આખી જિંદગીને ઉલ્લાસપૂર્ણ અને સાર્થક કરી નાખવાનો કીમિયો બતાવી દે છે. પ્રેમ, પવિત્રતા અને પુરુષાર્થ ત્રણેનું અહીં એકસાથે આવાહન છે.
છેલે એક વાત ‘અંતરતમ’ શબ્દ માટે. અંતરતમ શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘અંતરનીય અંદર વસેલું’. એનો સામાન્ય અર્થ ઈશ્વર થાય (એ અર્થમાં આ પ્રાર્થના છે ) પણ એનો બીજો અર્થ પ્રિયજન (એ અર્થમાં આ ઉન્નત પ્રેમગીત છે) કે પછી પોતાનો આત્મા (એ અર્થમાં આ સ્વયંસિધ્ધિનું બુલંદ ગીત છે ) પણ લઇ શકાય.